ઘરનો ભંગાર, સમાજનું સોનું

15 September, 2022 09:31 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

હા, સાંભળવામાં અજબ લાગતું હશે, પણ શ્રી અખિલ ભારતીય કચ્છ વાગડ લેઉવા પાટીદાર સમાજે પોતાની જ્ઞાતિના ઉત્કર્ષના વિઝન-૨૦૩૨ના અમલ માટે સમાજના સભ્યો પાસેથી ભંગાર અને વ્યક્તિદીઠ દર મહિને ૧૦ રૂપિયા માગ્યા છે

શ્રી અખિલ ભારતીય કચ્છ વાગડ લેઉવા પાટીદાર સમાજ દ્વારા અનોખા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, જે સમાજ કલ્યાણમાં મદદરૂપ થશે.

આગામી દસકામાં ૧૦૦૦ કરોડ રૂપિયાની યોજનાઓ છે સમાજની અને આ તમામનો લાભ અંતે તો સમાજના સભ્યોને પણ મળવાનો જ છે

ગુજરાતી, જૈન, મારવાડી વગેરે જ્ઞાતિની સામાજિક સંસ્થાઓ દ્વારા સમાજને આગળ લાવવા કે સમાજના લોકોને મદદરૂપ થવા માટે વિવિધ પ્રકારની સ્કીમો, યોજનાઓ ચલાવાતી હોય છે. જોકે સમાજના લોકોને સ્કૂલ, કૉલેજ, હૉસ્પિટલ જેવી સુવિધાનો લાભ મળે એ માટે શ્રી અખિલ ભારતીય કચ્છ વાગડ લેઉવા પાટીદાર સમાજે વેસ્ટમાંથી બેસ્ટ અભિયાનની શરૂઆત કરી છે અને એના દ્વારા ‘વિઝન ૨૦૩૨’ હેઠળ અમુક મુદ્દા હાંસલ કરવા દરેકે સમાજને ૧૦ વર્ષ સુધી સહકાર આપવાનો રહેશે, જેમાં લોકોએ પોતાના ઘરે, દુકાનેથી નીકળતો ભંગાર (સ્ક્રૅપ) સમાજને આપવાનો રહેશે અને દરરોજ ૧૦ રૂપિયા પણ આપવાના રહેશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ઐરોલી ખાતે લેઉવા પટેલ સમાજના હૉલમાં આ અભિયાન પર એક ચિંતન શિબિર યોજાઈ હતી, જ્યાં સમાજના લોકોને પણ આ અભિયાનના મહત્ત્વ વિશે સમજાવાયું અને આગળ આવીને મંડળોને લોકોએ સહકાર આપવા હાથ લંબાવ્યો છે. આ અનોખા અભિયાન દ્વારા સમાજના લોકો માટે રોજગાર પણ ઊભો થશે.        

આજના સ્પર્ધાત્મક અને આર્થિક સંકડામણના સમયમાં સમાજને શિક્ષણ, આરોગ્યની સુવિધા કેવી રીતે આપવી એ વિચારના અનુસંધાનમાં આ અભિયાન શરૂ કરવાનો વિચાર આવ્યો હતો એમ કહેતાં શ્રી અખિલ ભારતીય કચ્છ વાગડ લેઉવા પાટીદાર સમાજના પ્રમુખ કાનજીભાઈ ગામીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલમાં સ્પર્ધા, મોંઘવારી અને આર્થિક અડચણનો સામનો સૌકોઈ કરી રહ્યા છે, પરંતુ એની સામે શિક્ષણ, હૉસ્પિટલ, હાયર એજ્યુકેશન વગેરેની માગણી તો વધી જ રહી છે. એથી અમને ‘વિઝન ૨૦૩૨’નો વિચાર આવ્યો અને સમાજના લોકો સામે રજૂ કર્યો. મારું ધ્યેય ચોખ્ખું છે કે મારા સમાજને ગરીબ બનવા નહીં દઈએ, એ લાચાર નથી અને કોઈની આગળ હાથ નહીં લંબાવે, એથી સમાજના લોકો પાસેથી મદદ લઈશું અને સમાજના જ લોકોને એ મદદ પહોંચાડીશું. શિબિરમાં આવતાં ૧૦ વર્ષમાં સમાજને ઉપયોગી કામના ઠરાવ મંજૂર થયા હતા, જ્યાં (૧) સ્કૂલ, કૉલેજ, હૉસ્ટેલ માટે ૨૦૦ કરોડ રૂપિયા, (૨) આધુનિક હૉસ્પિટલ માટે ૩૦૦ કરોડ રૂપિયા (૩) ૪૦ વિવિધલક્ષી હૉલ બનાવવા માટે ૨૫૦ કરોડ રૂપિયા (૪) શૈક્ષણિક આર્થિક સહાય માટે ૧૫૦ કરોડ રૂપિયા (૫) આર્થિક સહાય માટે ૧૦૦ કરોડ મળી કુલ ૧૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ છે. આ બધી સુવિધાઓ સમાજની આગામી પેઢી માટે પણ ખૂબ મહત્ત્વની છે.’

