લગ્નની વય વધારવાની પૅનલમાં મહિલાસભ્યોનું પ્રતિનિધિત્વ વધારોઃ શિવસેનાનાં સંસદસભ્યની માગણી

04 January, 2022 01:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ્યસભાના અધ્યક્ષ એમ. વેન્કૈયા નાયડુને પાઠવેલા પત્રમાં પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું હતું કે શિક્ષણ, મહિલાઓ, બાળકો, યુવાનો અને સ્પોર્ટ્સ પરની સંસદીય સ્ટેન્ડિંગ કમિટીમાં માત્ર એક મહિલા સંસદસભ્યનું પ્રતિનિધિત્વ છે

પ્રિયંકા ચતુર્વેદી

શિવસેનાના રાજ્યસભાનાં સંસદસભ્ય પ્રિયંકા ચતુર્વેદીએ સોમવારે સંસદીય પૅનલમાં મહિલાઓના વધુ પ્રતિનિધિત્વની માગણી કરી હતી. આ પૅનલ સ્ત્રીની લગ્ન માટેની કાનૂની વય વધારીને ૨૧ વર્ષ કરવા માટેના બિલ પર વિચાર-વિમર્શ કરશે.
રાજ્યસભાના અધ્યક્ષ એમ. વેન્કૈયા નાયડુને પાઠવેલા પત્રમાં પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું હતું કે શિક્ષણ, મહિલાઓ, બાળકો, યુવાનો અને સ્પોર્ટ્સ પરની સંસદીય સ્ટેન્ડિંગ કમિટીમાં માત્ર એક મહિલા સંસદસભ્યનું પ્રતિનિધિત્વ છે.
બીજેપીના સિનિયર નેતા વિનય સહસ્રબુદ્ધેની આગેવાની હેઠળની સંસદીય સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની રાજ્યસભાની વેબસાઇટ પર ઉપલબ્ધ યાદીમાં ૩૧ સભ્યોમાં ટીએમસીનાં સંસદસભ્ય સુષ્મિતા દેવ એકમાત્ર મહિલાસભ્ય છે.
સમિતિમાં સંસદનાં ફક્ત એક મહિલાસભ્ય છે. અત્યંત નિરાશાજનક બાબત એ છે કે ભારતીય સમાજ અને મહિલાઓને લગતા બિલ વિશે ચર્ચા કરનારી સમિતિમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ તદ્દન ઓછું છે, એમ મહિલા સંસદસભ્યે જણાવ્યું હતું.
તમામ હિતધારકોનાં હિતને ધ્યાનમાં લેવામાં આવે અને પૅનલ તમામ લોકોનો અને વિશેષપણે મહિલાઓનો પક્ષ સાંભળે અને સમજે એ અત્યંત જરૂરી છે, એમ તેમણે જણાવ્યું હતું.

mumbai mumbai news shiv sena