ઘાટકોપરમાં ચોરોનો તરખાટ

12 October, 2011 08:09 PM IST  | 

ઘાટકોપરમાં ચોરોનો તરખાટ

 

 

રોહિત પરીખ

ઘાટકોપર, તા. ૧૨

આ દુકાનોમાંથી સૌથી મોટી ચોરી મુરારબાગ બિલ્ડિંગમાં  આવેલી કૂલવસ્ત્ર નામની દુકાનમાં થઈ છે. એમાં ૨,૨૫,૦૦૦થી ૨,૫૦,૦૦૦ રૂપિયાની માલમતા ગઈ છે. ગયા મહિને આ જ વિસ્તારમાં ઘરફોડી કરીને  ૨,૫૦,૦૦૦ રૂપિયાથી વધુની માલમતાની ચોરી થઈ હતી.

એમાં પણ હજી સુધી કોઈની ધરપકડ નથી.નવો જ માલ ગાયબ આ દુકાનના માલિકના એક સંબંધી ગિરધર વેદે ‘મિડ-ડે’ને આ ઘટનાની જાણકારી આપતાં કહ્યું હતું કે ‘આ બનાવ સોમવારે વહેલી સવારે ૫ાંચ વાગ્યાની  આસપાસ બન્યો હોવાનું બિલ્ડિંગના વૉચમૅનની વાતચીત પરથી લાગે છે. આ વૉચમૅને આપેલી માહિતી અનુસાર સવારે ચાર વાગ્યાની આસપાસ બિલ્ડિંગની નજીક  એક ટેમ્પો બે-ચાર માણસો સાથે ઊભો હતો. આ માણસો ટેમ્પો રિપેર કરી રહ્યા હોય એવી રીતે ટેમ્પોની નીચે અને આજુબાજુ ઊભા હતા. અમે પાંચ-સવા પાંચ  વાગ્યે બિલ્ડિંગની ગાડીઓ ધોવા સોસાયટીમાં ગયા ત્યાં સુધી ટેમ્પો ઊભો હતો. પછી અમને મોડેથી ખબર પડી કે દુકાનોનાં તાળાં તૂટ્યાં છે. વૉચમૅને અમને  અમારી દુકાનનાં તાળાં તૂટ્યાં હોવાની ઇન્ફર્મેશન છેક સવારે ૭.૧૫ વાગ્યે આપી હતી. હજી આગલા દિવસે જ નવો માલ આવ્યો હતો. એ માલ હજી થેલામાં જ પડ્યો હતો. ચોરી કરનારા એ બધા થેલા લઈ ગયા હતા. એ સિવાય થોડી રોકડ રકમ સહિત અંદાજે ૨,૨૫,૦૦૦થી ૨,૫૦,૦૦૦ રૂપિયાની  માલમતાની ચોરી થઈ છે.’

કૂલવસ્ત્રની બાજુમાં બે દુકાન છોડીને આવેલી ‘એક્સ’ નામની દુકાનના ગલ્લામાંથી ચોરો અંદાજે ૨૫,૦૦૦ રૂપિયાની રોકડ લઈ ગયા હતા. આ દુકાનનું ત્રણ  વર્ષ પહેલાં ઉદ્ઘાટન થયું ત્યારે અજાણ્યા માણસો ૮૫,૦૦૦ રૂપિયાની રોકડ રકમ આ જ રીતે તાળાં તોડીને લઈ ગયા હતા.

સીલસીલો ચાલુ જ

પંતનગર પોલીસ-સ્ટેશનની હદમાં થોડા દિવસ પહેલાં પંતનગરના બિલ્ડિંગ નંબર ૪૧માં રાતના સમયે ઘરના લોકો ફંક્શનમાં ગયા હતા એ સમયે સોનાના દાગીના  અને રોકડ સહિત બે લાખ રૂપિયાથી વધુ માલમતાની ચોરી થઈ હતી, જેમાં હજી સુધી કોઈની ધરપકડ નથી થઈ. ઘાટકોપરના ચિરાગનગર પોલીસ-સ્ટેશનમાં પણ ગયા મહિને ઘાટકોપર (વેસ્ટ)ની કામા લેનમાં એક દુકાન અને ઘરનાં તાળાં તૂટ્યાં હોવાની ફરિયાદ કરવામાં આવી છે. અહીંના એક સ્થાનિક વેપારીએ ‘મિડ-ડે’ને એક આંચકાજનક માહિતી આપતાં કહ્યું હતું કે સોમવારે પણ ઑડિયન, ૬૦ ફૂટ રોડ અને પંતનગરના વિસ્તારમાં ૮થી ૧૦ દુકાનોનાં તાળાં તૂટ્યાં છે, પણ બધી દુકાનોમાંથી વધારે તો માલની જ ચોરી થઈ હોવાથી દુકાનદારો તહેવારના  સમયમાં પોલીસની ઝંઝટમાં પડવા માગતા ન હોવાથી પંતનગર પોલીસ-સ્ટેશનમાં ફક્ત બે જ દુકાનદારોએ ફરિયાદ નોંધાવી છે.’

પોલીસ શું કહે છે?

લૂંટ-ફાટની વધી રહેલી ઘટના વિશે પંતનગર પોલીસ-સ્ટેશનના તપાસ-અધિકારી પી. પી. વાયરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ બન્ને દુકાન સિવાય આ જ રોડ પર આવેલી ઓએસિસ નામની કેકની દુકાનમાંથી પણ નજીવી  રોકડ રકમ, કેક અને ચોકલેટની ચોરી થઈ છે; જેની અંદાજિત કિંમત ૪૦૦૦થી ૮૦૦૦ રૂપિયાની હોઈ શકે. આ દુકાનમાં સીસીટીવી (ક્લોઝ્ડ-સર્કિટ ટીવી) કૅમેરા હોવાથી એનું ફુટેજ અમને આ ચોરીની ઘટનાની તપાસ  કરવામાં મદદરૂપ થશે. એ સિવાય અહીંથી મળેલી ફિંગરપ્રિન્ટ્સ પણ અમને આ કેસને સૉલ્વ કરવામાં ઉપયોગી નીવડશે. સીસીટીવીના ફુટેજ અને ફિંગરપ્રિન્ટ્સના  આધારે અમે તપાસ કરી રહ્યા છીએ.’