ધોધમાર વરસાદ છતાં શ્રી વાગડ વીસા ઓસવાળ ચોવીસી મહાજનની ચૂંટણીમાં લોકો અડીખમ રહ્યા

17 October, 2011 09:13 PM IST  | 

ધોધમાર વરસાદ છતાં શ્રી વાગડ વીસા ઓસવાળ ચોવીસી મહાજનની ચૂંટણીમાં લોકો અડીખમ રહ્યા

 

 

 

(કાજલ ગોહિલ-વિલ્બેન)

અંધેરી, તા. ૧૭

સમાજના ઇતિહાસનાં ૮૦૦ વર્ષમાં પહેલી વાર લોકોને તેમની મરજીથી પોતાના પ્રતિનિધિઓ ચૂંટવાનો મોકો મળ્યો

સવારના ૯ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી શ્રી વાગડ વીસા ઓસવાળ ચોવીસી મહાજન સમાજના લોકોએ મોટી સંખ્યામાં ચૂંટણી માટે હાજરી તો નોંધાવી જ, પણ સાથે ધોધમાર વરસતા વરસાદમાં તેમના વોટ દ્વારા જીતીને આવેલા પ્રમુખ, ઉપ-પ્રમુખ, ખજાનચી, સહ-ખજાનચીને તેમની જીતની વધામણી આપવા રોકાયા હતા. આ વિશે ચૂંટણી-અધિકારી અમૃતલાલ છાડવાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘શ્રી વાગડ વીસા ઓસવાળ ચોવીસી મહાજન સમાજના ઇતિહાસનાં ૮૦૦ વર્ષમાં પહેલી વાર લોકોને તેમની મરજીથી પોતાના પ્રતિનિધિઓ ચૂંટવાનો મોકો મળ્યો છે એનો ઉત્સાહ જ લોકોમાં એટલો બધો છે કે તેમને આ વરસાદ પણ ડગાવી શક્યો નથી. વરસાદને કારણે વોટની ગણતરીની પ્રક્રિયા ધીમી થતી ગઈ હોવાનું ખબર પડવા છતાં લોકો ટસથી મસ થવા તૈયાર નહોતા અને તેમના ઉત્સાહની તો શું વાત કરું અમારા સમાજમાં કાર્યરત વિવિધ યુવા સમાજ અને મહિલા સમાજના લોકો ઉપરાંત સંસ્થાનોના મળીને કુલ ૨૭૨ વૉલન્ટિયરો, ૧૨ ચૂંટણી સહ-અધિકારીઓ અને મારા ઉપરાંત લક્ષ્મીચંદ ચરલા અને હસમુખ વેલજી શાહે સરળ અને નિયંત્રિત રીતે ચૂંટણી પાર પડે એ માટે સામે ચાલીને મહત્વનું યોગદાન આપ્યું હતું.’

ચૂંટણીમાં ફક્ત પાંચ હજારની સંખ્યામાં વોટિંગ થવાની આશા હતી ત્યાં કુલ ૭૩૩૬ વોટ મતપેટીમાં પડ્યા હતા. સવારના ૯ વાગ્યાથી શરૂ થયેલી આ ચૂંટણીના વિજેતા વિશે ચૂંટણી-અધિકારી અમૃતલાલ છાડવાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘છેલ્લાં પાંચ વર્ષમાં લક્ષ્મીચંદ ચરલા અને તેમના સાથીઓએ જે રીતે સમાજને એક પ્લૅટફૉર્મ આપ્યું છે, તેમના હકો અને ખાસિયતો લોકો સામે મૂક્યાં અને સમાજના દરેક વર્ગને સહાયરૂપ થયા છે આ બધાને ધ્યાનમાં લેતાં લક્ષ્મીચંદ ચરલા અને તેમના સાથીઓ જ વિજયને વરવા યોગ્ય છે અને દરેક મહેનત કરનારને તેમની મહેનતનું ફળ તો મળે જ છે એથી જ લાકડિયામાં થયેલા શ્રી વાગડ વીસા ઓસવાળ ચોવીસી મહાજન મતદાનમાં લક્ષ્મીચંદ ચરલા કુલ પડેલા ૩૯૯ વોટમાંથી બહુમતી સાથે કુલ ૩૦૨ મતોથી વિજય થયા છે.’

શ્રી વાગડ વીસા ઓસવાળ ચોવીસી મહાજન સમાજના દરેક મતદાતાને મોઢે એક જ નામ ચડી આવેલું જણાઈ રહ્યું હતું તે છે લક્ષ્મીચંદ ચરલા. તેમણે લોકોના આ તેમના પ્રત્યેના પ્રેમ વિશે કહ્યું હતું કે ‘છેલ્લા આખા અઠવાડિયામાં મેં ફક્ત ૨૨ કલાક જેટલી જ ઊંઘ લીધી હશે, પણ આજે મારા પ્રત્યેનો લોકોનો પ્રેમ અને ઉત્સાહ જોઈને મારો બધો થાક ઊતરી ગયો છે અને હવે સમાજને સાથે લઈને તેમના માટે હૉસ્પિટલો, કૉલેજો બનાવવાના કામમાં મારે મારા સાથીઓ સાથે લાગી જવાનું છે.’

જ્યારે બીજી તરફ ફરી શ્રી વાગડ વીસા ઓસવાળ ચોવીસી મહાજન સમાજની ચૂંટણીમાં મંત્રી તરીકે પોતાની ઉમેદવારી નોંધાવનાર ઘાટકોપરના નગરસેવક પ્રવીણ છેડાએ કહ્યું હતું કે ‘અમે મલાડમાં અમારા સમાજની ૨૪૦૦ સ્ક્વેરફૂટની એક ઑફિસ બનાવી રહ્યા છીએ જ્યાં અમે સરકારી યંત્રણાનો ઉપયોગ કરીને અમારા સમાજના લોકોને સારામાં સારી સગવડો આપવા પ્રયત્ન તો કરીશું જ, પણ અમારા યુવાનોને પણ આગળ આવવા પ્રેરીશું.’