નવનીત રાણાનો લીલાવતી હૉસ્પિટલમાં MRI કરાવતો ફોટો વાઇરલ થતાં સેનાએ મચાવ્યો હોબાળો

10 May, 2022 09:37 AM IST  |  Mumbai | Suraj Pandey

હૉસ્પિટલે આ બાબતે તપાસ કરીને દોષીની સામે કાર્યવાહી કરવાની બાંયધરી આપી હતી

સંસદસભ્ય નવનીત રાણા લીલાવતી હૉસ્પિટલમાં એમઆરઆઇ સ્કૅનિંગ કરાવી રહ્યાં છે. ટ્‍વિટર

અમરાવતીનાં સંસદસભ્ય નવનીત રાણા લીલાવતી હૉસ્પિટલમાં એમઆરઆઇ કરાવી રહ્યાં હતાં ત્યારે કોઈએ તેમનો ફોટો પાડી ટ્વિટર પર વાઇરલ કર્યો હતો. શિવસેનાના નેતાઓએ ગઈ કાલે આ મુદ્દો ઉઠાવી આમ કઈ રીતે શક્ય બન્યું તે વિશે લીલાવતી હૉસ્પિટલના વહીવટી તંત્રને પ્રશ્ન કર્યો હતો. એમઆરઆઇ રૂમમાં ઇલેક્ટ્રૉનિક ઉપકરણો તેમ જ મેટલની વસ્તુઓ લઈ જવાની પરવાનગી ન હોવાથી હૉસ્પિટલે આ મામલે તપાસ કરીને દોષીને સજા કરવાની બાંયધરી આપી છે. 
હનુમાન ચાલીસાના પાઠ કરવાના મુદ્દે ૨૩ એપ્રિલે રાણા દંપતીની ધરપકડ કરી થોડા દિવસ બાદ તેમને જામીન પર મુક્ત કરાયું હતું. જામીન પરથી છૂટ્યા બાદ ગરદન અને પીઠના દુખાવાની ફરિયાદ સાથે લીલાવતી હૉસ્પિટલમાં દાખલ થયેલાં નવનીત રાણાએ ૬ અને ૭ મેએ એમઆરઆઇ સ્કૅનિંગ કરાવ્યું હતું, 
જેના ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા હતા. શિવસેનાનાં વિધાનસભ્ય ડૉક્ટર મનીષા કાયંડે અને ભૂતપૂર્વ મેયર કિશોરી પેડણેકરે શિવસૈનિકો સાથે હૉસ્પિટલમાં પહોંચીને ફોટો વાઇરલ થવા સંબંધે પ્રશ્ન કરતાં હૉસ્પિટલના અધિકારીઓને પત્ર લખી મશીન રૂમમાં કૅમેરામૅન કે ફોટોગ્રાફર કઈ રીતે પહોંચ્યો અને જો આ પ્રકરણે સંસદસભ્ય નવનીત રાણાના જીવનું જોખમ ઊભું થયું હોત તો તેના માટે કોણ જવાબદાર રહેશે એવો પ્રશ્ન કર્યો હતો.  
ડૉક્ટર મનીષા કાયંડેએ કહ્યું હતું 
કે જો નવનીત રાણા તેમના એમઆરઆઇના ફોટો શૅર કરી શકતાં હોય તો તેમણે પોતાનો એમઆરઆઇ રિપોર્ટ પણ શૅર કરવો જોઈએ.  
લીલાવતી હૉસ્પિટલના સીઈઓ ડૉક્ટર એસ. રવિશંકરે કહ્યું હતું કે હૉસ્પિટલમાં દાખલ થતાં અન્ય પ્રધાનોની જેમ સંસદસભ્ય નવનીત રાણા પણ તેમની સિક્યૉરિટી સાથે આવ્યાં હતાં. તેમના એમઆરઆઇ વખતે તેમના સેક્રેટરી કે કોઈ એક કાર્યકર્તાએ એમઆરઆઇ રૂમમાં પ્રવેશીને હૉસ્પિટલનો સ્ટાફ તેમને એમઆરઆઇ કરાવવા લઈ જવાની તૈયારીમાં વ્યસ્ત હશે એ સમયે ફોટો પાડ્યો હોવો જોઈએ.   
આ બાબતે અમને એચ વેસ્ટ વૉર્ડના અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તરફથી કારણદર્શક નોટિસ મળી છે, અમે આ બાબતની તપાસ કરીને સુરક્ષામાં ક્યાં ચૂક થઈ છે તેનો રિપોર્ટ સબમિટ કરશું તથા દોષિત સામે સખત પગલાં લેવામાં આવશે. રાજકીય દબાણ હેઠળ તેમને ફોટો લેવા દીધો હોવાનો પ્રશ્ન કરાતાં તેમણે તેનો સદંતર ઇનકાર 
કર્યો હતો. 

Mumbai mumbai news shiv sena