કોરોના બાદ દાતા પાસે પણ એકસાથે દાન માગવામાં અયોગ્ય લાગતું હતું એથી આ કામ માટે મારા સમાજને આધાર બનાવ્યો, એમ કહેતાં કાનજીભાઈ કહે છે કે ‘વિઝન ૨૦૩૨ને સફળ બનાવવાની બે યોજનાઓ અમે રજૂ કરી હતી, જેમાં (૧) સમાજના પરિવારે દરેક સભ્ય (વ્યક્તિ)એ રોજના ૧૦ રૂપિયા આપવાના રહેશે. એટલે પરિવારમાં ચાર જણ હોય તો ૧૨૦૦ રૂપિયા મહિને થાય. જો કોઈ પરિવાર એ ભરી શકતો ન હોય તો પણ વાંધો નથી. એ વિસ્તારના સમાજનાં વિવિધ મંડળો તેમના વતી એ પૈસા ભરશે. મંડળ કઈ વ્યક્તિના પૈસા ભરે છે એવી કોઈ પ્રકારની માહિતી ક્યાંય અપાશે નહીં. સમાજનાં મંડળોના આગેવાનોથી લઈને સમાજના લોકોએ પણ ‘વિઝન ૨૦૩૨’ને સફળ બનાવવાની પ્રતિજ્ઞા લીધી અને સમાજને તમામ સહયોગ અપાશે એવી ખાતરી પણ આપી છે.’

વિઝન ૨૦૩૨ને સફળ બનાવવા લોકોએ પોતાના ઘર, દુકાનેથી નીકળતો ભંગાર સમાજને આપવાનો રહેશે એટલે કે વેસ્ટમાંથી બેસ્ટ અભિયાન વિશે માહિતી આપતાં તેમણે કહ્યું કે ‘સમાજના દરેક ઘર, દુકાનો, કારખાનાં, ઑફિસ વગેરે સ્થળેથી નીકળતો ભંગાર (સ્ક્રૅપ) સમાજને આપવાનું પણ નક્કી થયું છે. ઘરમાંથી નીકળતો ભંગાર આપણે કદાચ ૧૦૦ રૂપિયામાં વેચી નાખતા હોઈએ છીએ, પરંતુ આગળ લેનાર ૩૦૦થી ૪૦૦ રૂપિયામાં વેચતા હોય છે, એથી ઘરથી મહિનામાં બે વખત અને દુકાન, કારખાનાં, ઑફિસ વગેરે જગ્યાએથી અઠવાડિયામાં એક વખત ભંગાર ભેગો કરવામાં આવશે. આ ભંગારને જમા કરવા સમાજ દ્વારા એક મોટી જગ્યા લઈને બધાં સેન્ટરમાંથી ત્યાં જમા કરવામાં આવશે. ભંગાર એકત્ર કરવા પ્રતિનિધિઓની એક ટીમ રહેશે અને દરેક પ્રતિનિધિએ ૫૦ ઘર સંભાળવાનાં રહેશે. ભંગાર વધુ થઈ ગયો હોય તો લોકો હેલ્પલાઇન નંબર પર ફોન કરીને બોલાવી શકે છે. ભંગાર લાવવા-લઈ જવા પણ પગાર આપીને સમાજના જ લોકોને રાખીશું તો આ રીતે રોજગાર પણ ઊભો થશે. આ અભિયાન પર કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે અને ૧ ઑક્ટોબરથી એ અમલમાં મુકાશે.’

સમાજના લોકો માટે આ યોજનાઓ ભવિષ્યમાં લાભદાયી નીવડે એવી યોજનાઓ છે એવી સ્પષ્ટતા કરતાં કાનજીભાઈએ કહ્યું કે ‘મારા સમાજને દરેક રીતે સક્ષમ બનાવવા બહારથી નહીં, પણ સમાજના લોકોની જ મદદ લઈ રહ્યા છીએ. દરરોજ જે ૧૦ રૂપિયા પણ આપશે એના પણ ફાયદા છે. સમાજ વિવિધ જગ્યાએ ૪૦ કમ્યુનિટી હૉલ બનાવવાનો છે. આજે કોઈ પણ હૉલ ભાડે લેવા જઈએ તો ૪૦થી ૫૦ હજાર કે એનાથી વધુ રકમ આપવી પડે છે, પરંતુ સમાજનો હૉલ હશે તો આ ભાર પણ લોકોને પડશે નહીં. બર્થ-ડે કે એન્ગેજમેન્ટ જેવા વર્ષમાં બે વખત કાર્યક્રમ રાખે તો પણ આપેલા પૈસા કરતાં વધુનો લાભ મળી રહેશે. એ ઉપરાંત જેકોઈ સ્કૂલની ફી કે હૉસ્પિટલનાં બિલ ભરી શકતું ન હોય તેમને વ્યાજ વગરની લોન આપીને મદદ કરવામાં આવશે. હાયર એજ્યુકેશન માટે ૩૦થી ૬૦ લાખ રૂપિયા કે એનાથી વધુનો ખર્ચ આવે છે. એના માટે સમાજ દ્વારા ૩ વર્ષ માટે વગર વ્યાજની લોન આપવામાં આવશે અને ૩ વર્ષ બાદ લોન લેનારે એ રકમ ધીરે-ધીરે ચૂકવવાની રહેશે. કોઈ પરિવારનો મુખ્ય કમાનાર મૃત્યુ પામે તો એ પરિવારની જવાબદારી સમાજ લઈ રહ્યો છે. ઘરવખરીથી લઈને બાળકને ભણાવવા, ઘર ચલાવવાનો ખર્ચ ઘરમાંથી કોઈ વ્યક્તિ કમાતી ન થાય ત્યાં સુધી આપીએ છીએ. અભિયાન દ્વારા સ્કૂલ, કૉલેજ, હૉસ્પિટલની સુવિધા પણ મળશે. સમાજ કોઈને મદદ કરે તો તેની પાસે પાછા માગવાના નથી, પરંતુ સમય સારો આવે ત્યારે ધીરે-ધીરે ચૂકવવાના રહેશે, એનું કારણ એ છે કે ‘ફ્રી’ આપીને અમે સમાજના લોકોને લાચાર નથી બનાવવા માગતા, પરંતુ અમુક કેસ હોય તો જતું પણ કરતા હોઈએ છીએ.’

mumbai mumbai news preeti khuman-thakur