વિધાનભવનમાં ધાંધલ અને ધમાલ, રાજ્યપાલને ધક્કે ચડાવાયા

13 November, 2014 03:20 AM IST  | 

વિધાનભવનમાં ધાંધલ અને ધમાલ, રાજ્યપાલને ધક્કે ચડાવાયા






ભારે તમાશો : વિધાનસભામાં ભાષણ આપવા માટે પહોંચેલા રાજ્યપાલ સી. વિદ્યાસાગર રાવને વિરોધ પક્ષના નેતાઓએ ર્ઘેયા હતા અને કડક સુરક્ષાઘેરા વચ્ચે તેઓ વિધાનભવનના સેન્ટ્રલ હૉલ તરફ માંડ-માંડ આગળ વધ્યા હતા. : તસવીર : શાદાબ ખાન

રવિકિરણ દેશમુખ

ગઈ કાલે વિધાનસભામાં BJPની દેવેન્દ્ર ફડણવીસ સરકારે ડ્રામૅટિક અંદાજમાં વિશ્વાસનો મત તો લીધો, પરંતુ દિવસભર ગૃહમાં અને ગૃહની બહાર કેટલીક ઘટનાઓ જોવા મળી એ કમનસીબ હતી. રાજ્યની વિધાનસભાના ઇતિહાસમાં પહેલી વાર ગવર્નરને વિધાનસભામાં પ્રવેશતી વખતે ધક્કે ચડાવવામાં આવ્યા હતા અને આવા આક્ષેપો બદલ કૉન્ગ્રેસના પાંચ વિધાનસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિરોધ પક્ષો શિવસેના અને કૉન્ગ્રેસે સરકારના વિશ્વાસના મત સામે સવાલો ઊભા કરીને દિવસભર ધમાચકડી મચાવી હતી. શિવસેનાના નેતા એકનાથ શિંદેને વિરોધ પક્ષના નેતા બનાવવામાં આવ્યા. તેમને અભિનંદન આપતા પ્રસ્તાવ વખતે પણ જોરદાર હંગામો જોવા મળ્યો હતો. ટૂંકમાં પૉલિટિકલ મૅનેજમેન્ટ જેવું કંઈ જ જોવા નહોતું મળ્યું અને દિવસ હંગામેદાર રહ્યો હતો.

વિધાનસભાના સ્પેશ્યલ અધિવેશનના ત્રીજા અને નિર્ણાયક દિવસે તો વિધાનસભાના સ્પીકરની ચૂંટણી, ત્યાર બાદ માઇનૉરિટી સરકારને વિશ્વાસનો મતપ્રસ્તાવ અને વિરોધ પક્ષના નેતાની વરણી તેમ જ રાજ્યમાં નવી સરકારના વિશ્વાસના મત બાદ વિધાનસભા અને વિધાનપરિષદના જૉઇન્ટ સેશનમાં રાજ્યપાલનું મહારાષ્ટ્ર સરકારના એજન્ડા જાહેર કરતું ભાષણ થવાનું હતું.

ગૃહનું કામકાજ શરૂ થયું એ પહેલાં જ સવારથી સ્પીકરની ચૂંટણીવિષયક પૉલિટિકલ ગતિવિધિઓ શરૂ થઈ ગઈ હતી જેમાં BJP પોતાની પાર્ટીના ઉમેદવાર હરિભાઉ બાગડેની નિર્વિરોધ વરણી માટે શિવસેના અને કૉન્ગ્રેસને સમજાવવામાં સફળ રહી હતી અને બન્ને પાર્ટીએ આ પોસ્ટ માટે પોતાના સભ્યોની ઉમેદવારી નોંધાવી હતી એ પાછી ખેંચી લીધી હતી.

