બાલ ઠાકરેની હાલત નાજુક, માતોશ્રી બહાર લોકોની ભીડ

15 November, 2012 05:06 AM IST  | 

બાલ ઠાકરેની હાલત નાજુક, માતોશ્રી બહાર લોકોની ભીડ



બાલ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રી ખાતે હાજર રહેલી ડોક્ટરોની ટીમે કહ્યું હતું કે ઠાકરેની હાલત ગંભીર છે પરંતુ સ્થિર છે. જેના પગલે મુંબઈ અને આજુબાજુના વિસ્તારોથી શિવસેનાના સમર્થકો માતોશ્રી ખાતે ગઈ કાલ રાતથી પહોંચી ગયા હતાં. જેના પગલે માતોશ્રીની આજુબાજુના વિસ્તારોમાં પોલીસનો કાફિલો ખડકી દેવામાં આવ્યો છે. આજુબાજુના રસ્તાઓ પર બેરિકેડ્સ પણ મૂકી દેવામાં આવ્યાં છે.

ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે બાલા સાહેબમાં ઇચ્છાશક્તિ ભરપૂર છે જેથી અમે હજુ સુધી આશા છોડી નથી.

બોલીવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન તેમ જ અભિષેક બચ્ચન પણ મોડી રાત્રે તેમના નિવાસસ્થાને પહોંચી ગયાં હતાં. છગન ભુજબળ પણ ગઈ કાલે રાત્રે જ બાલ ઠાકરેની તબિયત જોઈ આવ્યાં હતાં. જ્યારે ગોપીનાથ મુંડે આજે વહેલી સવારે માતોશ્રી પહોંચ્યાં હતાં.

આ ઘટનાને પગલે પોલીસ સ્ટાફની દિવાળીની રજાઓ રદ્દ કરી દેવામાં આવી છે અને ફરજ પર હાજર રહેવા જણાવવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 86 વર્ષીય બાલ ઠાકરે ગયા મહિને શિવાજી પાર્ક ખાતે શિવસેનાની વાર્ષિક દશેરા રેલીમાં હેલ્થ પ્રોબ્લેમને કારણે હાજર રહી શક્યાં ન હતાં.