શિવાજી પાર્કમાં રહેલી બાળ ઠાકરેની કામચલાઉ સમાધિનું આજે સ્થળાંતર

17 December, 2012 05:06 AM IST  | 

શિવાજી પાર્કમાં રહેલી બાળ ઠાકરેની કામચલાઉ સમાધિનું આજે સ્થળાંતર



શિવસેનાએ શિવાજી પાર્કમાં બાળ ઠાકરેની કામચલાઉ સમાધિ બનાવી દીધી હતી જેને હટાવવા છેવટે એ તૈયાર ગઈ છે. બાળ ઠાકરેએ તેમના ૭૫મા જન્મદિવસે જ્યાં વૃક્ષારોપણ કર્યું હતું એ સ્થળે નાનકડું લૅન્ડસ્કેપ જેવું ગાર્ડન બનાવી ત્યાં સ્મારક બનાવવામાં આવે એવી શક્યતા છે. એમ તો શિવાજી પાર્ક સીઆરઝેડમાં આવતો હોવાથી અહીં કોઈ પણ પ્રકારનું બાંધકામ શક્ય નથી, પણ સુધરાઈના કમિશનર પાસે સ્પેશ્યલ પાવર હોય છે કે તેઓ આવા કેસમાં નિર્ણય લઈ શકે અને એ જ પાવર હેઠળ તેઓ સીઆરઝેડ એરિયામાં લૅન્ડસ્કેપ ગાર્ડન બનાવવાની મંજૂરી આપી શકે છે અને આ ગાર્ડનમાં શિવસેના બાળ ઠાકરેનું સ્મારક બનાવી શકશે. એ માટે સીઆરઝેડ નિયમનો શિથિલ કરવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે એવું શિવસેનાના એક અગ્રણી નેતાએ કહ્યું હતું.

૧૭ નવેમ્બરે મૃત્યુ પામેલા બાળ ઠાકરેના શિવાજી પાર્કમાં ૧૮ નવેમ્બરે અંતિમ સંસ્કાર કરવા માટે શિવસેના સહિત મેયર સુનીલ પ્રભુએ રાજ્યના મુખ્ય પ્રધાનને ખાસ વિનંતી કરી હતી એટલે સ્પેશ્યલ કેસ ગણીને પૃથ્વીરાજ ચવાણે અને સુધરાઈના કમિશનર સીતારામ કુંટેએ અંતિમ સંસ્કાર કરવા માટે મંજૂરી આપી હતી જે એક દિવસ પૂરતી જ હતી, પણ બાળ ઠાકરેના અંતિમ સંસ્કાર કર્યા બાદ શિવસેનાએ અહીં તેમની કામચલાઉ સમાધિ ઊભી કરી દીધી હતી અને એને અહીંથી હટાવવાને બદલે કાયમી સ્વરૂપે અહીં જ તેમનું સ્મારક બનાવવાની માગણી પર અડી બેઠી હતી, પણ શિવાજી પાર્ક સીઆરઝેડ હેઠળ આવતો હોવાથી અહીં કોઈ પણ બાંધકામ શક્ય નહોતું એટલે સુધરાઈએ શિવસેનાને આ કામચલાઉ સમાધિ હટાવવાની નોટિસ આપી હતી, પણ શિવસેનાએ વાત નહીં ગણકારતા સુધરાઈએ મેયર સુનીલ પ્રભુને શિવાજી પાર્ક પરથી કામચલાઉ સમાધિ હટાવવાની નોટિસ ફટકારી હતી. છતાં શિવસેના કોઈની વાત માનવા તૈયાર નહોતી એને પગલે સરકારે બળનો ઉપયોગ કરીને સમાધિ હટાવાની તૈયારી શરૂ કરી હતી. જોકે નાછૂટકે શિવસેનાએ નમતું જોખીને પોતે જ ૧૭ ડિસેમ્બરે બાળ ઠાકરેની કામચલાઉ સમાધિ હટાવવાની તૈયારી દર્શાવી હતી.

સીઆરઝેડ = કોસ્ટલ રેગ્યુલેશન ઝોન