નશામાં ભજનગાયકે કર્યાં ટીનેજર સાથે અડપલાં

30 March, 2023 09:51 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

બોરીવલીના રેલવે બ્રિજ પર ટ્રેનની રાહ જોતી વિદ્યાર્થિનીની છેડછાડ કરનાર આરોપીને પોલીસે સીસીટીવી કૅમેરાનાં ફુટેજની મદદથી વિરારથી શોધી કાઢ્યો

બોરીવલી જીઆરપી દ્વારા ટીનેજરની છેડતી કરનારની ધરપકડ કરવામાં આવી

બોરીવલી રેલવે સ્ટેશન પર સવારે પરીક્ષા આપવા જઈ રહેલી એક ટીનેજરની છેડતી અને ગળે મળીને કિસ કરવાના આરોપસર ૩૨ વર્ષના ગુજરાતી ભજનગાયકની ધરપકડ કરવામાં આવી છે. બોરીવલી જીઆરપીએ સ્ટેશન પરિસર, બ્રિજ, પ્લૅટફૉર્મ એમ અનેક ઠેકાણેનાં સીસીટીવી કૅમેરાનાં ફુટેજ તપાસ્યાં હતાં અને એના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી વિવિધ ઠેકાણે ભજન કરવા જતો હતો.

આ બનાવ વિશે માહિતી આપતાં બોરીવલી જીઆરપીના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર અનિલ કદમે જણાવ્યું હતું કે ‘૨૬ માર્ચે સવારે સવાછ વાગ્યે બોરીવલી રેલવે સ્ટેશન પર ચર્ચગેટની દિશાએ આવેલા રેલવે બ્રિજ પર ૧૯ વર્ષની એક વિદ્યાર્થિની કૉલેજ જવા માટે ટ્રેનની રાહ જોતાં ઊભી હતી. તેની પરીક્ષા હોવાથી તે બ્રિજ પર બુક લઈને વાંચી રહી હતી. એ વખતે ત્યાં એક વ્ય‌ક્તિ આવી હતી અને ટીનેજરની બાજુમાં જઈને બેસી ગઈ હતી. ટીનેજરે પહેલાં તેના પર ધ્યાન નહોતું આપ્યું, પરંતુ તે વ્ય​ક્તિએ વાત કરવાની કો‌શિશ કરીને ટીનેજરનો હાથ પકડીને તેની કમરમાં હાથ લગાવ્યો હતો. એથી ટીનેજર ડરી ગઈ હતી અને ત્યાંથી ઊઠીને ચાલવા લાગતાં આરોપીએ તેનો પીછો કર્યો હતો અને તેને ગળે લગાવવાના બહાને કિસ કરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યાર બાદ આરોપી ત્યાંથી ભાગી ગયો હતો. જોકે આ બનાવ વિશે ફરિયાદ નોંધાતાં પોલીસની ટીમે સ્ટેશન પરિસરના અનેક સીસીટીવી કૅમેરાનાં ફુટેજ ચેક કરતાં આરોપીનો ચહેરો જોવા મળ્યો હતો. ઉપરાંત બાતમીદારે આપેલી માહિતી પ્રમાણે પોલીસે તેને વિરાર રેલવે સ્ટેશનના પરિસરમાંથી પકડી પાડ્યો હતો.’

પોલીસ અ‌ધિકારી અનિલ કદમે વધુમાં ઉમેર્યું હતું કે ‘૩૨ વર્ષનો આરોપી દીપક ગોવિંદદેવી પૂજારી વિરાર-ઈસ્ટના ફુલપાડાનો રહેવાસી છે અને મૂળ ગુજરાતનો છે. કોઈ મૃત્યુ પામે ત્યારે તેની દસમા-બારમાની વિધિમાં, કોઈના જન્મદિવસે વગેરે કાર્યક્રમોમાં તે ભજન ગાતો હતો. બનાવના દિવસે પણ તે બોરીવલી-વેસ્ટમાંથી કોઈ ભજનના કાર્યક્રમમાંથી આવ્યો હતો. કાર્યક્રમમાંથી તે ઘરે જઈ રહ્યો હતો. એ વખતે તે નશામાં હોવાથી તેણે આ કૃત્ય કર્યું હોવાનું જણાવ્યું હતું. આરોપીને કોર્ટમાં હાજર કરતાં તે જુડિશ્યલ કસ્ટડીમાં છે.’

mumbai mumbai news borivali mumbai police preeti khuman-thakur