શિવસેના હવે શરદ પવારને રાષ્ટ્રપતિ બનાવવા માગે છે

25 April, 2017 04:15 AM IST  | 

શિવસેના હવે શરદ પવારને રાષ્ટ્રપતિ બનાવવા માગે છે




NCPના પ્રમુખ શરદ પવારને રાષ્ટ્રપતિપદના ઉમેદવાર બનાવીને એ ઉમેદવારી માટે સાથીપક્ષ BJPનો ટેકો માગતું નિવેદન શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતે કર્યું છે. સંજય રાઉતે જુલાઈ મહિનામાં પ્રણવ મુખરજીની રાષ્ટ્રપતિપદની મુદત પૂરી થયા પછી આગામી રાષ્ટ્રપતિ તરીકે શરદ પવાર એ હોદ્દા માટે યોગ્ય અને ઉચ્ચ પ્રતિષ્ઠા ધરાવતા નેતા હોવાનું જણાવ્યું છે.

રાષ્ટ્રપતિપદ માટે BJP પ્રણિત NDAના ઉમેદવારને પડકારવા માટે ડાબેરી પક્ષો, કૉન્ગ્રેસ, નીતીશકુમાર પ્રણિત JD-U વગેરે વિરોધ પક્ષોના સર્વસંમત સંયુક્ત ઉમેદવાર નક્કી કરવા માટેની વાતચીતમાં પણ શરદ પવારનું નામ ચર્ચાતું હતું.

શિવસેનાના નેતા સંજય રાઉતે રાષ્ટ્રપતિપદના ઉમેદવાર બાબતે જણાવ્યું હતું કે ‘શરદ પવારના નામ પર વ્યાપક સર્વસંમતિ સાધી શકાય તો શિવસેનાના પક્ષપ્રમુખ પવારને સંયુક્ત ઉમેદવાર જાહેર કરવા બાબતની ચર્ચામાં સામેલ થઈ શકે. અમારા પક્ષની પ્રથમ પસંદગી BJPના વૈચારિક પીઠબળરૂપ RSSના સરસંઘચાલક મોહન ભાગવત છે.’

RSSના નિયમો પ્રમાણે પોતાના માટે રાષ્ટ્રપતિપદની ઉમેદવારી અશક્ય હોવાની સ્પષ્ટતા મોહન ભાગવત કરી ચૂક્યા છે.

પક્ષના નેતા, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કેન્દ્રના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન ૭૬ વર્ષના શરદ પવાર રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ઉમેદવારી કરવાના ન હોવાની સ્પષ્ટતા NCPએ ગયા અઠવાડિયે કરી હતી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી શિવસેના તથા અન્ય પક્ષો દ્વારા શરદ પવારના નામની ચર્ચા બાબતે NCPએ હજી સુધી કોઈ પ્રત્યાઘાત વ્યક્ત નથી કર્યા.

પ્રણવ મુખરજીને બીજી ટર્મ માટે રાષ્ટ્રપતિ બનાવવા વિશેની ચર્ચાઓ ચાલે છે. જોકે એ બાબતમાં પ્રણવ મુખજીએ કહ્યું છે કે ફરી વખત તેમને ઉમેદવાર જાહેર કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંમત થાય અને તમામ પક્ષો તેમને સમર્થન આપે તો તેમને ચૂંટણી લડવામાં ઇન્ટરેસ્ટ છે.