કુર્લાની સિંગલ મધરની મહેનત રંગ લાવી, દીકરો IGCSE બોર્ડમાં લાવ્યો ૯૪.૪%

22 May, 2020 12:51 PM IST  |  Mumbai | Urvi Shah Mestry

કુર્લાની સિંગલ મધરની મહેનત રંગ લાવી, દીકરો IGCSE બોર્ડમાં લાવ્યો ૯૪.૪%

કુર્લા (વેસ્ટ)માં સુંદરબાગ ગલીમાં આવેલી ચૉલમાં રહેતો હર્મિક દોશી મંગળવારે જાહેર થયેલા IGCSE કૅમ્બ્રિજ ઇન્ટરનૅશનલ બોર્ડ એક્ઝામિનેશનમાં ૯૪.૪ ટકા, 5A* ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયો હતો. હર્મિકે પોતાની સફળતા પાછળનું શ્રેય મમ્મીને આપ્યું હતું. હાર્ડ વર્કની સાથે સ્માર્ટ વર્ક કરવું જોઈએ એમ જણાવતાં હર્મિકે મિડ-ડેને કહ્યું હત઼ું કે મારા ઘરમાં મારી મમ્મી, હું અને મારી બહેન સાથે રહીએ છીએ. મારી મમ્મીએ અનેક દુઃખ ઉઠાવીને મને ભણાવ્યો છે. મારો ફ્યુચર ગોલ આઈઆઈટી કરવાનો છે. આથી જીમૅટની પરીક્ષા માટે મેં અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમારી આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી મને ભણાવવા માટે પહેલા ધોરણથી જ મારી સ્કૂલની ફી માટે મમ્મી ટ્રસ્ટની અને ફાઉન્ડેશનની મદદ લઈને કઠોર પરિશ્રમ કરીને મને ભણાવી રહી છે.’

મારા દીકરા હર્મિક પર મને પ્રાઉડ છે એમ જણાવતાં રૂપલ દોશીએ મિડ-ડેને કહ્યું હતું કે ‘ગ્રાઉન્ડ ફ્લોર પર ઘર હોવાથી આજુબાજુમાંથી સતત નૉઇઝ પૉલ્યુશન તેમ જ ચોમાસા દરમિયાન ઘરમાં પાણી ભરાઈ જતાં બેસવાની પણ જગ્યા નહોતી એવા સમયે પણ હિમંત હાર્યા વગર હર્મિકે તેના સ્ટડી પર પૂરું ફોકસ કર્યું હતું. મારી આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી લોકો મને કહેતા કે શું કામ તું દીકરાને આટલી મોંઘી સ્કૂલમાં ભણાવે છે? ભણવા પાછળ આટલો ખર્ચો નહીં કર, વગેરે જેવી ઍડવાઇઝ મને લોકો તરફથી મળતી રહેતી. પરંતુ મેં લોકોનું સાંભળ્યું નહોતું, કેમ કે મને મારા દીકરા પર વિશ્વાસ છે કે મારો દીકરો તેજસ્વી છે. તે જરૂર આગળ વધશે અને અમારી પરિસ્થિતિને બદલશે.’

mumbai mumbai news kurla urvi shah-mestry