19 May, 2025 08:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નવી મુંબઈમાં ગઈ કાલે આયોજિત કાર્યક્રમમાં સંસદસભ્ય નરેશ મ્હસ્કે.
મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે ત્યારે શિવસેનાના થાણેના સંસદસભ્ય અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નજીકના નેતા નરેશ મ્હસ્કેએ ચૂંટણી વિશે મહત્ત્વની વાત કરી હતી. નવી મુંબઈમાં ભારતીય જનતા પાર્ટી (BJP)નું વર્ચસ છે ત્યારે અહીં સુધરાઈની ચૂંટણી એકલા હાથે લડવાનો સંકેત નરેશ મ્હસ્કેએ ગઈ કાલે આપ્યો હતો.
મહારાષ્ટ્રમાં અત્યારે BJP, શિવસેના અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના સમાવેશવાળી મહાયુતિની સરકાર છે અને આગામી તમામ ચૂંટણી મહાયુતિમાં જ લડવાની જાહેરાત પણ કરવામાં આવી છે. શનિવારે સંસદસભ્ય નરેશ મ્હસ્કેએ શિવસેનાના નવી મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ‘સુધરાઈની આગામી ચૂંટણી મહાયુતિમાં લડવામાં આવશે અને શિવસેના અહીં ભગવો ફરકાવશે. કોઈ પાર્ટી શિવસેના સાથે યુતિ નહીં કરે તો નવી મુંબઈમાં શિવસેના એકલા હાથે ચૂંટણી લડશે. અમે આ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. શિવસેના મહાયુતિમાં ચૂંટણી લડવા માટે કટિબદ્ધ છે, પણ સાથી પક્ષ એકલા હાથે ચૂંટણી લડવાનું પસંદ કરશે તો અમે પણ ચૂંટણી લડીશું.’
ઉલ્લેખનીય છે કે નવી મુંબઈમાં લાંબા સમયથી BJPનું રાજ છે એટલે નરેશ મ્હસ્કેએ તેમના ભાષણમાં BJPનું નામ લીધા વિના આડકતરી રીતે નવી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી એકલા હાથે લડવાનો સંકેત આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ૬ મેએ મહારાષ્ટ્રના ઇલેક્શન કમિશનને ચાર મહિનાની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આટોપી લેવાનો નિર્દેશ આપ્યો હોવાથી રાજ્યભરમાં અત્યારે ચૂંટણી માટેની હિલચાલ વધી ગઈ છે.