શિવસેનાના ધારાસભ્ય નીતિન દેશમુખ ગુમ થયા, પત્નિએ પોલીસમાં નોંધાવી ફરિયાદ

21 June, 2022 03:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણી બાદ મહાવિકાસ અઘાડી સરકારના મંત્રી એકનાથ શિંદે 29 સભ્યો સાથે ગાયબ છે

નીતિન દેશમુખ (તસવીર સૌજન્ય: ટ્વિટર)

મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણી બાદ મહાવિકાસ અઘાડી સરકારના મંત્રી એકનાથ શિંદે 29 સભ્યો સાથે ગાયબ છે. તે જ સમયે, મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ વચ્ચે, અકોલામાં શિવસેનાના ધારાસભ્ય નીતિન દેશમુખની પત્નીએ તેના પતિના ગુમ થવાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. કહેવામાં આવી રહ્યું છે કે નીતિન દેશમુખ સુરતની એક હોટલમાં એકનાથ શિંદે સાથે રહે છે, પરંતુ નીતિન દેશમુખની પત્નીએ પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે.

પોલીસને આપેલી ફરિયાદમાં શિવસેનાના ધારાસભ્યની પત્ની પ્રાંજલિએ કહ્યું છે કે “ગઈકાલે વિધાન પરિષદની ચૂંટણી બાદ તેમના પતિ ગુમ છે. ગઈકાલે રાતથી તેમનો સંપર્ક થઈ શક્યો નથી અને તેમનો મોબાઈલ પણ બંધ છે.” આ સમયે મહારાષ્ટ્રમાં મોટી રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. કારણ કે શિવસેનાના ધારાસભ્ય એકનાથ શિંદેએ ઘણા ધારાસભ્યોને પોતાની સાથે લઈને બળવો કર્યો છે. એકનાથ શિંદે શિવસેનાના 15 ધારાસભ્યો અને કુલ 29 સભ્યો સાથે સુરતમાં છે. આ ઘટના બાદ ઉદ્ધવ ઠાકરેની સરકાર મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે અને ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના બે નેતાઓને એકનાથ શિંદે સાથે વાત કરવા સુરત મોકલવાનો નિર્ણય લીધો છે.

એકનાથ શિંદે સાથે ગુમ થયેલા ધારાસભ્યોમાં મહારાષ્ટ્ર સરકારના 3 મંત્રીઓ પણ સામેલ છે અને તે તમામના ફોન સ્વીચ ઑફ છે. ઉદ્ધવ ઠાકરે એકનાથ શિંદેને મનાવવા માટે તેમના નજીકના સાથી મિલિંદ નાર્વેકર અને સાંસદ રાજન વિચારેને સુરત મોકલ્યા છે. આ સાથે જ એનસીપી નેતા શરદ પવારે આ ઘટનાને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે “આ પહેલીવાર નથી કે સરકારને તોડી પાડવાનું કાવતરું થઈ રહ્યું છે, આ પહેલા પણ મહારાષ્ટ્ર સરકારને તોડવાના બે પ્રયાસો થઈ ચૂક્યા છે. આ દરમિયાન બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ઘરે પહોંચી ગયા છે અને દેવેન્દ્ર ફડણવીસ પણ મહારાષ્ટ્રથી દિલ્હી જવા રવાના થઈ ગયા છે.”

mumbai mumbai news maharashtra