હીરાવાળાની ઘરવાપસી

14 January, 2021 12:30 PM IST  |  Mumbai | Prakash Bambhrolia

હીરાવાળાની ઘરવાપસી

સુરતમાં પહેલાં કામકાજ કરતા પ્રદીપ કાછડિયાએ અમરેલી જિલ્લાના લાઠી પાસેના સરકારી પીપળિયા ગામમાં સ્થિર થઈને ડાયમંડનું કામકાજ શરૂ કર્યું.

કોરોનાને લીધે દેશભરમાં મહિનાઓ સુધી લાગુ કરાયેલા લૉકડાઉનને લીધે અનેક વ્યવસાયને ભારે નુકસાન થયું છે. મુંબઈ, અમદાવાદ કે સુરત જેવાં મોટાં શહેરોમાં સ્થિતિ સૌથી જોખમી બનતા અહીં કામકાજ કરતા અસંખ્ય લોકોએ વતનની વાટ પકડવી પડી હતી. હવે જ્યારે સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે ત્યારે મોટા ભાગના લોકો શહેરોમાં પાછા આવ્યા છે, પરંતુ ડાયમંડ પૉલિશનું કામ કરતા અસંખ્ય લોકોએ વતનમાં જ કાયમી વસવાટ કરીને કારખાનાં ચાલુ કર્યાં હોવાનું જાણવા મળ્યું છે. વર્ષોથી ગામથી શહેરો તરફ થઈ રહેલું માઇગ્રેશન કોવિડના સંકટમાં રિવર્સ ગિયરમાં મુકાયું છે.
કહેવાય છે કે દુનિયામાં વેચાતા પ્રત્યેક ૧૦ હીરામાંથી ૮ ડાયમંડના પૉલિશ સુરતમાં થાય છે. પચીસથી ત્રીસ વર્ષ પહેલાં મુંબઈ અને સુરતમાં હીરાનું ટ્રેડિંગ થતું અને નાનાં ગામડાઓમાં પૉલિશ થતું હતું. સમયાંતરે સુરતમાં ડાયમંડ પૉલિશની મોટી કંપનીઓ અસ્તિત્વમાં આવતાં ભાવનગર, અમરેલી, જૂનાગઢ કે હિંમતનગર અને અમદાવાદમાં ડાયમંડ પૉલિશનાં કારખાનાં બંધ થઈ ગયાં. આથી મોટા પ્રમાણમાં ગામના લોકોનું શહેર તરફ માઇગ્રેશન ચાલુ થયું જે કોરોનાકાળની શરૂઆત સુધી ચાલુ રહ્યું હતું.
મોટાં શહેરમાં મોટી આવકની સાથે ખર્ચ પણ મોટા હોય છે, પણ જ્યારે મંદી કે બીજી કોઈ સમસ્યા આવે અને કામકાજ ઠપ થઈ જાય ત્યારે શહેરમાં લોકોનું ટકવાનું મુશ્કેલ બની જાય છે. ગયા વર્ષે માર્ચ મહિનાથી કોવિડની ઍન્ટ્રી થયા બાદ મહિનાઓ સુધી લૉકડાઉન રહેવાને લીધે લોકોએ વતનની વાટ પકડી હતી. હવે જ્યારે લૉકડાઉનમાં છૂટછાટ અપાઈ છે ત્યારે લોકો શહેર તરફ પાછા વળી રહ્યા છે, પરંતુ ડાયમંડ સાથે સંકળાયેલા અનેક પરિવારોએ ગામમાં જ કાયમી વસવાટ કરી લીધો છે.
સુરતમાં એક હીરાના કારખાનામાં મૅનેજર તરીકે કામ કરતા પ્રદીપ કાછડિયાનું ગામ અમરેલી જિલ્લાના લાઠી નજીકનું સરકારી પીપળિયા છે. લૉકડાઉનમાં કારખાનાં બંધ થયાં. આવક ન હોવાથી પ્રદીપભાઈ પરિવાર સાથે ગામ જતા રહ્યા. એમણે ગામમાં જ ડાયમંડ પૉલિશ કરવાનું કારખાનું ચાલુ કરીને પોતાની સાથે ૪૦ લોકોને રોજગાર આપ્યો છે.
