આરોપની સામે વળતો આરોપ

10 January, 2023 08:45 AM IST  |  Mumbai | Mehul Jethva

શ્રી મુલુંડ ક્ષત્રિય રાજપૂત સમાજના ૧૩૦ પરિવારની ત્રણ વર્ષથી થઈ રહેલી હેરાનગતિના કેસમાં હવે આવ્યો જોરદાર ટ્‍વિસ્ટ

આરોપી નવીન રાઠોડ અને સમાજના પ્રમુખ જિતુ મકવાણા

જામીન પર છૂટેલા નવીન રાઠોડે સમાજના પ્રમુખ પર જ આરોપ કરીને કહ્યું કે મને ફસાવવામાં આવ્યો છે. સામે પક્ષે જિતુ મકવાણાનું કહેવું છે કે તે ફસાઈ ગયો હોવાથી મારા પર ખોટા આરોપ કરી રહ્યો છે

મુલુંડમાં રહેતા શ્રી મુલુંડ ક્ષત્રિય રાજપૂત સમાજના આશરે ૧૩૦ નાગરિકોના નામે ડીમૅટ અકાઉન્ટ ખોલાવીને કરોડો રૂપિયાનું ટ્રાન્ઝૅક્શન કરવાના આરોપસર પકડાયેલા નવીન રાઠોડને કોર્ટમાંથી જામીન મળતાં ‘મિડ-ડે’એ તેની સાથે વાત કરી હતી. આ વાતચીતમાં તેણે સમાજના લોકોએ જે આરોપ લગાવ્યા છે એ બાબતે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે ‘મને ફસાવવા માટેની આ એક સાઝિશ છે. મોટાં માથાં બચી જાય અને હું ફસાઈ જાઉં એવો આખો પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. જોકે મને ન્યાયવ્યવસ્થા પર વિશ્વાસ છે. જો હું દોષી હોઈશ તો મને સજા મળશે.’

સમાજના ૧૩૦ સભ્યોને ટૅક્સ-કન્સલ્ટન્ટ દ્વારા શરૂ કરાયેલા ડીમૅટ અકાઉન્ટમાં થયેલા વ્યવહારોના ટૅક્સની ચુકવણી વિશેની નોટિસો આવી હતી જેમાં તેમના નામે લાખો રૂપિયાનો ટૅક્સ ભરવાનો આવ્યો હતો. ઇન્કમ ટૅક્સ વિભાગે કેટલાક લોકોનાં બૅન્ક-ખાતાં પણ ફ્રીઝ કરી દીધાં હતાં. એ પછી પ્રાથમિક માહિતાના આધારે મુલુંડ પોલીસે ૨૦૧૯માં આરોપી નવીન રાઠોડ સામે ગુનો નોંધ્યો હતો. એ પછી નવીન રાઠોડે આગોતરા જામીન માટે સેશન્સ કોર્ટ, હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી અરજી કરી હતી. જોકે ત્રણે કોર્ટમાં તેની આગોતરા જામીનની અરજી ફગાવવામાં આવી હતી. અંતે મુલુંડ પોલીસે તેની ગયા અઠવાડિયે ધરપકડ કરી હતી. પાંચ દિવસ તેની પોલીસ-કસ્ટડી લીધા પછી તેને ફરી વાર કોર્ટમાં હાજર કરતાં કોર્ટ તરફથી જામીન આપવામાં આવ્યા હતા.

‘પોલીસે ધરપકડ કરીને મારી પાસે પાંચ દિવસ સુધી સ્ટેટમેન્ટ લીધું હતું. તેમને મારી પાસેથી કોઈ ચોક્કસ પુરાવા મળ્યા નહોતા. એ પાછળનું કારણ એ છે કે આ કેસમાં મારું કોઈ પ્રકારનું ઇન્વૉલમેન્ટ નથી, જેની પ્રાથમિક તપાસ કરનાર પોલીસને પણ જાણ થઈ હતી. મારો વ્યવસાય માત્ર સ્ટૉક માર્કેટનો છે, બીજી કોઈ પણ ચીજની મને ખબર નથી. જે લોકો મારા પર આરોપ કરે છે એમાંની એક પણ વ્યક્તિ પાસે મેં ડૉક્યુમેન્ટ્સ લીધા નથી એ તેમને પણ ખબર છે. કોઈ મોટી વ્યક્તિને પાછળ રાખવા મને આ કેસમાં ફસાવવામાં આવી રહ્યો છે. આ કામ સમાજના પ્રમુખ જિતુ મકવાણા ભજવી રહ્યા છે. હું પણ સમાજના મંત્રીપદ પર રહી ચૂક્યો છું. મારા સમાજના ભાઈઓને થતી પરેશાનીમાં હું પણ તેમની સાથે ઊભો રહેવા તૈયાર છું. જો તેઓ મારી સાથે બેસીને વાત કરશે તો તેમને જાણ થશે કે મારી સામે જે ષડયંત્ર તૈયાર કરવામાં આવ્યું હતું એના કારણે હું છેલ્લાં ચાર વર્ષથી મુશ્કેલી ભોગવી રહ્યો છું. મારી માતાનું મૃત્યુ પણ આ જ આઘાતને કારણે થયું છે. છેલ્લે હું એટલું જ કહીશ કે મને ન્યાયદેવતા પર વિશ્વાસ છે. જો હું દોષી હોઈશ તો મને સજા મળશે.’

મુંબઈ ક્ષત્રિય કચ્છી રાજપૂત સમુદાયના પ્રમુખ જિતુ મકવાણાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી નવીન રાઠોડ એકદમ ખોટો માણસ છે. તેણે ક્ષત્રિય રાજપૂત સમાજ અને અન્ય સમાજના લોકોને પણ ફસાવ્યા છે. અમારી સાથે છે એ બધા બીજી અને ચોથી ચોપડી ભણેલા લોકોને છેતરપિંડી કરવાના ઇરાદાથી બોગસ કંપનીઓમાં ડિરેક્ટર બનાવ્યા છે. હવે તે બરાબર ફસાઈ ગયો છે. તેણે કાનૂન અને ન્યાયાલયમાં આ જ કારણસર મારા પર ખોટા આરોપ નાખ્યા છે અને પોલીસને પણ એના વધુ સબૂત મળ્યા છે.’

mumbai mumbai news mulund mehul jethva