શ્રદ્ધાનું માથું આફતાબે તળાવમાં ફેંકી દીધું હતું?

21 November, 2022 12:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજે આફતાબની નાર્કો ટેસ્ટ કરાશે : દિલ્હી પોલીસે પૂછવા માટે ૪૦ સવાલોનું લિસ્ટ તૈયાર કર્યું છે

દિલ્હી પોલીસે ગઈ કાલે અહીંના મહરોલી વિસ્તારમાં શ્રદ્ધા વાલકરના હત્યારા આફતાબ પૂનાવાલાએ મૃતદેહના તુકડા ફેંક્યા હતા ત્યાં તપાસ હાથ ધરી હતી. (તસવીર : પી.ટી.આઇ.)

વસઈની શ્રદ્ધા વાલકરની હત્યા કરવાના આરોપસર પકડાયેલા તેના બૉયફ્રેન્ડ આફતાબ પૂનાવાલાની આજે નાર્કો ટેસ્ટ કરવામાં આવે એવી શક્યતા છે. કેસની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસે તેને આ ટેસ્ટમાં પૂછવા માટે ૪૦ જેટલા સવાલોનું લિસ્ટ તૈયાર કર્યું છે. પોલીસને આશા છે કે આ ટેસ્ટમાં તેમને કેસને લગતી કેટલીક મહત્ત્વની માહિતી જાણવા મળી શકશે. ગઈ કાલે દિલ્હી પોલીસ આફતાબને તેના છત્તરપુરના રીગલ અપાર્ટમેન્ટના ભાડાના ફ્લૅટ પર લઈ ગઈ હતી અને ક્રાઇમ સીન રીક્રીએટ કરીને કેસની આંટીઘૂંટી સમજવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે એ ફ્લૅટની માલિક જયશ્રીની પણ પૂછપરછ કરી હતી. એમાં જયશ્રીએ કહ્યું હતું કે તેણે દલાલ દ્વારા શ્રદ્ધા અને આફતાબને એ ફ્લેટ આપ્યો હતો. જોકે તેમની વચ્ચે ઝઘડા થતા હતા એ વિશે તેને કોઈ જાણ નહોતી. તેણે એમ પણ કહ્યું હતું કે પાડોશીઓ કે અન્ય કોઈના તરફથી એ ​​‍વિશે તેને ફરિયાદ કરાઈ નહોતી.  

આફતાબે તેની પૂછપરછ દરમિયાન કહ્યું હતું કે તેણે શ્રદ્ધાનું ધડથી અલગ કરાયેલું માથું તળાવમાં ફેંકી દીધું હતું. આ ઉપરાંત તેણે જે હથિયાર (ચાકુ)થી શ્રદ્ધાના મૃતદેહના ટુકડા કર્યા હતા એ પણ મળી આવ્યું ન હોવાથી પોલીસને શંકા છે કે એ પણ તેણે આ જ તળાવમા ફગાવ્યું હોઈ શકે. એથી દિલ્હી પોલીસ તેને લઈને ગઈ કાલે સાંજે છત્તરપુર જિલ્લાના મૈદાન ગઢીના તળાવ પર પહોંચી હતી. પોલીસે એ તળાવમાં માથાની તપાસ કરવા ડૂબકીમારોને પણ બોલાવ્યા છે અને સાથે તળાવ ખાલી કરવા સંદર્ભે પણ વિચારણા ચાલી રહી હતી.  

બીજી બાજુ દિલ્હી પોલીસે હજી પણ છત્તરપુરની આસપાસનાં જંગલોમાંથી વધુ પુરાવા મળી આવે એ માટેની કોશિશ ચાલુ રાખી છે. તેમની ટીમ ત્યાં બની શકે એટલો વધુ વિસ્તાર કવર કરીને નાનામાં નાના પુરાવા ભેગા કરવા સઘન પ્રયાસ કરી રહી છે. પોલીસને તપાસ દરમિયાન અત્યાર સુધીમાં એ જંગલ વિસ્તારમાંથી ૧૭ જેટલાં હાડકાં મળી આવ્યાં છે. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં ૬ લોકોનાં સ્ટેટમેન્ટ રેકૉર્ડ કર્યાં છે જેમાં આફતાબે જે ચાકુથી શ્રદ્ધાના મૃતદેહના ટુકડા કર્યા હતા એ જે દુકાનમાંથી ખરીદ્યું હતું એ દુકાનદારના સ્ટેટમેન્ટનો પણ સમાવેશ થાય છે.  

આ ઉપરાંત આફતાબનો પરિવાર પહેલાં વસઈના દિવાનમાન વિસ્તારના યુનિક પાર્કમાં રહેતો હતો એ દિવાળીમાં મીરા રોડ શિફ્ટ થઈ ગયો છે, પણ ત્યાં તેઓ મળ્યા નથી. દિલ્હી પોલીસ આફતાબનાં માતા-પિતાને મળીને તેમની પૂછપરછ કરવા માગે છે, કારણ કે દિવાળીમાં તેમણે ઘર શિફ્ટ કર્યું ત્યારે આફતાબ તેમની સાથે હતો. એથી શું આફતાબે કરેલી શ્રદ્ધાની હત્યા વિશે તેમને જાણ થઈ ગઈ હતી? આફતાબે તેમને આ ઘટના વિશે જણાવ્યા બાદ તેમણે ઘર બદલવાનો નિર્ણય લીધો? જેવા સવાલ ઊઠી રહ્યા છે.

આ સિવાય દિલ્હી પોલીસ હવે શ્રદ્ધાની ફ્રેન્ડ શિવાની મ્હાત્રે અને શ્રદ્ધાના તત્કાલીન મૅનેજર કરણ બહેરીની શ્રદ્ધા સાથે થયેલી ૨૦૨૦માંની વૉટ્સઍપ ચૅટને પણ પુરાવા તરીકે વાપરવાની છે જેમાં શ્રદ્ધાએ કહ્યું છે કે આફતાબે તેની મારઝૂડ કરી હતી એટલે તેનું બીપી લો થઈ ગયું છે અને પથારીમાંથી પણ ઊઠવાની તાકાત નથી રહી. 

આફતાબે મૃત શરીરને કરવતથી કાપ્યું હતું  

તપાસ જેમ-જેમ આગળ વધતી જાય છે એમ શ્રદ્ધા વાલકર હત્યાકેસમાં દરરોજ નવા નવા ચોંકાવનારા ખુલાસા આવી રહ્યા છે. પોલીસે જણાવ્યા પ્રમાણે આરોપી આફતાબ પૂનાવાલાએ પોતાની ગર્લફ્રેન્ડના મૃત શરીરને કાપવા માટે કરવતનો તેમ જ હાડકાના સાંધાને તોડવા માટે હથોડી અને ખીલાનો ઉપયોગ કર્યો હતો. આફતાબે દિલ્હીમાં તેના ભાડાના ઘર નજીક આવેલા બંસલ હાર્ડવેરની દુકાનમાંથી કરવત ખરીદી હતી. પોલીસે દુકાનદારની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે કરવત ઉપરાંત તેણે હથોડી અને ખીલા પણ ખરીદ્યાં હતાં. દિલ્હી પોલીસની ટીમને આફતાબના ઘરથી બે કિલોમીટર દૂર આવેલા છત્તરપુરનાં જંગલમાંથી શ્રદ્ધાના વધુ માનવ-અવશેષ મળી આવ્યા છે. આ અવશેષમાંથી ડીએનએ કાઢવા માટે એને ફૉરેન્સિક લૅબમાં મોકલવામાં આવ્યા છે.

mumbai mumbai news Crime News mumbai crime news delhi news