પોલીસનું કામ જાગ્રત નાગરિકે કરી બતાવ્યું

09 December, 2014 05:30 AM IST  | 

પોલીસનું કામ જાગ્રત નાગરિકે કરી બતાવ્યું



પ્રીતિ ખુમાણ ઠાકુર


ભાઈંદર (વેસ્ટ)માં સિદ્વિવિનાયક માર્ગ (બેકરી ગલી)માં રહેતા રાઇટ ટુ ઇન્ફર્મે‍શન (ય્વ્ત્) ઍક્ટિવિસ્ટ અને સોશ્યલ વર્કર પ્રદીપ ભાટિયાએ જે કામ પોલીસે ન કર્યું એ કરી બતાવ્યું છે. જૈનોની વસ્તી ધરાવતા વિસ્તારમાં જૈન સમાજની મહિલાના ગળામાંથી ચેઇન ખેંચીને ભાગી છૂટેલા લૂંટારાઓને આઠ રાત-દિવસ એક કરીને શોધી કાઢ્યા અને પોલીસના હાથમાં સોંપ્યા છે. આ ચોરોએ આ ગુનો તો સ્વીકાર્યો જ છે, સાથે તેમણે કરેલા બીજા પાંચ ગુના પણ કબૂલ કર્યા તેમ જ ચેઇન-સ્નૅચિંગ કરતી બીજી ટોળકી વિશે પણ પોલીસને માહિતી આપી હતી. પોલીસે પ્રદીપ ભાટિયાએ કરેલા કામને બિરદાવ્યું છે અને તેમને સન્માનિત પણ કરશે.

CCTV કૅમેરા ગોઠવ્યા

આ સંપૂર્ણ ઘટના વિશે માહિતી આપતાં પ્રદીપ ભાટિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારો વિસ્તાર ખૂબ ભીડભાડવાળો છે અને માર્કે‍ટ પણ આવેલું હોવાથી મહિલાઓની અવરજવર વધુ પ્રમાણમાં હોય છે. જોકે આ ક્ષેત્રમાં પોલીસ-પૅટ્રોલિંગ ઓછા પ્રમાણમાં હોવાથી લૂંટારાઓનું સ્નૅચિંગ કરવાનું ફેવરિટ સ્પૉટ બની ગયું હતું. નવાઈની વાત તો એ છે કે નજીકમાં પોલીસ-સ્ટેશન પણ આવેલું છે. મારા ઘરની જ એક મહિલાની ચેઇન બાઇકરો લૂંટીને નીકળી ગયા હતા. અમે જ્યારે પોલીસ-સ્ટેશનમાં ગયા ત્યારે પોલીસે અમારી ફરિયાદ સામે ધ્યાન ન આપ્યું અને અમારા વિસ્તારના રહેવાસીઓ પણ આ જ સમસ્યાથી હેરાન થતા હોવાથી હું અમારા વિસ્તારના રહેવાસીઓની મદદથી સુધરાઈની પાછળ પડ્યો ત્યારે એણે અહીં પહેલાં ચાર CCTV કૅમેરા અને તાજેતરમાં બીજા પાંચ કૅમેરા બેસાડ્યા છે.’

