19 February, 2026 06:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ૨૦૨૫-’૨૬ દરમ્યાન હાઇડ્રોપૉનિક ગાંજાની તસ્કરીમાં ચોંકાવનારો વધારો જોવા મળ્યો છે. એપ્રિલ ૨૦૨૫થી જાન્યુઆરી ૨૦૨૬ દરમ્યાન ઍર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા હાઇડ્રોપૉનિક પદ્ધતિથી ઉગાડવામાં આવેલા ગાંજાની તસ્કરીના ૨૦૦ કેસ નોંધાયા હતા અને કુલ ૧૧૦૧ કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ કહ્યું હતું કે થાઇલૅન્ડની બૅન્કોમાંથી સૌથી વધુ પ્રમાણમાં ગાંજાની તસ્કરી થતી હોવાનું જાણવા મળ્યું છે. નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાયકોટ્રૉપિક સબસ્ટન્સિસ (NDPS) અધિનિયમ હેઠળ ૨૦૨૫-’૨૬માં જાન્યુઆરી સુધી ૨૦૭ કેસ નોંધાયા છે જ્યારે ગયા વર્ષે આ આંકડો માત્ર ૫૭ હતો. આ આંકડા પરથી ડ્રગ્સ તસ્કરીમાં ચિંતાજનક વૃદ્ધિ સ્પષ્ટ થાય છે.
AIUના અધિકારીઓના જણાવ્યા મુજબ કોકેનની જપ્તીમાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો છે. ૨૦૨૪-’૨૫ દરમ્યાન ૫૦.૯ કરોડ રૂપિયાનું ૫.૦૯ કિલોગ્રામ કોકેન જપ્ત કરવામાં આવ્યું હતું, જ્યારે ૨૦૨૫-’૨૬માં જાન્યુઆરી સુધીમાં ૧૧૬.૨૬ કરોડનું ૧૧.૬ કિલોગ્રામ કોકેન જપ્ત કરવામાં આવ્યું છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે ડ્રગ-સિન્ડિકેટ્સ બૅન્ગકૉક સ્થિત એજન્ટો સાથે મળીને આ તસ્કરી ચલાવી રહી છે. તસ્કરી માટે પસંદ કરાયેલી વ્યક્તિઓને મફત ફ્લાઇટ-ટિકિટ, હોટેલમાં રોકાણ અને તગડું વેતન આપીને ભારત લાવવામાં આવે છે. હવે ડ્રગ-સિન્ડિકેટ્સ પરિવાર સાથેના મુસાફરો, નાનાં બાળકોવાળાં દંપતી અને ૬૧ વર્ષ સુધીના વરિષ્ઠ નાગરિકોને લો રિસ્ક માનતા હોવાથી તેમને પસંદ કરે છે. કુલ કેસોમાંથી અંદાજે પચીસ ટકા કેસમાં મહિલાઓનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું છે. ડ્રગ્સ છુપાવવા માટે ચિપ્સનાં પૅકેટ, શૅમ્પૂની બૉટલ અને શાકભાજી જેવાં સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જ્યારે કોકેન માટે કેટલાક તસ્કરો શરીરમાં કૅપ્સ્યુલ ગળી જવાની ખતરનાક પદ્ધતિ અપનાવતા હોવાનું પણ બહાર આવ્યું છે. એક કેસમાં ૬૧ વર્ષની યુગાન્ડાની મહિલાએ ૮૬૬ ગ્રામ કોકેન ધરાવતી ૮૦ કૅપ્સ્યુલ ગળી લીધી હતી, જ્યારે એક ઍરલાઇન ક્રૂ-સભ્ય ૫.૧૯૪ કિલોગ્રામ કોકેન સાથે ઝડપાયો હતો. આ ઉપરાંત મુંબઈ ઍરપોર્ટ કમિશનરેટે ૨૦૨૫-’૨૬ દરમ્યાન ૪૮૬ કરોડ મૂલ્યના ૪૧૫ કિલોગ્રામથી વધુ નશીલા પદાર્થોનો નાશ કરીને કડક કાર્યવાહીનો સંદેશ આપ્યો છે.