ત્રણ દિવસમાં પાંચમી હત્યા સાથે નાંદેડમાં ગૅન્ગવૉરનો તરખાટ

07 April, 2026 09:06 AM IST  |  Nanded | Gujarati Mid-day Correspondent

મૉર્નિંગ વૉક માટે નીકળેલા શિવસેનાના કાર્યકરની ચાકુના ૧૭ ઘા ઝીંકીને થઈ હત્યા

હત્યારાઓએ નાંદેડના સોનુ કલ્યાણકરની ચાકુના ૧૭ ઘા મારીને કરપીણ હત્યા કરી હતી.

નાંદેડમાં ગઈ કાલે મૉર્નિંગ વૉક કરવા નીકળેલા એકનાથ શિંદે જૂથની શિવસેનાના ૩૫ વર્ષના કાર્યકર સોનુ કલ્યાણકર પર ૪ આરોપીઓ દ્વારા ચાકુ અને ધારદાર હથિયારોથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. તેના પર ૧૭ વાર કરવામાં આવ્યા હતા. આ ઘટના સોમવારે સવારે ૫.૩૦ વાગ્યાની આસપાસ શ્રીનગર વિસ્તારમાં બની હતી. સોનુ કલ્યાણકરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ૩ વર્ષ પહેલાં પણ તેના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. નાંદેડમાં ૩ દિવસમાં આ પાંચમી હત્યા છે. આ હત્યાએ નાંદેડ શહેરને હચમચાવી નાખ્યું હતું. આ હત્યાની ઝડપી તપાસ કરીને પોલીસે આરોપીઓને ઝડપી લેવાના પ્રયાસ શરૂ કર્યા હતા. આરોપીઓ પર ફાયરિંગ કરતી વખતે મુખ્ય આરોપી અંકુશ ગંધમવાર ઘાયલ થયો હતો, જ્યારે અન્ય ૩ આરોપીઓને ઝડપી લેવાયા હતા. જૂની અદાવતને લઈને સોનુની હત્યા થઈ હોવાની પોલીસને શંકા છે.

નાંદેડમાં હાલમાં શ્રેણીબદ્ધ હત્યાઓ ચાલી રહી છે. છેલ્લા ૩ દિવસમાં પાંચ લોકોની હત્યા કરવામાં આવી છે. બે દિવસ પહેલાં ભાગ્યનગર પોલીસ-સ્ટેશનની હદમાં ટ્રિપલ મર્ડર થયાં હતાં. વર્ચસના વિવાદને કારણે સદા ગૅન્ગ અને સાઈ લાલા ગૅન્ગના સભ્યો વચ્ચે ઝઘડો થયો હતો. આમાં અરિજિત સિંહ ચવાણ, મોહમ્મદ અરબાઝ અને સૈયદ અવેજની હત્યા કરવામાં આવી હતી. ત્યાર બાદ વઝીરાબાદ પોલીસ-સ્ટેશનની હદ હેઠળની મુરમુરા ગલીમાં રજ્જુ સિંહ તબેલેવાલેની હત્યા કરવામાં આવી હતી.

mumbai news mumbai shiv sena nanded maharashtra news maharashtra murder case