રાજ્યમાં ટેકા સામે કેન્દ્રમાં 2 પ્રધાનપદની શિવસેનાને ઑફર

07 November, 2014 03:31 AM IST  | 

રાજ્યમાં ટેકા સામે કેન્દ્રમાં 2 પ્રધાનપદની શિવસેનાને ઑફર




રાજ્યમાં દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં જોડાવું કે નહીં એની વિમાસણ વચ્ચે રાજ્યમાં કૅબિનેટના વિસ્તરણની કોઈ સમયમર્યાદા બાંધવાને બદલે ગુરુવારે BJPના કેન્દ્રીય નેતાઓ તરફથી સરકારમાં જોડાવા બદલ શિવસેનાને કેન્દ્રમાં એક કૅબિનેટ સ્તરનું અને બીજું રાજ્ય સ્તરનું એમ બે પ્રધાનપદ આપવાની તૈયારીનો અને કૅબિનેટ સ્તરે પ્રધાનપદ માટે શિવસેનાએ સુરેશ પ્રભુને જ નિયુક્ત કરવા એવો સંદેશ મળ્યો હતો.

આ સંદેશથી પક્ષમાં અનેકને આંચકો લાગતાં ગુરુવારે બપોરે ચર્ચા માટે શિવસેનાના સિનિયર લીડરોની મીટિંગ યોજાઈ હતી. BJPના એક નેતાએ કેન્દ્રીય નેતાઓના સંદેશ બાબતે જણાવ્યું હતું કે શિવસેનાને જણાવવામાં આવ્યું છે કે કેન્દ્રની કૅબિનેટના વિસ્તરણ બાબતની ઑફર સ્વીકારીને ૧૨ નવેમ્બરે રાજ્ય વિધાનસભામાં વિશ્વાસનો મત લેવામાં આવે ત્યારે સપોર્ટ કરવો અને રાજ્યની કૅબિનેટમાં જોડાવા બાબતે પછીથી નિર્ણય લેવામાં આવશે.

BJPની આ દરખાસ્ત વિશે શિવસેનાના નેતાઓની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી અને એ બાબતે પક્ષના હોદ્દેદારોના અભિપ્રાયો લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે પાર્ટીના હોદ્દેદારો દ્વારા રાજ્ય સરકારના પ્રધાનમંડળમાં જોડાવું કે નહીં એ બાબતે વિવિધ હોદ્દેદારોના ઘણા ફોન આવતા હોવાથી આવો નિર્ણય લેવામાં આવ્યો હતો. શિવસેનાના સંસદસભ્ય વિનાયક રાઉતે જણાવ્યું હતું કે અમે કૅબિનેટમાં સ્થાન મેળવવા ભીખ માગવા નથી બેઠા.

એ પછી કેટલા નેતાઓ વિરોધ પક્ષની પાટલી પર બેસવા તૈયાર છે અને કેટલા રાજ્ય સરકારમાં BJPની સાથે જોડાવા માગે છે એ જાણવા માટે ફોન કરવામાં આવ્યા હતા. શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે તમામ હોદ્દેદારોના મત જાણ્યા-સમજ્યા પછી છેલ્લો નિર્ણય લેશે એવું જાણવા મળ્યું હતું.