ભાંડવપુર જૈન તીર્થમાં મુનિશ્રી જિનરત્નવિજયજી મ.સા.ના સુસાઇડથી ચકચાર

24 January, 2021 08:32 AM IST  |  Mumbai | Rohit Parikh

ભાંડવપુર જૈન તીર્થમાં મુનિશ્રી જિનરત્નવિજયજી મ.સા.ના સુસાઇડથી ચકચાર

મુનિશ્રી જિનરત્નવિજયજી મ.સા.

રાજસ્થાનના જાલોરમાં આવેલા ભાંડવપુર જૈન તીર્થમાં ગઈ કાલે સવારે તીર્થમાં ચાતુર્માસ માટે બિરાજમાન ૬૪ વર્ષના મુનિશ્રી જિનરત્નવિજયજી મહારાજસાહેબનો વહેલી સવારે પાણીની ટાંકીમાંથી મૃતદેહ મળી આવતાં ચકચાર જાગી હતી. ભાંડવપુર તીર્થના સંચાલકોના કહેવા પ્રમાણે શ્રી જિનરત્નવિજયજી મહારાજસાહેબે આત્મહત્યા જેવું ઘાતકી પગલું કદાચ ડિપ્રેશનમાં આવીને ભર્યું હોય એ‍વું બની શકે. જોકે મહારાજસાહેબનાં સંગાસંબંધીઓ ૧૦ વર્ષના ઉત્કૃષ્ટ સંયમપાલન અને સ્વાધ્યાયપ્રિય શ્રી જિનરત્નવિજયજી મહારાજસાહેબે આત્મહત્યા શા માટે કરી એની સામે અચરજ વ્યક્ત કરી રહ્યાં છે.

પૂર્વાશ્રમમાં શ્રી જિનરત્નવિજયજી મહારાજસાહેબનું નામ કિશોર ગોવાણી હતું. રાજસ્થાનના ચૌરાઉ ગામના કિશોર ગોવાણીએ વીસોણીનિવાસી તિલોકચંદ ભીમરાજ ભણસાલીની પુત્રી મંજુબાઈ સાથે લગ્ન કર્યાં હતાં. દાંપત્ય જીવનનાં થોડાં વર્ષ પછી પતિ-પત્ની બન્નેના હૃદયમાં સંયમ લેવાના ભાવ જાગ્યા હતા. લાંબા સમયના ઇંતજાર પછી ૨૦૧૦ની ૩૦ મેના દિવસે જાલોર જિલ્લાના ચૌરાઉ ગામમાં ઉત્કૃષ્ટ ક્રિયાપાલક આચાર્ય જયાનંદસૂરીશ્વરજી મહારાજસાહેબની નિશ્રામાં આ દંપતીએ એક જ મંડપમાં સાથે દીક્ષા ગ્રહણ કરી હતી. શ્રી સૌધર્મ બૃહ તપોગચ્છીય સકલ સંઘમાં ૧૪૨ વર્ષના ઇતિહાસમાં પહેલી વખત કોઈ દંપતીની સાથે દીક્ષા થઈ હતી. ત્યાર પછી ૨૦૧૦ની ૨૧ જુલાઈએ તેમની વડી દીક્ષા ગુજરાતના ધાનેરા ગામમાં થઈ હતી. દીક્ષા પછી કિશોર ગોવાણી મુનિ જિનરત્નવિજયજી મહારાજસાહેબ અને તેમનાં પત્ની મંજુબાઈ શ્રી ત્રિલોકયરત્નાશ્રીજી સાધ્વીજી બન્યાં હતાં. આ દંપતીને બે પુત્રી અને એક પુત્ર છે અને ત્રણેયનાં લગ્ન થઈ ચૂક્યાં છે.

દીક્ષાનાં સાત વર્ષ પછી તેમના ગુરુ આચાર્ય જયાનંદસૂરીશ્વરજી મહારાજસાહેબ સાથે જિનરત્નવિજયજી મહારાજસાહેબના મતભેદો સર્જાતાં તેઓ જૂન ૨૦૧૭માં આચાર્યશ્રી જયરત્નસૂરીશ્વરજી મહારાજસાહેબના આજ્ઞાનુવર્તી બન્યા હતા.