પોલીસે રસ ન દેખાડ્યો


૨૪ નવેમ્બરે ક્રૉસ ગાર્ડન પાસે રહેતી જૈન સમાજની એક મહિલા બપોરે ૩.૫૬ વાગ્યે પોતાની દીકરીને લઈને બેકરી ગલીમાં આવી રહી હતી ત્યારે પહેલાં એક બાઇક પર એક યુવક ગયો અને તેની પાછળ બીજો યુવક મહિલાની રાહ જોઈને ઊભો હતો. જ્યારે મહિલા યુવકની પાસેથી પસાર થઈ ત્યારે તેણે મહિલાના ગળામાંથી ચેઇન ખેંચી હતી અને આગળ બાઇક લઈને ઊભેલા તેના સાથીદાર સાથે બાઇક પર બેસીને નાસી છૂટયો હતો. આ ઘટના બાદ મહિલાએ ફરિયાદ પણ નોંધાવી હતી, પણ પોલીસે એમાં કંઈ ખાસ રસ દેખાડ્યો નહોતો. આ બનાવ વિશે પ્રદીપ ભાટિયાએ કહ્યું હતું કે ‘પોલીસે અમારા વિસ્તારના CCTV કૅમેરાના ફુટેજની તપાસ કરી, પણ એમાં બાઇકની નંબર-પ્લેટ બરાબર દેખાતી ન હોવાથી પોલીસે એમાં ધ્યાન આપવાનું ઓછું કરી નાખ્યું અને લૂંટારાઓને શોધી રહ્યા છે એવો જ જવાબ મળતો હતો. એથી મેં પોલીસને કહ્યું કે નંબર શોધવાનો પ્રયાસ કરશો તો મળશે, તો તેમણે સીધું મને કહી દીધું કે તમે જ શોધી લોને. પોલીસે આપેલી આ ચૅલેન્જ અને
આ સ્નૅચિંગ પર લગામ લાવવાનું મેં વિચારી લીધું.’

મિશન ચેઇન-સ્નૅચર શરૂ

વધી રહેલા ચેઇન-સ્નૅચિંગના કેસોને કારણે મહિલાઓ ભારે ચિંતામાં રહેતી હતી એથી આ કેસને ઉકેલવા હું છેલ્લા ૮ દિવસથી સવારે ૧૧ વાગ્યે ઘરેથી નીકળી જતો અને સાંજે સાડાપાંચ વાગ્યે ઘરે આવતો એમ જણાવતાં પ્રદીપ ભાટિયાએ કહ્યું હતું કે ‘ફુટેજનો મેં બે દિવસ તો ધ્યાનથી સ્ટડી કર્યો. એમાં મેં યુવકોની હેરસ્ટાઇલ અને દાઢીની સ્ટાઇલ નોટિસ કરી. એના પરથી મને લાગ્યું કે તેઓ રાઈગાવ અથવા મુર્દાગાવના હોવા જોઈએ. એથી હું ૮ દિવસ રાઈ, મુર્દા, ગોરાઈ, ઉત્તન, નયાનગર વગેરેમાં ફરતો હતો. અંતે રવિવારે તેમને મેં મારા જ વિસ્તારમાં જોયા હતા. તેઓ પોતાનો શિકાર શોધી રહ્યા હતા, પણ એ દિવસે તેઓ મારી પકડમાં આïવ્યા નહીં. જોકે તેમની બાઇકનો નંબર મેં નોટ કરી લેતાં પોલીસની મદદથી એના રજિસ્ટ્રેશન વિશે માહિતી મેળવી. એ બાઇકની આગળ અને પાછળનો નંબર અલગ-અલગ છે. એથી ગઈ કાલે ફરજ બજાવતા બીટ-માર્શલની મદદથી તેઓ શિકાર કરે એ પહેલાં જ તેમને એ જ જગ્યાએથી પકડી પાડ્યા અને પોલીસને સોંપ્યા હતા. આ બન્ïને વિશે તપાસ કરી તો તેઓ સારા ઘરના છે અને એમાંથી એક તો મીરા-ભાઈંદર સુધરાઈમાં સફાઈ-કર્મચારી તરીકે કામ કરતો હતો, પણ આ કામમાં વધુ કમાણી હોવાથી બન્ïને બીજું કંઈ જ કામ નહોતા કરતા.’

પોલીસનું શું કહેવું છે?

આ વિશે જણાવતાં અસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર રમેશ ગાયકવાડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ વિશે કેસ નોંધીને તપાસ હાથ ધરી હતી. પોલીસની જેમ પ્રદીપ ભાટિયાએ પણ ખૂબ મહેનત કરી હોવાથી ચોરો પકડાઈ ગયા છે. મુર્દામાં રહેતા પંકજ સાવંત અને વિનય મ્હાત્રે નામના યુવકને પકડ્યા છે. પોલીસ પ્રદીપ ભાટિયાનું સન્માન પણ કરશે. હાલમાં અમે તેમની તપાસ કરી રહ્યા હોવાથી વધુ માહિતી મળશે.’