વિશ્વાસનો મત લેતાં પહેલાં BJP અને શિવસેનાના કેટલાક નેતાઓ સરકારમાં ભાગીદારી માટે છેલ્લી ઘડીની વાટાઘાટોમાં મંગળવારની મઘરાત બાદ બે વાગ્યા પછી પણ પ્રયાસરત હતા, પરંતુ કોઈ સકારાત્મક પરિણામ નહોતું મળ્યું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે શિવસેનાના મોટા ભાગના વિધાનસભ્યો BJPની સાથે સરકારમાં ભાગીદારી ઇચ્છતા હતા, પરંતુ BJPની ફૉમ્યુર્લા શિવસેનાના બે-ચાર સિનિયર નેતાઓને મંજૂર નહોતી એથી આ પ્રયાસોનો કરુણ રકાસ થયાનું સૂત્રોએ કહ્યું હતું.

જોકે નવા ચૂંટાયેલા સ્પીકર હરિભાઉ બાગડેએ ગૃહમાં નક્કી થયેલા લીડર ઑફ ઑપોઝિશનના એજન્ડા નંબર ટૂને કોરાણે મૂકીને સરકારના વિશ્વાસના મતનો એજન્ડા નંબર થ્રીને પ્રાયોરિટી આપવાની જાહેરાત કરતાં કૉન્ગ્રેસ અને શિવસેનાના સભ્યો વિરોધ પક્ષના નેતાની પોસ્ટ અંકે કરવાના દાવા સાથે ગૃહના વેલ સુધી ધસી ગયા હતા અને ધમાચકડી મચી ગઈ હતી. બન્ને પાર્ટીએ પહેલાં વિરોધ પક્ષના નેતા વિશે નિર્ણય લેવાની જોરદાર માગણી કરી હતી.

જોકે BJPના સભ્ય આશિષ શેલારે સરકારને વિશ્વાસના મતનો પ્રસ્તાવ આગળ કર્યો હતો અને સ્પીકરે એને મંજૂરી આપી હતી. શેલારે દલીલ કરી હતી કે સરકારને ગૃહમાં વિશ્વાસનો મત ન મળે ત્યાં સુધી આ માઇનૉરિટી સરકાર લીડર ઑફ ઑપોઝિશનનો નિર્ણય ન કરી શકે. આ સમયે જ શેલારે જાહેર કર્યું હતું કે કોઈ પણ જાતના વિરોધ વગર ધ્વનિ મતથી સરકારનો વિશ્વાસનો પ્રસ્તાવ પાસ થઈ ગયો છે. જોકે શિવસેના અને કૉન્ગ્રેસના સભ્યોએ પોતાના મોટા ભાગના સભ્યો વેલમાં હોવાથી ડિવિઝન ઑફ વોટ્સની માગણી કરીને સ્પીકર સમક્ષ વિરોધ પક્ષના નેતાનું નામ જાહેર કરવા માગણી કરી હતી. જોકે સ્પીકરે ડિવિઝન ઑફ વોટ્સની માગણી નકારતાં કહ્યું હતું કે તમે આ માગણી કરવા માટે મોડા પડ્યા હતા. આ સમગ્ર ડ્રામા દરમ્યાન શરદ પવારની પાર્ટી NCPના સભ્યો ચૂપચાપ બેસીને બધો તાશેરો જોતા હતા.

આ બધા ઘટનાક્રમથી રોષે ભરાયેલા નવા નિમાયેલા વિરોધ પક્ષના નેતા એકનાથ શિંદેએ આકરા શબ્દોમાં પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. ગવર્નર જૉઇન્ટ સેશનને સંબોધવા ગૃહમાં આવવાના હતા એ પહેલાં બપોર બાદ લગભગ સાડાત્રણ વાગ્યે શિવસેના અને કૉન્ગ્રેસના સભ્યો પોતાનો વિરોધ વ્યક્ત કરવા વિધાનભવનની પૉર્ચમાં એકઠા થયા હતા. તેમનો આક્ષેપ હતો કે BJPએ ટ્રસ્ટ વોટ જીતવામાં લોકશાહીના નિયમોનું પાલન નથી કર્યું. આ બન્ને વિરોધી પાર્ટીના સભ્યોએ જોરશોરથી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર શરૂ કરતાં સિક્યૉરિટી ગાર્ડ્સની દોડાદોડી શરૂ થઈ હતી.

