આજે શિવસેનાના સ્થાપનાદિને ઉદ્ધવ-શિંદેના વાક્‍યુદ્ધ પર સૌની નજર

19 June, 2026 09:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શિવસેના (UBT)એ વ્હિપ બજાવ્યો હોવા છતાં ૬ સંસદસભ્યો મીટિંગમાં ગેરહાજર, નોટિસ ફટકારીને ૭ દિવસમાં જવાબ માગવામાં આવ્યો : લોકસભાના સ્પીકરને પત્ર લખીને તેમને અપાત્ર ઠેરવવાની માગણી કરવામાં આવશે

ઉદ્ધવ ઠાકરે, એકનાથ શિંદે

શિવસેના (UBT)ના ૬ સંસદસભ્યોએ નોખો ચોકો રચવા માટે લોકસભાના સ્પીકર ઓમ બિરલાને લેટર આપ્યો હોવાની જાણ થયા બાદ ગઈ કાલે દિલ્હીમાં જ પક્ષના તમામ ૯ સંસદસભ્યોની બેઠક બોલાવી એમાં દરેક સંસદસભ્ય હાજર રહે એ માટે વ્હિપ લાગુ કરવામાં આવ્યો હતો. જોકે એમ છતાં શિવસેના (UBT) સાથે છેડો ફાડવા માગતા ૬ સંસદસભ્યો એ મીટિંગમાં ગેરહાજર રહ્યા હોવાથી હવે આ બાબતે પક્ષ લોકસભાના સ્પીકર ઓમ બિરલાને રજૂઆત કરી તેમને અપાત્ર કરવાની તૈયારી કરી રહ્યો છે. આ ઉપરાંત બેઠકમાં હાજર ન રહેવા બદલ ૬ સંસદસભ્યોને નોટિસ ફટકારીને ૭ દિવસમાં જવાબ માગવામાં આવ્યો છે અને ૪ દિવસ પછી ફરી એક વાર મીટિંગ બોલાવવાની જાહેરાત કરવામાં આવી છે.

આજે શિવસેનાના સ્થાપનાદિવસ નિમિત્તે ઉદ્ધવ ઠાકરે સાયનના ષણ્મુખાનંદ હૉલમાં સભ્યોને સંબોધશે તો એકનાથ શિંદે ગોરેગામના નેસ્કો સેન્ટરમાં કાર્યકરોને સંબોધશે. અત્યાર સુધી એ ચર્ચા જોરમાં હતી કે આજે શિવસેના (UBT)ના ૬ સંસદસભ્યો એકનાથ શિંદે સાથે જોડાશે, પણ સૂત્રોના જણાવ્યા મુજબ આ સંસદસભ્યોને દિલ્હીથી હવે જયપુરની લીલા હોટેલમાં રખાયા છે જે ૨૧ તારીખ પછી જ મહારાષ્ટ્રમાં આવશે. 

ટેક્નિકલિટી શું છે?
નિષ્ણાતોનું કહેવું છે કે સાગમટે થતો પક્ષપલટો એ લોકશાહી માટે જોખમી હોવાનું જણાઈ આવતાં ૧૯૮૫માં રાજીવ ગાંધીએ પક્ષપલટા પર લગામ તાણવા એ કાયદાનો બંધારણમાં સમાવેશ કર્યો હતો જેમાં ૨૦૦૩માં અટલ બિહારી વાજપેયીની સરકારે સ્પિલ્ટ ન થઈ શકે એ જોગવાઈ કાઢી નાખી હતી. હવે એ પક્ષપલટાના કાયદામાં માત્ર એક પક્ષનું બીજા પક્ષમાં વિલીનીકરણ કરવાની જોગવાઈ રહી છે. 

શિવસેના (UBT) દ્વારા બળવાખોર સંસદસભ્યોને નોટિસ મોકલાવવામાં આવશે તો તેમને એ નોટિસનો જવાબ આપવો પડશે કે કેમ? એ વિશે એક્સપર્ટે કહ્યું હતું કે જો બળવાખોર સંસદસભ્યોએ તેમનો અલગ ચોકો બનાવ્યો હોય તો એ નોટિસ આપવાથી બહુ કાંઈ ફરક નહીં પડે. હવે પક્ષ તેમને પડતા મૂકી શકે અથવા પક્ષ દ્વારા તેમને અપાત્ર ગણવાની લોકસભાના સ્પીકરને અરજી કરશે. 

