24 November, 2022 10:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
શ્રદ્ધા મર્ડરકેસમાં ભૂતકાળમાં શ્રદ્ધાએ આફતાબ તેની મારઝૂડ કરતો હોવાની અને તેની હત્યા કરીને ટુકડા કરી નાખવાની ધમકી આપતો હોવાથી આફતાબ સામે વાલિવ પોલીસમાં ૨૦૨૦માં લેખિતમાં ફરિયાદ કરી હતી. આ મુદ્દે એવા સવાલ કરવામાં આવી રહ્યા હતા કે એ વખતે પોલીસે તેના પર કેમ કોઈ ઍક્શન નહોતી લીધી. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ કહ્યું હતું કે શ્રદ્ધાએ લખેલા એ લેટરને આધારે તપાસ થવી જોઈતી હતી.
જોકે આ બાબતે મીરા-ભાઈંદર, વસઈ-વિરાર કમિશનરેટના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ સુહાસ બાવચેએ ખુલાસો આપીને સ્પષ્ટતા કરી હતી કે ‘શ્રદ્ધાની એ ફરિયાદ સંદર્ભે એ વખતે જે પગલાં લેવાં જરૂરી હતાં એ પોલીસ દ્વારા લેવાયાં છે. એ લખિત ફરિયાદ પર તપાસ પણ કરાઈ હતી. જોકે એ પછી ફરિયાદીએ જાતે જ એ ફરિયાદ પાછી ખેંચી હતી અને કહ્યું હતું કે તેમની વચ્ચે હવે ઝઘડો રહ્યો નથી. ફરિયાદીનાં માતા-પિતા અને મિત્રોએ પણ તેને ઝઘડો છોડીને સુલેહ કરવા વારંવાર સમજાવી હતી. એ પછી ફરિયાદી (શ્રદ્ધા)એ લેખિતમાં એ બદલ સ્ટેટમેન્ટ આપ્યું હતું અને ત્યાર બાદ એ કેસ બંધ કરવામાં આવ્યો હતો.’