પ્રદીપ કાછડિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગામમાં રહેવાના અનેક ફાયદા છે. અહીં હીરા પૉલિશ કરવાની ૧૭ ઘંટી મેં જેટલી જગ્યામાં ચાલુ કરી છે એટલી જગ્યા સુરતમાં રાખું તો ૩૦થી ૪૦ હજાર ભાડું થાય. અહીં માત્ર ત્રણ હજારમાં કામકાજ ચાલુ થઈ ગયું છે. બીજું, અમે ખેડૂત છીએ એટલે ખેતીની સીઝનમાં હાથે કામ કરીએ તો બીજાઓને મજૂરી ન આપવી પડે. ધંધાની સાથે ખેતી પણ સચવાય અને રૂપિયાની પણ બચત થાય. આ વાત મારા મગજમાં બેસતા ગામમાં જ કાયમી વસવાટ કરવાનો નિર્ણય લીધો છે.’
સુરતમાં સૌથી વધુ ડાયમંડ પૉલિશનાં કારખાનાં છે. અહીંથી અનેક લોકોએ લૉકડાઉનમાં ઉચાળા ભર્યાં છે અથવા કામકાજ ઓછાં કર્યાં છે. આ વિશે જેમ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના રિજનલ ચૅરમૅન (ગુજરાત) દિનેશ નાવડિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોવિડે દુનિયા આખી બદલી નાખી. ડાયમંડનાં કામકાજમાં પણ ધરખમ બદલાવ આ કાળમાં આવ્યો છે. મોટાં કારખાનાં રૂટિનમાં આવી ગયાં છે, પરંતુ મોટી સંખ્યામાં વતન ગયેલા કારીગરો પાછા નથી આવ્યા. આથી ભાવનગર, અમરેલી, જૂનાગઢ, મહેસાણા, અમદાવાદ અને હિંમતનગર વગેરે જિલ્લામાં રહેતા અનેક લોકોએ ગામમાં જ ડાયમંડ પૉલિશનાં યુનિટ ચાલુ કર્યાં છે. પોતાની સાથે તેઓ અસંખ્ય લોકોને ગામમાં જ રોજગાર આપી રહ્યા છે. આ રિવર્સ માઇગ્રેશનથી બધાને ફાયદો થઈ રહ્યો છે.’
જેમ સુરતથી લોકો વતન ગયા એવી રીતે મુંબઈમાં ડાયમંડ પૉલિશનું કામ કરતા અનેક લોકોએ મોટી જગ્યાઓ કાઢી નાખીને નાનકડી ઑફિસ મુંબઈમાં રાખીને બાકીનું કામકાજ સુરત કે નાનાં ગામમાં શિફ્ટ કર્યું હોવાનું જાણવા મળે છે. દહિસરના વર્ધમાન ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ડાયમંડ પૉલિશના કોવિડ પહેલાં ત્રણ કારખાનાં ચલાવતા મહેશ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહિનાઓ સુધીના લૉકડાઉનને લીધે આર્થિક કમર તૂટી જતાં અમે અહીંના બે યુનિટ બંધ કરી દીધાં છે. એની સામે એટલા જ ખર્ચમાં સુરત અને મારા ગામમાં ચારગણું મોટું કામ થઈ રહ્યું છે.’

ડાયમંડમાં ડિમાન્ડ નીકળતાં માહોલમાં સુધારો
મોટા ભાગના પૉલિશ ડાયમંડનું વેચાણ મુંબઈમાં થાય છે. દિવાળી બાદ આ માર્કેટમાં સુધારો થવા વિશે જેમ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના વાઇસ ચૅરમૅન વિપુલ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઑનલાઈન પર્ચેસ અને ચીન સહિતના દેશો તથા ભારતની લોકલ માર્કેટમાં ડાયમંડની સારી ખરીદી નીકળી હોવાથી કોવિડ પહેલાં ડાયમંડની માર્કેટની જે સ્થિતિ હતી એ લાંબા લૉકડાઉન બાદ ખૂલી થઈ છે, જે બજાર માટે ખૂબ સારી નિશાની છે.’

mumbai news mumbai prakash bambhrolia