...તો અમે વિરોધ પક્ષમાં બેસીશું : ઉદ્ધવ ઠાકરે

10 November, 2014 03:55 AM IST  | 

...તો અમે વિરોધ પક્ષમાં બેસીશું : ઉદ્ધવ ઠાકરે




BJP જો NCPનો ટેકો લેશે તો શિવસેના વિરોધ પક્ષમાં બેસશે એવું ગઈ કાલે શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે BJPના નેતાઓ જ્યાં સુધી NCP વિશે તેમનું વલણ સ્પષ્ટ નહીં કરે ત્યાં સુધી શિવસેના સત્તામાં ભાગીદાર નહીં બને.

ગઈ કાલે ઉદ્ધવ ઠાકરેના અધ્યક્ષપદ હેઠળ સેનાભવનમાં શિવસેનાના તમામ સંસદસભ્યો અને વિધાનસભ્યોની બેઠક યોજાઈ હતી. બેઠક પૂરી થયા બાદ ઉદ્ધવે પત્રકારોને ઉપરોક્ત માહિતી આપી હતી. ઉદ્ધવે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ‘શિવસેના સત્તા માટે લાચાર નથી. વિરોધ પક્ષમાં બેસીને જનતાની સેવા કરવા એ તૈયાર છે.’

રાજ્યમાં સ્થિર સરકાર માટે ૧૯ ઑક્ટોબરે મતગણતરીના દિવસે NCPએ BJPને વિના શરતે બહારથી ટેકો જાહેર કયોર્ હતો. શરદ પવારે નાખેલી આ ગૂગલીમાં રાજ્યની સત્તાનાં સમીકરણો પલટાઈ ગયાં અને એને લીધે શિવસેના મોટી મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. પરિણામે રાજ્યમાં BJPની સરકારને NCP જો ટેકો આપે તો શિવસેનાએ વિરોધ પક્ષમાં બેસવાની તૈયારી દેખાડી છે.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળ વિધાનસભામાં BJPની સરકારને બહુમત સિદ્ધ કરવા ૧૦, ૧૧ અને ૧૨ નવેમ્બર એમ ત્રણ દિવસ વિધાનસભાનું વિશેષ અધિવેશન બોલાવવામાં આવ્યું છે. પહેલા બે દિવસ નવા ચૂંટાયેલા વિધાનસભ્યોની શપથવિધિ થશે અને છેલ્લા દિવસે બહુમત સિદ્ધ કરવાનો રહેશે. જોકે ઉદ્ધવે કહ્યું હતું કે વિધાનસભાના સ્પીકરપદે કોની વરણી થાય છે એ જોઈને જ અમે આગળનો નિર્ણય લઈશું.

શિવસેનાના નેતા સુરેશ પ્રભુએ ગઈ કાલે કેન્દ્રીય પ્રધાનમંડળનો વિસ્તાર થયા બાદ BJPમાં પ્રવેશ કયોર્ હતો. પ્રભુને હરિયાણામાંથી રાજ્યસભામાં મોકલવામાં આવશે એવા સમાચાર છે. પ્રભુનું BJPમાં જવું દુર્ભાગ્યપૂર્ણ છે એમ જણાવીને ઉદ્ધવે એ વખતે જૂની યાદ તાજી કરતાં કહ્યું હતું કે ૧૯૯૬માં અટલ બિહારી વાજપેયીના પહેલા પ્રધાનમંડળમાં શિવસેનાને એક નામ સૂચવવા કહેવાયું હતું ત્યારે બાળાસાહેબે સુરેશ પ્રભુનું નામ સૂચવ્યું હતું.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘મોદીના પ્રધાનમંડળમાં સામેલ થવા અનિલ દેસાઈ દિલ્હી પહોંચ્યા હતા, પરંતુ BJPની રાજ્યમાં સ્થિતિ સ્પષ્ટ ન હોવાથી કેન્દ્રમાં સત્તામાં ભાગીદાર બનવાનો કોઈ અર્થ નથી. દિલ્હી વિમાનમથકેથી મેં તેમને પાછા બોલાવી લીધા હતા.’

BJPના પ્રવક્તા માધવ ભંડારીએ એક ટીવી-ચૅનલને પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ‘BJPએ ક્યારેય NCPનો ટેકો માગ્યો નથી, NCPએ પોતે જ ટેકો જાહેર કયોર્ હતો. ઉદ્ધવે રજૂ કરેલી વાતોની BJPમાં ચર્ચા થશે અને ત્યાર બાદ જ કોઈક નિર્ણય લેવામાં આવશે.’