ચોવીસ કલાકમાં તમે મુંબઈ આવો અને સીએમ સાથે ચર્ચા કરો

24 June, 2022 11:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સંજય રાઉતે ગઈ કાલે કહ્યું કે શિવસેના સરકારમાંથી બહાર પડવાનું વિચારી શકે, પણ હોટેલના ફોટો અને વિડિયો મોકલવા કરતાં મુંબઈ આવીને સીએમ સાથે ચર્ચા કરો

સંજય રાઉત

જે વિધાનસભ્યોને લાગી રહ્યું છે કે શિવસેનાએ મહાવિકાસ આઘાડી સરકારમાંથી બહાર પડી જવું જોઈએ તો એની અમારી ના નથી, અમે એના પર પણ વિચાર કરી શકીએ; પણ એ માટે પહેલાં એ વિધાનસભ્યો ૨૪ કલાકમાં મુંબઈ આવે અને ઉદ્ધવ ઠાકરે સાથે ચર્ચા કરે એમ શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે ગઈ કાલે જણાવ્યું હતું.

સંજય રાઉતે વધુમાં કહ્યું હતું કે ‘પત્રકારોને કે પછી અન્ય લોકોને હોટેલના ફોટો અને વિડિયો મોકલવા કરતાં મુંબઈ આવીને સીએમ સાથે ચર્ચા કરો. ગુવાહાટીમાં રહેલા ૨૧ વિધાનસભ્યો સાથે અમારો સંપર્ક થયો છે. એ લોકો મુંબઈ પાછા ફરશે તો અમારી સાથે જ રહેશે.’  

સંજય રાઉતના એ વિધાન પછી મહાવિકાસ આઘાડી સરકારના અન્ય સાથી પક્ષોમાં પણ ખળભળાટ મચી ગયો છે. બુધવારે ઉદ્ધવ ઠાકરેએ પણ લોકોને સંબોધતાં કહ્યું હતું કે ‘હું મુખ્ય પ્રધાનપદ છોડવા તૈયાર છું. એટલું જ નહીં, પક્ષપ્રમુખપદ પણ છોડવા તૈયાર છું. માત્ર ​નવો મુખ્ય પ્રધાન શિવસેનાનો જ હોય એવું ઇચ્છું છું.

એ પછી રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના જયંત પાટીલે કહ્યું હતું કે ‘શિવસેનાના એ બળવાખોર વિધાનસભ્યો પણ છે તો શિવસેનાના જ. સેનાએ એની ભૂમિકા સ્પષ્ટ કરી છે તો તેમણે એ પણ યાદ રાખવું પડશે કે જો સરકાર પડે છે તો એણે વિરોધ પક્ષની ભૂમિકા બજાવવી પડશે.’

mumbai mumbai news maharashtra shiv sena sanjay raut