શૉકિંગ! લૉકડાઉનમાં જૉબ જતાં ગુજરાતીનું સુસાઈડ

10 December, 2020 08:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શૉકિંગ! લૉકડાઉનમાં જૉબ જતાં ગુજરાતીનું સુસાઈડ

મિતેશ નરેશ જેઠવા

નાલાસોપારામાં રહેતા ૩૨ વર્ષના એક ગુજરાતી યુવાને આર્થિક મુશ્કેલીથી કંટાળીને ગળાફાંસો ખાઈને સુસાઇડ કરવાની ઘટના ગઈ કાલે બની હતી. નાલાસોપારા પોલીસે ડેડ-બૉડી તાબામાં લઈને પોસ્ટમૉર્ટમ માટે મોકલી હતી. પોલીસે ઍક્સિડન્ટલ ડેથનો કેસ નોંધીને તપાસ હાથ ધરી છે. યુવાનની ત્રણ વર્ષની દીકરી દરવાજો ખખડાવતી રહી અને પપ્પાએ અંદર પોતાનો જીવ આપી દીધો હતો. લૉકડાઉનને લીધે જૉબ જતી રહેવાથી આર્થિક મુશ્કેલીમાં સપડાઈ જવાથી યુવાને આ પગલું ભર્યું હોવાની આશંકા.

નાલાસોપારા-વેસ્ટમાં યશવંત ગૌરવ પરિસરમાં આવેલી સાંઈદર્શન બિલ્ડિંગમાં રહેતા ૩૨ વર્ષના મિતેશ નરેશ જેઠવા પત્ની અને દીકરી સાથે રહેતો હતો. મરીન લાઈન્સમાં કપડાની એક શૉપમાં તે કામ કરતો હતો, પરંતુ લૉકડાઉનમાં નોકરી છૂટી જતાં તે હતાશ થઈ ગયો હતો. આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી તેણે છેલ્લા દોઢ મહિનાથી વૉચમૅનનું કામ શરૂ કર્યું હતું. તેણે ઘર ખર્ચ માટે ૫૦,૦૦૦ રૂપિયા ઉધાર લીધા હતા. સસરાની આર્થિક મદદ છતાં યુવાન ઘર ચલાવી શકતો નહોતો અને હતાશામાં આવીને તેણે ઘરના પંખા પર ઓઢણી બાંધીને ફાંસી લઈ લીધી હતી. જોકે ઘટનાસ્થળેથી પોલીસને કોઈ સુસાઈડ નોટ મળી નથી.

નાલાસોપારા-ઈસ્ટમાં રહેતા મિતેશના સસરા અશોક ત્રિવેદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કપડાંની દુકાને કામ કરતો હતો ત્યાંથી માર્ચ મહિનામાં વીસ દિવસનો પગાર મળ્યો હતો અને એ બાદ ત્યાંથી તેની નોકરી છૂટી ગઈ હતી. અમે લૉકડાઉનમાં બે મહિના તેમના ઘરે રહેતા હતા અને ઘર-ખર્ચ આપતા હતા, પરંતુ લૉકડાઉન વધવાની ખબર પડતાં અમારી બિલ્ડિંગવાળા લેશે કે નહીં એ વિચારે અમે અમારા ઘરે જતા રહ્યા. વૉચમૅનની નોકરીમાં વધુ કંઈ પગાર મળતો નહોતો અને ભાડાંનું ઘર હોવાથી લાઈટ બિલ અને ભાડાંમાં પગાર જતો રહેતો હતો. ગુજરાતમાં મારી ઓળખાણના એકને ત્યાં મારી દીકરીની નોકરી વિશે વાત કરતાં તેમણે હા પાડી હતી. એથી એક દિવસ પહેલાં જ મારી તેની સાથે વાત થઈ હતી કે મુંબઈના ખર્ચા પોસાય એમ નથી અને આપણે ગુજરાત જઈને રહીએ. જમાઈએ ખુશ થઈને હા પણ પાડી હતી, પરંતુ એને અચાનક શું થયું કે આવું પગલું ભર્યું. તે જમીને બેડરૂમમાં ગયો હતો અને અંદરથી લૉક કરી દીધું હતું. થોડો સમય પછી ૩ વર્ષની દીકરી દરવાજો ખખડાવતી હતી, પરંતુ તેણે દરવાજો ખોલ્યો નહોતો. આથી પાડોશીઓએ દરવાજો તોડવાનો પ્રયત્ન કર્યા બાદ પોલીસને બોલાવવામાં આવ્યા હતા.’

mumbai mumbai news nalasopara lockdown