પંદર દિવસ પહેલાં આફતાબે પેરન્ટ્સને વસઈથી કરાવ્યા શિફ્ટ

16 November, 2022 11:58 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

તેની સોસાયટીના સેક્રેટરીનું કહેવું છે કે એ સમયે તેના ચહેરાના હાવભાવ જોઈને કોઈ કહી ન શકે કે તેણે આવું ઘાતકી કૃત્ય કર્યું હશે

વસઈના આ બિલ્ડિંગમાં આફતાબ પંદર દિવસ પહેલાં જ આવ્યો હતો

મુંબઈ, દિલ્હી જ નહીં, આખા દેશને હચમચાવી નાખનારા શ્રદ્ધા વાલકર મર્ડરકેસનો આરોપી પ્રેમી હજી પંદરેક દિવસ પહેલાં જ વસઈના ઘરે પેરન્ટ્સ બીજે શિફ્ટ થવાના હોવાથી આવ્યો હતો. તે જ્યાં રહેતો હતો એ વસઈના રહેવાસીઓનું કહેવું છે કે એ વખતે આફતાબ પણ શિફ્ટિંગ માટે આવ્યો હતો, પરંતુ તેના ચહેરા પર નૉર્મલ હાવભાવ જ હતા. આફતાબના પરિવારે બિલ્ડિંગના લોકોને કાશીમીરા રહેવા જવાની વાત કરી હતી, પરંતુ કોઈને સરનામું કે અન્ય કોઈ માહિતી આપી નહોતી. ઉલ્લેખનીય છે કે માણિકપુર પોલીસે મિસિંગની ફરિયાદ નોંધ્યા બાદ કિલર પ્રેમી આફતાબ પૂનાવાલાને માણિકપુર પોલીસે પૂછપરછ માટે બોલાવ્યો હતો અને ત્યારે પણ તે બધું નૉર્મલ હોય એ રીતે આવ્યો હતો.

વસઈ-વેસ્ટના દીવાનમાન યુનિક પાર્કમાં બિલ્ડિંગ-સીમાં ફ્લૅટ-નંબર ૩૦૧માં અમીન પૂનાવાલા તેમની પત્ની અને બે બાળકો સાથે રહેતા હતા. આ આખો પરિવાર વર્ષોથી અહીં જ રહેતો હતો અને આ ખોજા મુસ્લિમ પરિવાર ગુજરાતીભાષી છે. પંદરેક દિવસ પહેલાં જ આ પૂનાવાલા પરિવાર બીજે શિફ્ટ થયો હતો તેમ જ મિશ્રા પરિવારને તેમનો ફ્લૅટ ભાડા પર આપ્યો હતો. ભાડૂતને પણ જાણ નથી કે તેઓ ક્યાં શિફ્ટ થયા છે. જોકે દીકરાએ આચરેલી ક્રૂરતા બહાર આવ્યા બાદ તેમને બધા સતત ફોન કરતા હોવાથી તેમણે ફોન પણ બંધ કરી દીધો છે.

આફતાબ સ્વભાવે શાંત હતો અને કોઈ સાથે ખાસ મિક્સ થતો નહોતો, પરંતુ આવી ક્રૂરતા બતાવશે એ સપનામાં પણ અમે વિચારી શકતા નથી એમ જણાવતાં યુનિક પાર્કના સેક્રેટરી અબદુલ્લા ખાને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ પરિવાર વર્ષોથી અમારી સાથે અને અમારી વચ્ચે રહ્યો છે. આ પરિવારના લોકો શિ​ક્ષિત છે અને બન્ને બાળકો પણ ભણેલાં છે. પૂનાવાલા દંપતી હંમેશાં અમારા બધા સાથે વાતચીત કરતું હતું, જ્યારે આફતાબ સ્વભાવે શાંત હતો અને ક્યારેય ઝઘડો નહોતો કરતો. તેનાં મમ્મી-પપ્પા બધા સાથે વાતો કરતાં, પણ તે ક્યારેય કોઈની સાથે બહુ વાત કરતો નહોતો. કૉમ્પ્લેક્સમાં તેના કોઈ ખાસ મિત્ર પણ નહોતા. આફતાબ અમારી સામે મોટો થયો હતો અને દોઢેક વર્ષ પહેલાં જુદો રહેવા ગયો હતો. તેના આ કૃત્યથી કૉમ્પ્લેક્સના રહેવાસીઓ ચોંકી ગયા છે અને આઘાતમાં છે.’

૧૫ દિવસ પહેલાં જ તે વસઈ શિફ્ટિંગ માટે આવ્યો અને બે કલાક રહ્યો હતો એમ જણાવતાં સેક્રેટરીએ ઉમેર્યું હતું કે ‘તેઓ શિફ્ટ થયા ત્યારે મેં જ તેમને પૂછ્યું કે કેમ તમે અહીંથી જઈ રહ્યા છો? ત્યારે તેમણે મને કહ્યું કે મારું કામકાજ પણ મુંબઈમાં છે અને નાના દીકરાનું કામ પણ એ બાજુએ હોવાથી દરરોજ અપ-ડાઉન કરવાનું મુશ્કેલ થઈ રહ્યું હોવાથી અમે મુંબઈ નજીક રહેવા જઈ રહ્યા છીએ. અમે પાછા આવીશું એમ પણ તેમણે કહ્યું હતું. અહીંથી દિલ્હી રહેવા જતાં પહેલાં આફતાબ અને શ્રદ્ધા નાયગાંવમાં પણ થોડો વખત રહ્યાં હોવાનું અમને જણાયું હતું. ૧૫ દિવસ પહેલાં પૂનાવાલા પરિવાર શિફ્ટ થયો ત્યારે આફતાબ પણ બે-ત્રણ કલાક માટે શિફ્ટિંગમાં મદદ કરવા અને તેનો અમુક સામાન લેવા આવ્યો હતો. એ વખતે તે એકદમ નૉર્મલ લાગતો હતો અને હસતો પણ હતો. આ પહેલાં પણ માણિકપુર પોલીસે શ્રદ્ધાના મિસિંગ કેસમાં આફતાબને બોલાવ્યો હતો છતાં તે બધું નૉર્મલ જ હોય એવું વર્તન કરતો હતો. છેલ્લા એકાદ વર્ષથી આફતાબ વસઈના ઘરે પણ આવતો નહોતો અને ફક્ત શિફ્ટિંગ વખતે આવ્યો હતો. પરિવારે ક્યાં રહેવા જાય છે એ વિશે વધુ કોઈને માહિતી પણ આપી નહોતી.’

mumbai mumbai news new delhi vasai preeti khuman-thakur