અત્યારે મુનિશ્રી જિનરત્નવિજયજી મહારાજસાહેબ આચાર્યશ્રી જયરત્નસૂરીશ્વરજી મહારાજસાહેબ સાથે રાજસ્થાનના ભાંડવપુર તીર્થમાં ચાતુર્માસ કરી રહ્યા હતા. જોકે ગઈ કાલે વહેલી સવારે મુનિશ્રી જિનવિજયજી મહારાજસાહેબે પાણીની ટાંકીમાં ઝંપલાવીને આત્મહત્યા કરતાં ભાંડવપુર તીર્થમાં ખળભળાટ મચી ગયો હતો. ૧૦ વર્ષના ઉત્કૃષ્ટ સંયમપાલન પછી અચાનક મુનિ મહારાજસાહેબે આત્મહત્યા જેવો ઘાતકી રસ્તો અપનાવતાં તેમના સાંસારિક પરિવારમાં તેમ જ જૈન સમાજમાં અનેક સવાલ ઊભા થયા છે. તેમનાં સાંસારિક પત્ની સાધ્વીશ્રી ત્રિલોકયરત્નાશ્રીજી અત્યારે જૈનોના ભાવનગર પાસે આવેલાં પાલિતાણા તીર્થમાં આવેલા સૌધર્મ નિવાસમાં એકલાં બિરાજમાન છે.

આ બનાવ વિશે માહિતી આપતાં ભાંડવપુર તીર્થમાં બિરાજમાન મુનિ આનંદવિજયજી મહારાજસાહેબે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી પાસે તેમની આત્મહત્યાનું પાકું અને સાચું કારણ નથી. મુનિશ્રી જિનરત્નવિજયજી મહારાજસાહેબે શુક્રવારે રાતે ૯.૩૦ વાગ્યા પછી તેમની બે દીકરી અને જમાઈઓને તેમ જ તેમના સંસારી મિત્રોને ફોન અને અને મેસેજ કર્યા હતા. આ મેસેજમાં તેમણે મિચ્છા મિ દુક્કડં કહેવા સહિત તેમના અંતિમ સંસ્કાર સાદગીથી કરવામાં આવે જેવી બધી માહિતી આપી હતી. તેમણે છેલ્લો મેસેજ રાતે દોઢ વાગ્યે તેમની દીકરીઓને કર્યો હતો. તેમના અમદાવાદ રહેતા મિત્રોએ અમારી સાથે વાત કરીને તેમના મેસેજ વિશે માહિતી આપી હતી જેથી અમે અને પેઢીના મુનિમ તથા કમર્ચારીઓ જિનરત્નવિજયજી મહારાજસાહેબની શોધખોળ શરૂ કરી હતી, પણ રાતે તેમની ભાળ મળી નહોતી. ગઈ કાલે પાણીની ટાંકી ભરવા ગયેલા એક કર્મચારીને પાણીની ટાંકીમાં મહારાજસાહેબનો મૃતદેહ તરી રહ્યો છે એવી માહિતી મળી હતી.’

 થોડી વારમાં જ તેમનાં દીકરી-જમાઈ ભાંડવપુર તીર્થમાં આવી ગયાં હતાં અને જિનરત્નવિજયજી મહારાજસાહેબે કહ્યા પ્રમાણે તેમની સાદાઈથી પાલખી કાઢીને ભાંડવપુર તીર્થમાં જ તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા.

ભાંડવપુર તીર્થના મુનિમ અશોકજીએ શ્રી જિનરત્નવિજયજી મહારાજસાહેબની આત્મહત્યાની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તેઓ ડિપ્રેશનમાં હતા. કદાચ એવા જ કોઈક કારણસર તેમણે આત્મહત્યા કરી હોવી જોઈએ. બાકી તો સાચી માહિતી ફક્ત મુનિશ્રી આનંદવિજયજી મહારાજસાહેબ જ આપી શકશે.’

પોલીસનું અકળ મૌન

આ બાબતે ‘મિડ-ડે’એ ભાંડવપુર તીર્થ જે પોલીસ-સ્ટેશનની હદમાં આવે છે એ સાલિયા ગામના પોલીસ-સ્ટેશનનો સંપર્ક કર્યો ત્યારે ડ્યુટી ઑફિસરે આ કેસની તપાસ કરી રહેલા અધિકારી છત્રા રામજી સાથે વાત કરવાનું ‘મિડ-ડે’ને કહ્યું હતું. ત્યાર બાદ અસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર છત્રા રામજીનો સતત ફોન અને મેસેજ કરીને સંપર્ક કરવાની ‘મિડ-ડે’એ કોશિશ કરી હતી, પણ તેમણે એક પણ ફોન કે મેસેજનો જવાબ નહોતો આપ્યો.

mumbai mumbai news rajasthan