ફિફ્ટી-ફિફ્ટી

12 January, 2021 08:46 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

ફિફ્ટી-ફિફ્ટી

પ્રતીકાત્મક તસવીર

કોરોનાની વૅક્સિન હવે જ્યારે ઇમર્જન્સી યુઝ માટે તૈયાર છે અને એ કઈ રીતે સ્ટોર કરવાની, આપવાની એ બધી તૈયારીઓ થઈ ચૂકી છે અને ડ્રાય રન પણ ચાલુ કરી દેવાઈ છે ત્યારે કેન્દ્ર સરકાર એ વૅક્સિનના લૉજિસ્ટિક માટેના અંદાજે ૬૦,૦૦૦થી ૬૫,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચને પહોંચી વળવા તેમ જ દેશમાં હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર થઈ ચૂકેલા અને આગામી સમયમાં થનારા ખર્ચને પહોંચી વળવા સેસ લાગુ કરવાનું વિચારી રહી છે. જીએસટીમાં વધારો થઈ શકે એમ નથી, એથી ડાયરેક્ટ ટૅક્સિસ જેમ કે ઇન્કમ ટૅક્સ, કસ્ટમ્સ ડ્યુટી, એક્સાઇઝ ઇનડાયરેક્ટ ટૅક્સ અથવા પેટ્રોલ-ડીઝલ પર સેસ નાખી એ રકમ ઊભી કરવાનું કેન્દ્ર સરકાર વિચારી રહી છે. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સિતારમણ ૧ ફેબ્રુઆરીએ જાહેર થનારા બજેટમાં કદાચ એની જાહેરાત કરે એવી શક્યતા છે.

સરકારની યોજના વિશે ‘મિડ-ડે’એ મુંબઈગરાઓનો અભિપ્રાય જાણવાની કોશિશ કરી તો અડધાએ સેસ લગાડવાની સરકારની યોજનાને થમ્સ અપ બતાવ્યો, જ્યારે અડધાનું કહેવું છે કે આ તો દુકાળમાં અધિક માસ છે.

ભાર કન્યાની કેડે

કેન્દ્ર સરકાર જો સેસ લગાડશે તો અલ્ટિમેટલી એનું બર્ડન આમ જનતા પર જ આવવાનું છે. વેપારીઓ તો એ રકમ તેમના પ્રોડક્ટની કોસ્ટિંગમાં વધારી દેશે અને આગળ મોકલશે. વેપારી પોતાના ખિસ્સામાંથી એ નહીં આપે, એથી છેલ્લે જે એન્ડ યુઝર, આમ જનતા છે તેણે જ ભરવો પડશે.

- વિનેશ મહેતા - ફામના  પ્રેસિડન્ટ

દુકાળમાં અધિક માસ

કેન્દ્ર સરકાર જો સેસ લાગુ કરશે તો દુકાળમાં અધિક માસ જેવી પરિસ્થિતિ સર્જાશે. મોંઘવારી વધશે, ઇન્ફેલેશન વધશે. આખરે તો એન્ડ યુઝરે જ એ આપવો પડશે. મૂળમાં તો સરકારે બધુ ફ્રીમાં જ આપવું જોઈએ, પણ હવે એના પર પણ એ ચાર્જ કરવાના છે. સરકારે સેસ ન નાખવો જોઈએ. એના બદલે બધાને ‌વૅક્સિન મફતમાં આપવી જોઈએ.

- વિરેન શાહ - ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલફેર અસોસિએશનના પ્રેસિડન્ટ

આપણે આટલો તો ભોગ આપવો જ જોઈએ

વિદેશમાંથી જે રસી આવવાની છે એના કરતાં તો રસી સસ્તામાં જ આપણને મળવાની છે. સરકાર પણ  મિનિમમ ચાર્જ પર ઉપલબ્ધ કરશે. આપણે જો આપણો જીવ બચાવવો હોય તો આટલી કોસ્ટ તો ઉપાડવી જ પડશે. ગવર્નમેન્ટે બેર મિનિમમ ગણતરી કરીને કોસ્ટ રાખી હશે અને એ આપણે આપવી જોઈએ.

- સુનીલ જોશી - બૅન્ક મૅનેજર

વૅક્સિન બધા સુધી પહોંચે એ જરૂરી છે

સરકાર જો બધાને જ વૅક્સિન આપવાની છે તો દરેક વ્યક્તિ સુધી એ વૅક્સિન પહોંચે એ જરૂરી છે. આપણે એના માટે જો સેસ આપવો પડે તો ચાલે. ગરીબોને મફતમાં અપાય અને જે લોકો આટલો ખર્ચો ઉપાડી શકે એમ છે તેમને એ ઉપાડવામાં વાંધો ન આવવો જોઈએ.

- ફાલ્ગુની ત્રિવેદી – ગૃહિણી

કોરોનામાં સરકારે બહુ ખર્ચો કર્યો છે

કોરાના વખતે સરકારે બહુ જ ખર્ચો કર્યો છે. હવે જો એ થોડો સેસ લેવા માગતી હોય તો હું એ આપવા તૈયાર છું. ગરીબોને કદાચ એ ન ભરવો પડે માટે આપણે જે થોડો  પણ ટૅક્સ અફોર્ડ કરી શકીએ તેમણે એ ભરવો જોઈએ. મને એવું લાગે છે કે આપણે પણ ગવર્નમેન્ટને સાથ આપવો જોઈએ. 

- પૂર્ણિમા મણિયાર – ગૃહિણી

સેસ શા માટે?

ઇન્કમ ટૅક્સ પર લેવાતા ૪ ટકા એજ્યુકેશન સેસની બહુ મોટી રકમ વપરાયા વગરની પડી છે, એ રકમ પણ સરકાર અહીં ટ્રાન્સફર કરીને વાપરી શકે. સૌથી અગત્યનું સેસ લાગુ કર્યા પછી એ બંધ કરવાની તારીખ આપો. વર્ષોનાં વર્ષો સુધી લોકો પાસેથી લેવાનું બંધ કરો. ઉદાહરણ તરીકે મુંબઈમાં બેસ્ટની બસમાં દરેક ટિકિટ પર લેવાતો સેસ ૪૦-૫૦ વર્ષથી આપણે ભરીએ છીએ. હવે લોકોને એ યાદ પણ નથી કે એ શા માટે ભરીએ છીએ.

- વંદના દેઢિયા - ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ

આ બહુ ખોટું કહેવાય. આજે જ્યારે દેશ આખો મંદીનો માર સહન કરે છે, અંગત રીતે મોટા ભાગના લોકોની આર્થિક પરિ‌‌સ્થિતિ ડામાડોળ છે ત્યારે સરકારે કોઈ પણ હિસાબે આવો વધારાનો ખર્ચ પ્રજા પર ન નાખવો જોઈએ.

- સંજય ગોરડિયા, ઍક્ટર, રાઇટર, ડિરેક્ટર

દેશને નક્કર દિશામાં આગળ લઈ જવા માટે જે કોઈ યોગ્ય પગલાં લેવાં જરૂરી લાગે એ લેવાં જોઈએ. અત્યારે આપણે મહામારીમાંથી બહાર નીકળવું આવશ્યક છે.

- અનુપમ ખેર, ઍક્ટર

coronavirus covid19 mumbai mumbai news