આ પ્રકરણમાં સંસદસભ્યો બીજા પક્ષમાં પ્રવેશ લે જ એ જરૂરી નથી. જો એવું થાય તો તેમની સાથે તેમનો પક્ષ પણ બીજા પક્ષમાં વિલીન થવો જોઈએ. પક્ષમાં પડેલી ફૂટ એ બળવાખોર સંસદસભ્યોએ સ્પષ્ટ કરવી પડશે. એ માટે તેમની સાથે ૨/૩ બહુમતી હોવી જોઈએ. જો એ બહુમતી તેઓ પુરવાર કરી શકશે તો સ્પીકર તેમના વિલીનીકરણને મંજૂરી આપી શકે છે.  વળી પક્ષ દ્વારા જાહેર કરાયેલા વ્હિપને સંસદીય બાબતોમાં લાગુ કરી શકાય કે નહીં એ મુદ્દો હજી સર્વોચ્ચ અદાલતમાં પેન્ડિંગ છે ત્યારે આ આવું બીજું પ્રકરણ આકાર લઈ રહ્યું છે એથી હવે સર્વોચ્ચ અદાલત એના પર શું નિર્ણય લે છે એના પર બધાની નજર મંડાયેલી છે.   

૩૦ મિનિટ સુધી એકનાથ શિંદેએ કરી વિડિયો-કૉલ પર કૉન્ફરન્સ 

એકનાથ શિંદેએ બુધવારે મોડી રાતે બળવાખોર સંસદસભ્યો સાથે વિડિયો-કૉલ કરીને કૉન્ફરન્સ કરી હતી જે ૩૦ મિનિટ ચાલી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. એમાં શિવસેના (UBT)ના ૬ સંસદસભ્યો હાજર રહ્યા હતા. એવું કહેવાય છે કે ધારાશિવના સંસદસભ્ય ઓમરાજે નિંબાળકર અને ઈશાન મુંબઈના સંસદસભ્ય સંજય દીના પાટીલ વિશે થોડી શંકા હતી. જોકે એકનાથ શિંદેએ તેમને બધાને જ પૂરો ભરોસો આપ્યો હતો કે જો તેઓ શિવસેનામાં આવે છે તો તેમને પૂરતો સપોર્ટ કરવામાં આવશે, શિવસેના તેમની પાછળ મજબૂતીથી ઊભી રહેશે. એકનાથ શિંદેએ તેમને ખાતરી આપ્યા બાદ તેમણે શિવેસના (UBT)ની બેઠકમાં જવાનું માંડી વાળ્યું હોવાનું કહેવાય છે.            

બળવાખોર સંસદસભ્યોની સુરક્ષા Y-પ્લસ શ્રેણીમાં અપગ્રેડ કરાઈ
શિવસેના (UBT)ના પક્ષપલટો કરનારા ૬ સંસદસભ્યોને નુકસાન પહોંચાડવાની ધમકી અપાતાં બળવાખોર સંસદસભ્યોની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયે પોલીસને ૬ બળવાખોર સંસદસભ્યોની સુરક્ષાને Y-પ્લસ શ્રેણીમાં અપગ્રેડ કરવાનો નિર્દેશ આપ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા VIP લોકોને તેમના જીવના જોખમના સ્તરના આધારે પોલીસ પોટેક્શન આપવામાં આવે છે. Y-પ્લસ શ્રેણીની સુરક્ષામાં ૬ સંસદસભ્યોને એક એસ્કોર્ટ વાહન અને એક પર્સનલ સિક્યૉરિટી ઑફિસર, એક ગાર્ડ કમાન્ડર અને તેમના નિવાસસ્થાન પર ચાર ગાર્ડ આપવામાં આવશે.

૮૫ કરોડ રોકડા અને વિકાસનિધિમાંથી ૨૫-૩૦ કરોડ કમાવાની ઑફરનો રોહિત પવારનો દાવો
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (શરદ પવાર) NCP (SP)ના વિધાનસભ્ય રોહિત પવારે એવું કહ્યું છે કે ‘અમે એટલી ચર્ચા સાંભળી છે કે દરેક બળવાખોર સંસદસભ્યને શિવસેનાએ પક્ષપલટો કરવા ૮૫ કરોડ  રૂપિયા રોકડા અને ૨૫૦ કરોડ રૂપિયાની વિકાસનિધિ​ આપવાની અને એમાંથી ભ્રષ્ટાચાર કરીને ૨૫-૩૦ કરોડ કમાણી કરવાની ઑફર આપી છે. આમ ૧૧૦ કરોડની ટોટલ ઑફર થઈ છે. મારો સવાલ એ છે કે આ જે સત્તાધારી પક્ષો છે એમની પાસે આટલા મોટા પ્રમાણમાં કૅશ આવે છે ક્યાંથી? એનો અર્થ એક જ થાય છે કે મહાયુતિ દ્વારા રાજ્યમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે.’

