30 June, 2026 07:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસ
શિવસેના (UBT)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સોમવારે મહારાષ્ટ્રના રાજકારણમાં એક નવો ગરમાવો લાવી દીધો છે. તેમણે દાવો કર્યો છે કે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વડા પ્રધાન બનવાની મહત્ત્વાકાંક્ષા ધરાવે છે. આ સાથે જ તેમણે આરોપ લગાવ્યો હતો કે ભારતીય જનતા પાર્ટી (BJP)ના કેન્દ્રીય નેતૃત્વએ દેવેન્દ્ર ફડણવીસને પાવરફુલ બનતા રોકવા અને તેમના પર નિયંત્રણ રાખવા માટે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને પ્રોત્સાહન આપવાની રણનીતિ અપનાવી છે એટલે કે દેવેન્દ્ર ફડણવીસની સોપારી એકનાથ શિંદેને આપવામાં આવી છે.
મરાઠવાડા અને ઉત્તર મહારાષ્ટ્રના ચાર-દિવસીય પ્રવાસના અંતે શિર્ડીમાં પત્રકાર પરિષદને સંબોધતાં ઉદ્ધવ ઠાકરેએ દેશના સર્વોચ્ચ પદ પર કોઈ મરાઠી નેતા બેસે એ વિચારને સમર્થન આપ્યું હતું. દેવેન્દ્ર ફડણવીસના સંદર્ભમાં તેમણે કહ્યું, ‘જો કોઈ વડા પ્રધાન બનવાનું સપનું જોતું હોય તો એમાં ખોટું શું છે? જો દેવેન્દ્ર ફડણવીસ વડા પ્રધાન બનશે તો હું તેમને મારો ટેકો જાહેર કરીશ. જોકે હકીકતમાં BJP હાઇ કમાન્ડ એક રાજકીય વ્યૂહરચના હેઠળ જ એકનાથ શિંદેના કદને વધારી રહ્યું છે જેથી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનને કાબૂમાં રાખી શકાય.’
ઉદ્ધવ ઠાકરેનો આ પ્રવાસ ૨૬થી ૨૯ જૂન ૨૦૨૬ દરમ્યાન યોજાયો હતો. આ દરમ્યાન તેમણે એવા ૬ મતવિસ્તારોની મુલાકાત લીધી હતી જ્યાંના શિવસેના (UBT)ના સંસદસભ્યો તાજેતરમાં જ બળવો કરીને એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનામાં જોડાયા હતા. આ મુલાકાતનો મુખ્ય હેતુ પાયાના કાર્યકરોને આશ્વાસન આપવાનો અને એ સંદેશ પહોંચાડવાનો હતો કે નેતાઓના પક્ષપલટાથી પક્ષનું પાયાનું સંગઠન નબળું પડ્યું નથી. સોમવારે શિર્ડીમાં આ પ્રવાસનું સમાપન થયું હતું.