બોરીવલીમાં લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રાનું સ્વાગત થશે સાદાઈથી જ

03 November, 2011 07:27 PM IST  | 

બોરીવલીમાં લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રાનું સ્વાગત થશે સાદાઈથી જ



 

(જગદીશચંદ્ર ભટ્ટ)


મુંબઈ, તા. ૩


અડવાણીની જનચેતના યાત્રાનો મૂળ હેતુ વ્યાપક ભ્રષ્ટાચાર સામે દેશભરમાં સામાજિક જાગૃતિ ફેલાવવાનો હોવાથી પક્ષના આદેશ મુજબ તમામ વ્યવસ્થા સંપૂર્ણ સાદગીપૂર્ણ રહેશે. આમ છતાં લાલકૃષ્ણ અડવાણી જેવા સિનિયર નેતા કોરા કેન્દ્રના મેદાનમાં જાહેર જનતાને સંબોધન કર્યા બાદ તેમની રથયાત્રાના કાફલા સાથે પહેલી જ વખત બોરીવલીમાં રાતવાસો કરવાના હોવાથી બીજેપીના નેતાઓ અને કાર્યકરોમાં જબરો ઉત્સાહ-ઉમંગ દેખાઈ રહ્યો છે.


સ્ટેજ અને બેઠકવ્યવસ્થા


લાલકૃષ્ણ અડવાણીની જાહેર સભા માટે કોરા કેન્દ્રના વિશાળ મેદાનમાં ૬૦ ફૂટ લાંબું અને ૩૦ ફૂટ પહોળું મજબૂત સ્ટેજ બની રહ્યું છે. તેમની સાથે ૫૦ સુરક્ષા-કર્મચારીઓ, ડ્રાઇવરો અને ૨૫ પત્રકારો વગેરે મળીને લગભગ ૧૨૫ વ્યક્તિઓનો કાફલો હશે. અડવાણીની રથયાત્રા રામનગરમાં થઈને કોરા કેન્દ્રના મેદાનમાં પ્રવેશશે.


ક્યાં રોકાશે?


અડવાણી અને તેમના કાફલાનું રાત્રિરોકાણ બોરીવલીમાં જ રહેશે. આવતી કાલે રાતે આઠેક વાગ્યે કોરા કેન્દ્રના મેદાનમાં જાહેર જનતાને સંબોધન કર્યા બાદ અડવાણી તેમના સાથીઓ અને પત્રકારો સાથે ગ્રેન વિલે નામની હોટેલમાં રાત્રિરોકાણ કરવાના છે. ગ્રેન વિલે હોટેલમાંની વ્યવસ્થા સંભાળતા મુંબઈ બીજેપીના ઉપપ્રમુખ અને ભૂતપૂર્વ વિધાનસભ્ય હેમેન્દ્ર મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે અડવાણીજી અને તેમના સાથીદારો માટે આખી હોટેલના પાંચેય માળના બધા જ રૂમો અગાઉથી બુક કરી લીધા છે. હોટેલમાં કુલ ૨૫ રૂમ છે, જેમાં ૧૦ વીઆઇપી અને ૧૫ એક્ઝિક્યુટિવ રૂમનો સમાવેશ છે.’


કડક સુરક્ષાવ્યવસ્થા


અડવાણીની સુરક્ષાવ્યવસ્થામાં કોઈ જ તબક્કે ખામી કે કચાશ ન રહી જાય એની પૂરતી કાળજી લેવામાં આવશે. આ મહત્વની બાબતને ધ્યાનમાં રાખીને હોટેલના માલિકો ગિરીશ પાતાણી અને સંજય પાતાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી હોટેલમાં કુલ ૨૪ સીસીટીવી (ક્લોઝ્ડ-સર્કિટ ટીવી) કૅમેરા ગોઠવ્યા છે. ઉપરાંત અમારા ૪૦ કર્મચારીઓને પોલીસ આઇ-કાર્ડ આપશે.’


સાદી વ્યવસ્થા


લાલકૃષ્ણ અડવાણી અને તેમની પુત્રી પ્રતિભા રાત્રે હોટેલના પાંચમા માળે રહેશે. ગ્રેન વિલેના પાંચમા માળના રૂમનંબર ૫૦૧, ૫૦૨, ૫૦૩, ૫૦૪ અને ૫૦૫ તેમના માટે ફાળવવામાં આવ્યા છે. આ પાંચેય ડીલક્સ રૂમો છે. જોકે એમાં કોઈ વિશેષ સુવિધા નહીં હોય. ભોજનમાં પણ અડવાણી સાદો અને સાત્વિક ખોરાક જ લેવાના હોવાનું હોટેલના સૂત્રોએ ‘મિડ-ડે’ને કહ્યું હતું.

વાશી માર્કેટના વેપારીઓ યાત્રાનું સ્વાગત કરવા કાલે બે કલાક વહેલું કામકાજ પતાવશે

નવી મુંબઈમાં આવેલી એપીએમસી (ઍિગ્રકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી) માર્કેટના બીજેપી (ભારતીય જનતા પાર્ટી)ના સમર્થક વેપારીઓ આવતી કાલે સાંજે ચાર વાગ્યે નવી મુંબઈના ઐરોલીથી મુંબઈમાં પ્રવેશી રહેલી બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની જનચેતના યાત્રા માટે બે કલાક વહેલી માર્કેટ બંધ કરી ઐરોલી પાસે એના પર પુષ્પવર્ષા કરીને એનું સ્વાગત કરશે. બીજેપી-મુંબઈના ગુજરાતી વિભાગના સક્રિય કાર્યકર અને ઘાટકોપરના ભૂતપૂર્વ નગરસેવક મંગલ ભાનુશાલીએ ‘મિડ-ડે’ને આ માહિતી આપતાં કહ્યુુંં હતું કે ‘બીજેપીના ભૂતપૂર્વ વિધાનસભ્ય અતુલ શાહ અને બીજેપી-ઘાટકોપર મંડળે મંગળવારે સાંજે ૫.૩૦ વાગ્યે એપીએમસી માર્કેટની ઑફિસમાં વેપારીઓ સાથે થયેલી મીટિંગમાં આ નર્ણિય લેવામાં આવ્યો હતો, જેમાં એવું નક્કી થયું હતું કે લાલકૃષ્ણ અડવાણી આવતી કાલે સાંજે ૪ વાગ્યે ઐરોલી પહોંચે ત્યારે તેમના ભવ્ય સ્વાગત માટે એપીએમસી માર્કેટના વેપારીઓ સામાન્ય રીતે સાંજે ૬ વાગ્યે તેમનું કામકાજ બંધ કરે છે એને બદલે બે કલાક વહેલું કામકાજ બંધ કરશે. ત્યાર બાદ તેઓ મોટી સંખ્યામાં ઐરોલી જઈ જનચેતના યાત્રા પર પુષ્પવર્ષા કરીને અડવાણીનું સ્વાગત કરશે.’