શોકિંગ એક્ઝિટ : હરેશ નાગડા પાછા આવવાના હતા એની જગ્યાએ તેમનો મૃતદેહ આવ્યો

17 September, 2012 06:29 AM IST  | 

શોકિંગ એક્ઝિટ : હરેશ નાગડા પાછા આવવાના હતા એની જગ્યાએ તેમનો મૃતદેહ આવ્યો



(યોગેશ પંડ્યા)


મુંબઈ, તા. ૧૭
ડોમ્બિવલીમાં રહેતા અને લૅમિંગ્ટન રોડ પર ગાલા ઇલેક્ટ્રૉનિક્સ નામની દુકાનમાં છેલ્લાં ૨૫ વર્ષથી કામ કરતા ૪૨ વર્ષના હરેશ રામજી ભાણજી નાગડા શનિવારે કોઇમ્બતુરમાં તેમના બિઝનેસનું કામ પતાવીને બપોરની ત્રણ વાગ્યાની ફ્લાઇટમાં મુંબઈ રિટર્ન થવાના હતા, પણ શુક્રવારે રાત્રે તેમને ઊંઘમાં જ હાર્ટ-અટૅક આવતાં તેમનું ઊંઘમાં જ મૃત્યુ થઈ ગયું હતું અને રવિવારે તેમનો મૃતદેહ મુંબઈમાં લાવવામાં આવ્યો હતો. ગઈ કાલે રાત્રે આઠ વાગ્યે ડોમ્બિવલીના સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.


કચ્છી વીસા ઓસવાળ જૈન સમાજના કચ્છના માંડવી તાલુકાના નરેડી ગામના વતની હરેશ નાગડા ડોમ્બિવલી (ઈસ્ટ)માં રાજેન્દ્ર પ્રસાદ રોડ પર આવેલા શિવસમૃદ્ધિ બિલ્ડિંગમાં માતા-પિતા, પત્ની હેતલ, પુત્રી કવીશા અને પુત્ર ચિંતન સાથે રહે છે. તેઓ છેલ્લાં ૧૫ વર્ષથી વ્યવસાય માટે બહારગામની ટૂર પણ કરતા હતા અને આવી જ એક ટૂર માટે તેઓ ગયા સોમવારે દક્ષિણ ભારત ગયા હતા. શનિવારે તેમની રિટર્ન ટિકિટ હતી, પણ શનિવારે સવારે ગાલા ઇલેક્ટ્રૉનિક્સના માલિક ઝવેરચંદ ગાલા કે તેમના ભત્રીજા સાગર ગાલાના ફોન તેઓ ઉપાડતા નહોતા એટલે તેમણે કોઇમ્બતુરમાં તેમના વેપારીમિત્રને ફોન કરીને તેમનો રાજારામ લૉજમાં જઈને સંપર્ક કરવા કહ્યું હતું. એક વેપારી લૉજ પર પહોંચ્યો ત્યારે બેલ મારતાં કે દરવાજો ખખડાવતાં કોઈ પ્રતિસાદ ન મળતાં તેમણે વેન્ટિલેશનની બારીમાંથી જોયું ત્યારે હરેશભાઈ પથારીમાં સૂતેલી અïવસ્થામાં જોવા મYયા હતા. તરત જ પોલીસને બોલાવવામાં આïવી હતી. પોલીસે દરવાજો તોડીને જોતાં હરેશભાઈ મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં સાગર ગાલા મુંબઈથી હરેશભાઈનાં રિલેટિવ્સ સાથે કોઈમ્બતુર જવા રવાના થયા હતા.


અજાણ્યા પ્રદેશમાં ક્યારે ડેડબૉડી મળશે અને કેવી રીતે એને મુંબઈ લઈ જવાશે એની સૌને ચિંતા હતી, પણ આ સમયે તેમને કોઇમ્બતુરના કચ્છી દશા ઓસવાળ મહાજને ખૂબ મદદ કરી હતી. ગાલા ઇલેક્ટ્રૉનિક્સના ઝવેરચંદ ગાલાએ કહ્યું હતું કે ‘આ મહાજનના કાર્યકરો કાન્તિલાલ વોરા, કવીશ છેડા, મયૂર નાગડા, મનીષ લોડાયા, ભાવેશ લોડાયા, નીલેશ વોરા અને ભરત વોરા નામના યુવાનોને જ્યારે ખબર પડી કે મુંબઈના કચ્છી વેપારીનું આવી રીતે મૃત્યુ થયું છે ત્યારે તેમણે પોલીસની સાથે રહીને બધી જ કાયદાકીય વિધિ પાર પાડી. પોસ્ટમૉર્ટમ પણ કરાવી લીધું અને ડેડબૉડીને મુંબઈ બરાબર રીતે લઈ જઈ શકાય એ માટે કૉફીનમાં પણ પૅક કરાવી રાખ્યું. એટલું જ નહીં, મુંબઈથી ગયેલા લોકો માટે તેમ જ ડેડબૉડીને કાર્ગોમાં લાવવા માટેની ફ્લાઇટની પણ તમામ વ્યવસ્થા તેમણે જ કરી રાખી હતી.’


જે ફ્લાઇટમાં હરેશ નાગડા આવવાના હતા એને બદલે બીજા દિવસે તેમનું ડેડબૉડી લાવવામાં આવ્યું હતું. ગઈ કાલે સાંજે આ ડેડબૉડી મુંબઈ ઊતર્યા બાદ સીધું ડોમ્બિવલી લઈ જવામાં આવ્યું હતું અને રાત્રે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.