શિવાજી પાર્ક પર બાળ ઠાકરેનું કાયમી સ્મારક બનાવવા શિવસેનાની માગણી

20 November, 2012 05:45 AM IST  | 

શિવાજી પાર્ક પર બાળ ઠાકરેનું કાયમી સ્મારક બનાવવા શિવસેનાની માગણી

એ જ શિવાજી પાર્ક પર તેમણે દર વર્ષે‍ દશેરાની રૅલી યોજીને લાખો શિવસૈનિકોને માર્ગદર્શન આપ્યું હતું અને છેલ્લે એ શિવાજી પાર્ક પર જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હોવાથી ત્યાં તેમનું એક કાયમી સ્મારક બનાવવામાં આવે એવી માગણી શિવસેના દ્વારા કરવામાં આવી છે. શિવસેનાના વરિષ્ઠ નેતા મનોહર જોશીએ કહ્યું હતું કે શિવાજી પાર્કમાં શિવાજીના સ્ટૅચ્યુની બાજુમાં જ બાળ ઠાકરેનું કાયમી સ્મારક બનાવવા સરકાર પાસે જગ્યા આપવાની માગણી કરવામાં આવી છે.  

બાળ ઠાકરેનો મરાઠી જનતા પર રહેલા પ્રભાવ જોતાં રાજ્ય સરકારે તેમના અંતિમ સંસ્કાર શિવાજી પાર્કમાં જાહેરમાં કરવાની પરવાનગી આપી હતી. કોઈ પણ સરકારી અથવા બંધારણીય હોદ્દો ન ધરાવતા બાળ ઠાકરેના પૂરા રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર વતી રાજ્યપાલ કે. શંકરનારાયણન અને મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણે તેમના પાર્થિવ દેહ પર પુષ્પચક્ર પણ ચડાવ્યું હતું. મુંબઈપોલીસના ૨૧ જવાનોની વિશેષ ટીમે હવામાં ત્રણ ફાયર કરીને તેમને સલામી આપી હતી. કોઈ પણ સરકારી કે બંધારણીય પદ ન ધરાવતા  બાળ ઠાકરેને આ અદ્વિતીય સન્માન આપવામાં આવ્યું હતું. બાળ ઠાકેરનાં પત્ની મીનાતાઈ ઠાકરેનું સ્મારક શિવાજી પાર્કમાં આ પહેલાંથી જ મોજૂદ છે.