શૉકિંગ : વસઈના સમુદ્રકિનારે મૃતદેહોને દફનાવવામાં આવે છે

27 May, 2022 09:53 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

ભૂઈગાંવ અને સુરુચિબાગ જેવા જાણીતા દરિયાકિનારા પર વસઈ પોલીસે બિનવારસી મૃતદેહો દફનાવ્યા હોવાનું જાણવા મળ્યું

પોલીસે બીચ પર અહીં મૃતદેહ દફનાવ્યો હતો અને કાંદિવલીનો ગુમ થયેલો યુવક દીપક કટુકર (જમણે).

વસઈના સમુદ્રકિનારા પર મૃતદેહો દફનાવવામાં આવતા હોવાની ચોંકાવનારી બાબત સામે આવી છે. ઉલ્લેખનીય છે કે આ કામ કોઈ ક્રાઇમ કરનાર નહીં પણ પોલીસ પોતે જ કરી રહી છે. અહીં પર્યટકો તેમના પરિવાર સાથે આવે છે અને નાનાં બાળકોની સૌથી પસંદગીની જગ્યા બીચ હોય છે. જો ​બીચ પર માટીમાં રમતાં બાળકોને મૃતદેહ દેખાય કે પછી પાણીના ધોવાણથી મૃતદેહ પ્રવાહ સાથે બહાર આવ્યો તો કેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે એ વિચારીને કમકમાં આવી જાય છે. વસઈ પોલીસે ભૂઈગાંવ અને સુરુચિબાગ જેવા જાણીતા દરિયાકિનારા પર બિનવારસી મૃતદેહો દફનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે અને એને કારણે પર્યાવરણપ્રેમીઓમાં નારાજગી જોવા મળી રહી છે.
આ રીતે ઘટના સામે આવી
કાંદિવલીનો ૨૧ વર્ષનો યુવક દીપક કટુકર ગુમ થયો હતો. પરિવારજનોએ તેના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. જોકે તેની હત્યા કરવામાં આવી હોવાનું પછીથી બહાર આવ્યું હતું. ૧૨ મેએ પ્રેમપ્રકરણને કારણે તેના મિત્રે તેને ભાઈંદરની ખાડીમાં ધક્કો મારીને તેને મારી નાખ્યો હતો. દીપકનો મૃતદેહ ૧૪ મેએ વસઈના ભુઈગાંવ બીચ પરથી મળ્યો હતો. જોકે વસઈ પોલીસ તેની ઓળખ કરી શકી નહોતી. તેથી તેમણે એ મૃતદેહ બિનવારસી માન્યો હતો. જોકે નિયમ પ્રમાણે એને થોડા દિવસ શબઘરમાં રાખીને ત્યાર બાદ સ્મશાનભૂમિમાં એના અંતિમ સંસ્કાર કરવાના હોય છે. 
જોકે વસઈ પોલીસે મૃતદેહને વસઈના ભુઈગાંવ બીચ પર દફનાવ્યો હતો. બીચની મુલાકાત લેતા પર્યટકોને પણ એનો કોઈ ખ્યાલ નહોતો. જોકે કાંદિવલી પોલીસે આરોપીને પકડ્યા બાદ આ મામલો પ્રકાશમાં આવ્યો હતો અને પછી જેસીબીની મદદથી ભૂઈગાંવ બીચ પર દફનાવવામાં આવેલો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ પોલીસે સુરુચિબાગ બીચ પર એક બિનવારસી મૃતદેહને દાટી દીધો હતો જેને કારણે પર્યાવરણપ્રેમીઓમાં નારાજગી ફેલાઈ છે. આ ખૂબ જ ઘૃણાજનક છે અને સંબંધિત પોલીસ સામે પગલાં લેવા જોઈએ એવી માગણી વસઈ પર્યાવરણ સંરક્ષણ સમિતિના સંયોજક સમીર વર્તકે કરી હતી. ભુઈગાંવ બીચને સાફ કરવા માટે દર અઠવાડિયે સેંકડો યુવાનો સખત મહેનત કરી રહ્યા છે. એની નોંધ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ લેવાય છે. કિનારા પર મૃતદેહોને દફનાવવા એ અક્ષમ્ય ગુનો છે એમ ભુઈગાંવના એક સામાજિક કાર્યકરે જણાવ્યું હતું. 
પોલીસ દ્વારા બચાવ
આ અંગે વસઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અને એ પોતાનો બચાવ કરતી દેખાઈ રહી છે. સંબંધિત યુવકની ડેડ-બૉડી સડી ગયેલી હાલતમાં હતી. ડૉક્ટરોએ પણ કિનારે શબપરીક્ષણ કર્યું હતું એમ કહેતાં વસઈ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ ઇન્સ્પેક્ટર કલ્યાણરાવ કાર્પેએ જણાવ્યું હતું કે ‘અમારી પાસે શબગૃહ ન હોવાથી અમે મૃતદેહને ભુઈગાંવ બીચ પર એટલે કે સમુદ્રકિનારા પર દફનાવ્યો હતો. અમે ધ્યાન રાખીશું કે આગળ આવું ફરી ન બને.’
નિયમ શું કહે છે?
જો કોઈ દાવો ન કરાયેલો મૃતદેહ હોય તો એને એક મહિના માટે શબઘરમાં રાખવામાં આવે છે અને ત્યાર બાદ એના અગ્નિસંસ્કાર કરવામાં આવે છે અથવા દફનાવવામાં આવે છે. જો ડેડ-બૉડી સડી ગયેલી સ્થિતિમાં હોય તો એ જ જગ્યાએ શબપરીક્ષણ કરવામાં આવે છે. જોકે બીચ પર દફનાવવાનો કોઈ લેખિત નિયમ નથી. જો કોઈ સંજોગોમાં દફનાવવામાં આવે તો એ વિસ્તારમાં સીમાંકન કરવું જરૂરી છે.

Mumbai mumbai news preeti khuman-thakur