અચાનક જ બીએમસીએ મલાડની ૧૫ દુકાનો પર ફેરવી દીધો હથોડો

30 March, 2023 08:08 AM IST  |  Mumbai | Urvi Shah Mestry

એસ. વી. રોડના વેપારીઓને સામાન કાઢવાનો પણ સમય ન મળતાં થયા નારાજઃ એક દુકાનદાર કોર્ટમાં ગયા હોવાથી તોડકામથી બચી ગયા. હવે દારૂવાલા કમ્પાઉન્ડની બીજી દુકાનોનો છે વારો

મલાડના એસ. વી. રોડ પર આવેલી ૧૬ દુકાનો પર લેવાયેલી ઍક્શન (તસવીર : અનુરાગ અહિરે)

મલાડ-વેસ્ટમાં એસ. વી. રોડ પર નાળા પરના બ્રિજને જર્જરિત જાહેર કર્યા પછી એને રિપેર કરીને મજબૂત બનાવવાનું સુધરાઈએ જે કામ શરૂ કર્યું છે એના માટે ૨૦૨૧માં આખો રસ્તો બંધ કરી દેવાયો હતો. જોકે ટ્રાફિકની સમસ્યા થતાં બીએમસીએ એ નિર્ણય પાછો ખેંચી સ્થાનિક જનપ્રતિનિધિ તેમ જ ટ્રાફિક વિભાગ સાથે ચર્ચા કરીને બ્રિજને બે ભાગમાં રિપેર કરવાનો નિર્ણય લીધો હતો. એ મુજબ બીજા ભાગનું કામ શરૂ કરવા પહેલાં અત્યાર સુધી પહેલા ભાગનું જે કામ કર્યું છે એ જગ્યાએથી વાહનોને પસાર થવામાં કેટલીક દુકાનો વચ્ચે આવે એમ હોવાથી આ દુકાનદારોને બીજે શિફ્ટ થવાની નોટિસ આપવામાં આવી હતી. બીજા ભાગમાં બન્ને બાજુએ બીજી લેનનું કામ કરવામાં આવશે. રોડકટિંગમાં આવતી ૧૫ દુકાનોને અનેક નોટિસ મળી ચૂકી હતી અને ફાઇનલી બુધવારે બપોરે ત્રણ વાગ્યે રોડ પરની આ દુકાનોને તોડવાનું કામ શરૂ કરીને સાંજ સુધીમાં એમને તોડી પડાઈ હતી. બુધવારે બપોરે બાર વાગ્યે સુધરાઈના એક કામદારે આવીને ૧૫ દુકાનના વેપારીઓને કહ્યું હતું કે સાંજે ચાર વાગ્યા સુધીમાં દુકાનોને તોડવામાં આવશે એટલે વહેલી તકે દુકાનો ખાલી કરી દો. જોકે વેપારીઓ દુકાનનો બધો સામાન ખાલી કરે એ પહેલાં કામદારોએ બપોરે આવીને દુકાનો પર કાર્યવાહી કરીને એમને તોડવાનું કામ શરૂ કરી દીધું હતું. એમાં કેટલાય વેપારીઓનો બધો સામાન ખાલી ન થતાં કેટલોક સામાન દુકાનની અંદર રહી ગયો હતો. દુકાનોને ખાલી કરવાનો પૂરતો સમય પણ આપવામાં આવ્યો ન હોવાની ફરિયાદ કેટલાક વેપારીઓએ કરી હતી.

એક વેપારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બુધવારે બપોરે બાર વાગ્યે અમને બીએમસીના પ્યુન જેવા લાગતા એક માણસે આવીને કહ્યું હતું કે દુકાનોને ખાલી કરી નાખજો, આજે સાંજે ચાર વાગ્યે તોડી પાડવામાં આવશે. અમને દુકાન ખાલી કરવા બાબતે લેખિતમાં કોઈ નોટિસ અપાઈ નથી. બધો સામાન અમે દુકાનમાંથી કાઢીએ ત્યાં સુધીમાં તો કામદારોએ આવીને કાર્યવાહી શરૂ કરી દીધી હતી. દુકાનની અંદર કેટલાંક કેમિકલ્સ, ટેબલ વગેરે હતું જે અંદર રહી જવાથી અમને નુકસાન થયું છે. વળી હજી સુધી અમારા અકાઉન્ટમાં પૈસા પણ આવ્યા નથી. કેટલાક વેપારીઓ વૉર્ડ-ઑફિસર પાસે ગયા તો તેમણે કહ્યું કે આજે અમે બધી દુકાનોને તોડી પાડીશું અને તમને સામાન કાઢવાનો ટાઇમ આપવામાં આવશે. સામાન કાઢવાનો ટાઇમ કામદારો પાસે અમે માગ્યો હતો, પરંતુ પૂરતો ટાઇમ તેમણે અમને આપ્યો નહોતો.’

