10 February, 2026 08:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વસઇ-વિરાર મહાનગરપાલિકાનું મુખ્ય કાર્યાલય
વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશન (VVMC) પાસે મેયરને આપવા સરકારી નિવાસસ્થાન ન હોવાથી તેમને દર મહિને વાહન ભથ્થું આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહાનગરપાલિકાની ચૂંટણી પતી ગયા પછી પાંચ વર્ષ પછી નગરસેવકોએ કામકાજ સંભાળી લીધું છે ત્યારે ચૂંટાઈ આવેલા નગરસેવકોને આપવા સરકારી આવાસ ન હોવાથી તેમણે આપેલી અરજીના આધારે તેમને વાહનો આપવા અથવા વાહન ભથ્થાં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંતર્ગત મેયર, ડેપ્યુટી મેયર, સ્ટૅન્ડિંગ કમિટીના અધ્યક્ષ, જૂથ નેતા, વિરોધ પક્ષના નેતા અને અન્ય પદાધિકારીઓને વાહન ભથ્થું આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. નક્કી કરાયેલા દર અનુસાર મેયરને મહિનાના ૭૫,૦૦૦ રૂપિયા, ડેપ્યુટી મેયર અને સ્ટૅન્ડિંગ કમિટીના અધ્યક્ષને ૬૫,૦૦૦ રૂપિયા, વિરોધ પક્ષના નેતાને ૫૦,૦૦૦ રૂપિયા અને જૂથ નેતાને દર મહિને ૪૫,૦૦૦ રૂપિયા વાહન ભથ્થું મળશે.
મ્યુનિસિપલ કમિશનરને પણ મેયરની જેમ જ ૭૫,૦૦૦ રૂપિયાનું વાહન ભથ્થું મળે છે. એ સિવાય ઍડિશનલ કમિશનર, ડેપ્યુટી કમિશનર, ચીફ અકાઉન્ટ્સ ઍન્ડ ફાઇનૅન્સ ઑફિસર, ટાઉન પ્લાનિંગ ડેપ્યુટી કમિશનર, અસિસ્ટન્ટ કમિશનર, સિટી એન્જિનિયર, એક્ઝિક્યુટિવ એન્જિનિયર, ચીફ મેડિકલ ઑફસર અને ડેવલપમેન્ટ ચીફને દર મહિને ૪૫,૦૦૦નું વાહન ભથ્થું આપવામાં આવે છે. VVMC ‘સી’ કૅટેગરીનું કૉર્પોરેશન હોવાથી નગરસેવકોને દર મહિને ૧૦,૦૦૦ રૂપિયાનું માનધન પણ મળશે.