લોકસભામાં, કોર્ટમાં અને રસ્તા પર સંજય રાઉતનું ઑપરેશન ફટકારો

શિવસેના (UBT)ના સંસદસભ્યોએ પક્ષ છોડવાની તૈયારી કરતાં ગિન્નાયેલા શિવસેના (UBT)ના રાજ્યસભાના સભ્ય અને નેતા સંજય રાઉતે કહ્યું હતું કે ‘હવે અમારી લડાઈ લોકસભામાં, કોર્ટમાં અને રસ્તા પર ચાલશે. અમારી રસ્તા પરની લડાઈ ‘ઑપરેશન ફટકારો’ હવે અમે ચાલુ કરીશું. એ લોકોએ બાળાસાહેબના જન્મશતાબ્દી વર્ષમાં આવું કરવાથી મને ગુસ્સો આવ્યો છે. તમે એને ઑપરેશન ટાઇગર કહો છો, પણ આમ ભાગી જનારા ક્યારેય ટાઇગર હોય છે? અમે જ ટાઇગર છીએ. હવે અમારું ઑપરેશન ફટકારો શરૂ થશે.’

સંજય રાઉતે બળાપો કાઢતાં કહ્યું હતું કે ‘ફૂટી ગયેલા સંસદસભ્યો ચૂંટણી હારી જશે. આ લોકોને અમે બેઈમાન અને બદમાશ કહીશું. તે બધા પૈસાથી વેચાઈ ગયા છે. બુધવાર રાત સુધીમાં જ તેમને ૧૦ કરોડ પહોંચી ગયા હતા અને ગઈ કાલે સુધી પચીસ કરોડ રૂપિયા મળી ગયા હતા.’ 

શિવસેના (UBT)ના સંસદસભ્યો પછી હવે નગરસેવકો પણ વાડ ઠેકવાની પેરવીમાં?

શિવસેના (UBT)ના ગ્રુપલીડર દીપક સાવંતનું નગરસેવકનું સભ્યપદ રદ, પક્ષનું સંખ્યાબળ હવે ૬૪

શિવસેના (UBT)ના ૬ સંસદસભ્યોએ નોખો ચોકો કરવા માટે લોકસભાના સ્પીકર ઓમ બિરલાને પત્ર આપી દીધો છે ત્યારે ઉદ્ધવ ઠાકરેને હજી મોટો ફટકો પડી શકે એવી વાતો ચર્ચાઈ રહી છે. શિવસેના (UBT)એ એના નોખો ચોકો રચનારા ૬ સંસદસભ્યોને આ બાબતે નોટિસ મોકલાવીને ૭ દિવસમાં જવાબ આપવા જણાવ્યું છે.  

પચીસ વર્ષ સુધી બૃહન્મુંબઈ મ્યુનિસપલ કૉર્પોરેશન (BMC)માં એકહથ્થુ સત્તા ભોગવનાર શિવસેના (UBT)ના ૬૫ નગરસેવકો છેલ્લી ચૂંટણીમાં જીતી આવેલા અને ભારતીય જનતા પાર્ટી (BJP) પછી એ સૌથી વધુ સીટ જીતનાર બીજા નંબરનો પક્ષ બન્યો હતો. એકનાથ શિંદેની શિવસેનાના ૨૯ નગરસેવકો ચૂંટાઈ આવ્યા હતા. જોકે હવે શિવસેના (UBT)ના કાંજુરમાર્ગ વૉર્ડ-નંબર ૧૧૧માંથી ચૂંટાઈ આવેલા ગ્રુપલીડર દીપક સાવંત ડિસક્વૉલિફાય થતાં સંખ્યા ૬૪ પર આવી ગઈ છે. એટલું જ નહીં, ઉદ્ધવ ઠાકરેની કાર્યપદ્ધતિથી નારાજ આ ૬૪ નગરસેવકો પણ એકનાથ શિંદેની શિવસેનામાં જોડાઈ જશે એવી ચર્ચાએ જોર પકડ્યું છે. એની સાથે જ કેટલાક વિધાનસભ્યો પણ પક્ષપલટા માટે વિચારી રહ્યા છે. એથી ઉદ્ધવ ઠાકરેના વડપણની શિવસેનામાં બહુ જ ખળભળાટ મચી ગયો છે.  દીપક સાવંત BMCના વૉર્ડ-નંબર ૧૧૧ (ભાંડુપ)ની કુણબી માટેની અનામત બેઠકમાંથી શિવસેના (UBT)માંથી ચૂંટાઈ આવ્યા હતા. જોકે તેમણે ચૂંટણી પહેલાં આપેલા દસ્તાવેજોમાં તેમનું કુણબીનું જાિત પ્રમાણપત્ર જોડ્યું હતું એ ચકાસણીસમિતિએ રદ ઠેરવ્યું છે. હવે તેમની સામે અપાત્રની કાર્યવાહી કરવામાં આવી છે. BMCની જનરલ બૉડીની બેઠકમાં ગઈ કાલે તેમને ડિસક્વૉલિફાય કરવામાં આવતાં હવે ભાંડુપની એ બેઠક ખાલી થઈ છે અને ત્યાં ફેરચૂંટણી થશે.

mumbai news mumbai shiv sena uddhav thackeray eknath shinde maharashtra political crisis indian politics political news sanjay raut rohit pawar Lok Sabha