20 November, 2025 07:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉદ્ધવ ઠાકરે, રાજ ઠાકરે
વર્ષોથી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)માં સત્તા પર રહેલી શિવસેના (એ વખતે અનડિવાઇડેડ) ફરી એક વાર BMCમાં સત્તા પર આવવા પૂરું જોર લગાડી રહી છે ત્યારે ઠાકરે બંધુઓ ઉદ્ધવ અને રાજ આ ચૂંટણી જીતવા અને BMCમાં સત્તા પર આવવા જૂના ગમા-અણગમા ભૂલીને સાથે આવે એવી પૂરી સંભાવના હોવાનું રાજકીય નિરીક્ષકોનું માનવું છે. હાલ બન્ને પક્ષો વચ્ચે અંદરખાને બેઠકોની વહેંચણી માટે ચર્ચાઓ ચાલી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
સીટ-શૅરિંગની પહેલી ફૉર્મ્યુલા બહાર આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શિવસેના (UBT)એ ૭૦થી ૭૫ બેઠકો આપવાની તૈયારી દર્શાવી છે, જ્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના ૧૨૫ બેઠકો પર ચૂંટણી લડવાની ઇચ્છા ધરાવી રહી છે.
BMCની આ પહેલાંની ૨૦૧૭ની ચૂંટણીમાં એ વખતની અનડિવાઇડેડ શિવસેનાને સૌથી વધારે ૮૪ બેઠકો મળી હતી, જ્યારે બીજા નંબરે ભારતીય જનતા પાર્ટી (BJP)ને ૮૨ બેઠક પર જીત મળી હતી. કૉન્ગ્રેસને ૩૧, નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ને ૯, MNSને ૭, સમાજવાદી પાર્ટીને ૬ અને AIMIMને બે બેઠક પર જીત મળી હતી.