મલાડના અન્ય એક વેપારીએ આ બાબતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે દુકાનની જગ્યા આપવા તૈયાર જ હતા. અમને સામાન કાઢવા માટે પૂરતો સમય જોઈતો હતો જે મળ્યો નહીં. દુકાનની અંદર રહેલી ટ્યુબ, નવાં ટાયર્સ, મશીન વગેરે એમ જ અંદર રહી ગયું. મારું જે નુકસાન થયું એની ભરપાઈ કોણ કરશે? દસ મિનિટનો પણ કામદારોએ અમને ટાઇમ નહોતો આપ્યો. હજી સુધી અમને પૈસા પણ નથી મળ્યા અને દુકાનોને તોડી નાખી છે. મને થયેલા નુકસાનની ભરપાઈ માટે કોર્ટમાં જવું પડશે તો પણ હું જઈશ.’

અન્ય એક વેપારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દુકાનો તો એક દિવસ તોડવાની જ હતી જે બુધવારે તૂટી ગઈ. અમને ખાલી બે દિવસ પહેલાં નોટિસ આપી દીધી હોત તો દુકાનદારો માનસિક રીતે તૈયાર થઈ જાત અને દુકાનનો સામાન પણ ફેરવી નાખત. જે થવાનું હતું એ થઈ ગયું. જોકે દુકાનદારોને ચેક વગેરે માહિતી જમા કરાવવા પણ કેટલાય દિવસો પહેલાં કહી દીધું હતું. કેટલાક લોકોએ એ નથી કર્યું એ લોકો હવે કરી નાખશે, કેમ કે જગ્યા તો નથી મળી પણ હવે પૈસા તો આવી જશે એવી આશા છે. નુકસાન તો થઈ જ ગયું છે. થોડું વધારે થયું બીજું શું.’

૧૬ દુકાનમાંથી એક દુકાનદારે આની ખિલાફ મુંબઈ હાઈ કોર્ટમાં યાચિકા દાખલ કરી છે. પોતે દાખલ કરેલી યાચિકા વિશે લક્ષ્મીચંદ્ર સત્રાએ કહ્યું હતું કે ‘અમે સુધરાઈને સહયોગ આપવા તૈયાર હતા, પણ બીએમસીએ હજી અમને વળતર નથી ચૂકવ્યું. એણે અમને તેમની કરન્ટ પૉલિસી મુજબ વળતર આપવાની રજૂઆત કરી, પણ સેન્ટ્રલ ગવર્નમેન્ટની પૉલિસી મુજબ અમને રેડીમ રેકનર રેટના બમણાં પૈસા વળતરરૂપે મળવા જોઈએ. જો તેમણે સેન્ટ્રલ ગવર્નમેન્ટની પૉલિસી અપનાવવી પડી તો અમને વધારાનું વળતર આપવામાં આવશે એવું બીએમસી અમને લખીને આપવા પણ તૈયાર નથી. હું જ્યારે કોર્ટમાં ગયો ત્યારે તેમણે આ બાબતે લખીને આપ્યું, પણ એની કોઈ ડેડલાઇન નથી આપી. ગઈ કાલે પણ કોર્ટે બીએમસીને મારી દુકાનની ખિલાફ કોઈ કાર્યવાહી નહીં કરવાનું કહ્યું હતું.’

મલાડના પી-નૉર્થના વૉર્ડ-ઑફિસર કિરણ દિઘાવકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કેટલાય મહિનાઓથી નોટિસ આપવામાં આવી છે અને સમય પણ આપ્યો છે. રહી વાત પૈસા મળવાની તો કેટલાક દુકાનદારોના અકાઉન્ટમાં ૩૧ માર્ચ પહેલાં પૈસા આવી જશે. ૧૫ દુકાનો પર કાર્યવાહી થયા પછી હવે રોડ બનાવવાનું કામ શરૂ થઈ જશે જે મૉન્સૂન પહેલાં પૂરું કરી દેવાશે. એટલે મૉન્સૂનમાં લોકોને અહીંથી પસાર થતી વખતે ટ્રાફિકની સમસ્યામાંથી રાહત થશે. હવે અમે દારૂવાલા કમ્પાઉન્ડની બીજી ૨૮ દુકાનો પર પણ થોડા દિવસોમાં ઍક્શન લઈશું.’ 

mumbai mumbai news malad brihanmumbai municipal corporation urvi shah-mestry