આ વિરોધી દેખાવમાં કૉન્ગ્રેસના સભ્યોમાં ભૂતપૂર્વ ચીફ મિનિસ્ટર પૃથ્વીરાજ ચવાણ, ગૃહમાં નિમાયેલા પાર્ટીના ગ્રુપ-લીડર રાધાકૃષ્ણ વિખે-પાટીલ અને પ્રદેશપ્રમુખ માણિકરાવ ઠાકરે સહિતના નેતાઓએ પૉર્ચમાં સ્ટેરકેસનો રસ્તો બ્લૉક કરી દીધો હતો. વિરોધ પક્ષના નેતા એકનાથ શિંદે અને શિવસેનાના સિનિયર નેતા દિવાકર રાવતે સહિતના સભ્યો વિધાનભવનના મેઇન એન્ટ્રન્સ પાસે દોડી ગયા હતા અને જેવો ગવર્નરનો કાફલો પરિસરમાં આવ્યો કે શિવસેનાના સભ્યોએ એનો ઘેરાવ કર્યો હતો.

રોષે ભરાયેલા શિવસેનાના સભ્યોએ ગવર્નરની કારને ગેટ પર જ અટકાવીને તેમની સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી. જોકે ગવર્નરને વિધાનભવનના સેન્ટ્રલ હૉલમાં જૉઇન્ટ સેશનમાં ભાષણ આપવા જવાનું હતું એથી ત્યાં પહોંચતાં તેમને સાત મિનિટ લાગી હતી. શિવસેનાના વિરોધ બાદ રસ્તામાં સુરક્ષાઘેરા છતાં સ્ટેરકેસ પર મોરચો માંડી બેઠેલા કૉન્ગ્રેસના સભ્યોએ તેમને ધક્કે ચડાવ્યા હોવાનો અને એમાં ગવર્નરને ડાબા હાથમાં ઈજા થઈ હોવાનો આક્ષેપ નવા રેવન્યુ મિનિસ્ટર એકનાથ ખડસેએ કર્યો હતો. આ ધક્કામુક્કીમાં સિક્યૉરિટી ગાર્ડ્સની હાલત કફોડી થઈ હતી. ગવર્નરના ભાષણ દરમ્યાન પણ કૉન્ગ્રેસના સભ્યોએ ‘ચલે જાઓ, ચલે જાઓ, રાજ્યપાલ ચલે જાઓ’ના નારા લગાવતાં ખલેલ પડી હતી. આખરે આ સ્પીચ અધૂરી છોડીને કૉન્ગ્રેસના સભ્યો વૉકઆઉટ કરી ગયા હતા.

રાજ્યપાલના ભાષણ બાદ ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ એકનાથ ખડસેએ રાજ્યપાલ સામે અયોગ્ય વ્યવહાર અને ધક્કામુક્કીના આરોપસર એક ડઝન વિધાનસભ્યોને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. જોકે આ કાર્યવાહીમાં ધમાલ થતાં બે વખત ગૃહને ઍડ્જર્ન કરવું પડ્યું હતું. કૉન્ગ્રેસના સભ્યોએ રાજ્યપાલને ધક્કે ચડાવ્યા હોવાનાં વિડિયો ફુટેજ હોવાનું કહીને ખડસેએ સૌને ચોંકાવ્યા હતા. શિવસેના તરફથી એકનાથ શિંદે, કૉન્ગ્રેસ તરફથી રાધાકૃષ્ણ વિખે-પાટીલ, NCP તરફથી અજિત પવાર અને છગન ભુજબળ તેમ જ પીઝન્ટ્સ ઍન્ડ વર્કર્સ પાર્ટીના ગણપતરાવ દેશમુખ સહિતના સિનિયર સભ્યોએ આ ડઝનેક વિધાનસભ્યો પ્રત્યે સહાનુભૂતિની અપીલ કરી હતી, પરંતુ એની ખાસ અસર થઈ નહોતી.

આખરે નવી સરકારે કૉન્ગ્રેસના અબ્દુલ સત્તાર, રાહુલ બોન્દરે, જયકુમાર ગોરે, અમર કાળે અને વીરેન્દ્ર જગતાપ એમ પાંચ વિધાનસભ્યોને બે વર્ષ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ પાસ કર્યો હતો.