હેરિટેજના મુદ્દે મરાઠી વોટર્સ દૂર થવાનો શિવસેનાને ભય

07 September, 2012 05:30 AM IST  | 

હેરિટેજના મુદ્દે મરાઠી વોટર્સ દૂર થવાનો શિવસેનાને ભય

છેલ્લા એક અઠવાડિયાથી શિવસેના રાજ્ય સરકારની શિવાજી પાર્કને હેરિટેજની યાદીમાં સમાવવાની પ્રપોઝલનો વિરોધ કરી રહી છે. આ માટે ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણ સાથે મીટિંગ કરી હતી, પણ એનાથી તેઓ ખુશ હોય એવું જણાયું નથી. સરકાર કરે કે નહીં, પણ અમે તો આ પ્રપોઝલ ક્યારની ફગાવી દીધી છે એમ તેમણે કહ્યું હતું.

જોકે શિવસેનાની જલદ નીતિને ન અનુસરતાં ઉદ્ધવ ઠાકરે અને તેમના સહયોગીઓએ હેરિટેજના મામલે સરકારને પત્ર લખવાનું નક્કી કર્યું છે. એ વિશે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે લેટરનું ફૉર્મે‍ટ બનાવવામાં આવ્યું છે અને આપણે સૌ લેટર લખીને એ લેટર સરકારને આપીશું.

જોકે આખી મીટિંગ દરમ્યાન મરાઠી મતદારો છીનવાઈ જશે એવી લાગણી વહેતી રહી અને માત્ર ઉદ્ધવ જ નહીં, અન્ય વક્તાઓ દ્વારા કરવામાં આવેલાં ભાષણોમાં પણ મરાઠીઓને મુંબઈમાંથી હાંકી કાઢવામાં આવશે એ મુદ્દો રિપીટ કરવામાં આવતો હતો.  

મેયર સુનીલ પ્રભુએ કહ્યું હતું કે અમે આ બાબતે એક સ્પેશ્યલ મીટિંગ બોલાવશે અને હેરિટેજની પ્રપોઝલ આગળ ન વધે એ જોશે.

સરકાર હેરિટેજની યાદી ફરી ચકાસશે

હેરિટેજ કમિટીએ બનાવેલી નવી હેરિટેજ યાદીની ફરી સમીક્ષા કરવામાં આવશે એવી જાહેરાત ગઈ કાલે મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણે કરી હતી. ગઈ કાલે સંસદસભ્ય પ્રિયા દત્તના નેતૃત્વમાં એક ડેલિગેશન હેરિટેજ યાદી બાબતે ચર્ચા કરવા માટે મુખ્ય પ્રધાનને મળવા આવ્યું હતું. મીટિંગ દરમ્યાન પ્રિયા દત્તે નવી હેરિટેજ યાદીને લીધે લોકોમાં ગભરાટ ફેલાયો છે એટલે આ યાદીમાં સમાવેશ કરવામાં આવેલી ઇમારતો સહિત વસ્તુઓને ફરીથી ચકાસવામાં આવે એવી માગણી કરી હતી જેને પૃથ્વીરાજ ચવાણે માન્ય રાખી હતી.