કાર્ટૂનિસ્ટથી હૃદયસમ્રાટ બાળા સાહેબ

18 November, 2012 03:58 AM IST  | 

કાર્ટૂનિસ્ટથી હૃદયસમ્રાટ બાળા સાહેબ

તેમના પિતા કેશવ સીતારામ ઠાકરે ઉર્ફે‍ પ્રબોધનકાર ઠાકરે સમાજસેવક અને લેખક હતા. પ્રબોધનકાર ઠાકરેએ મરાઠી ભાષાના આધારે મુંબઈ સહિતના મહારાષ્ટ્ર રાજ્યની રચના માટે ૧૯૫૦માં થયેલી સંયુક્ત મહારાષ્ટ્રની ચળવળમાં આગળ પડતો ભાગ લીધો હતો અને એની ઊંડી અસર બાળ ઠાકરે પર પડી હતી.

આગવી ઓળખ

કરીઅરની શરૂઆતમાં અંગ્રેજી ન્યુઝપેપર ‘ફ્રી પ્રેસ જર્નલ’માં કાર્ટૂનિસ્ટ બાળ ઠાકરેએ તેમની આગવી ઓળખ ઊભી કરી હતી અને ત્યાર બાદ તેમણે પોતાનું વીકલી મૅગેઝિન ‘માર્મિક’ શરૂ કર્યું હતું. એ મૅગેઝિન દ્વારા તેમણે એ સમયે મુંબઈમાં ગુજરાતીઓ, રાજસ્થાનીઓ અને સાઉથ ઇન્ડિયનોની વધતી જતી વગ સામે કૅમ્પેન ચલાવ્યું હતું.

૧૯૬૬ની ૧૯ જૂને તેમણે રાજ્યમાં મરાઠી લોકોનું મહત્વ જળવાઈ રહે એ માટે ‘શિવસેના’ નામની પૉલિટિકલ પાર્ટીની રચના કરી હતી. પોતાની તેજાબી જુબાન અને સ્પષ્ટવક્તાપણાને કારણે પ્રખ્યાત બાળ ઠાકરે તેમની સેન્સ ઑફ હ્યુમર માટે પણ જાણીતા હતા. તેમણે એ પછી મરાઠી ન્યુઝપેપર અને શિવસેનાના મુખપત્ર ગણાતા ‘સામના’ની સ્થાપના કરી હતી. એ પછી હિન્દીમાં ‘દોપહર કા સામના’ શરૂ કરવામાં આવ્યું હતું.   

બીજેપી સાથે યુતિ


રાજકીય રીતે શિવસેના ઍન્ટિ-કમ્યુનિસ્ટ વલણ ધરાવતી હતી અને એણે મુંબઈના ટ્રેડ યુનિયન પર કાબૂ મેળવીને ખાસ કરીને ગુજરાતી અને મારવાડી વેપારીઓ પાસેથી સુરક્ષા આપવા માટે ઉઘરાણી કરવા માંડી હતી. જોકે પછી પક્ષે ભારતીય જનતા પાર્ટી સાથે હિન્દુત્વના મુદ્દે સમાન વિચારસરણી હોવાથી જોડાણ કર્યું હતું. ત્યાર પછી ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાની યુતિ ૧૯૯૫માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવીને સત્તા પર આવી હતી. ૧૯૯૫થી ૧૯૯૯ સુધીના આ શાસનકાળ દરમ્યાન બાળ ઠાકરેને ‘રિમોટ કન્ટ્રોલ’નું ઉપનામ મળ્યું હતું, કારણ કે આ શાસનકાળ દરમ્યાન બધા નિર્ણયો તેમના ઇશારાના આધારે જ લેવામાં આવતા હતા. બાળ ઠાકરેએ ૧૯૯૬ના સપ્ટેમ્બરમાં પત્ની મીનાતાઈને હાર્ટઅટૅકમાં અને ૧૯૯૬ની ૨૦ એપ્રિલે મોટા દીકરા બિંદુમાધવ ઠાકરેને રોડ-ઍક્સિડન્ટમાં ગુમાવ્યાં હતાં, જેના પગલે આ સમયગાળામાં તેઓ માનસિક રીતે બહુ હતાશ થઈ ગયા હતા.

મતદાન પર પ્રતિબંધ

૧૯૯૯ની ૨૦ જુલાઈએ ઇલેક્શન કમિશનની સૂચનાને પગલે બાળ ઠાકરે પર ૧૯૯૯ની ૧૧ ડિસેમ્બરથી ૨૦૦૫ની ૧૦ ડિસેમ્બર સુધી મત નાખવા અથવા તો ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે ૨૦૦૫માં આ પ્રતિબંધ હટ્યો એ પછી તેમણે ૨૦૦૬માં યોજાયેલી મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન કર્યું હતું.

બાળ ઠાકરેએ હંમેશાં એવો દાવો કર્યો છે કે શિવસેનાએ મુંબઈમાં મરાઠી માણૂસને પોતાનું સ્થાન જાળવી રાખવામાં મદદ કરી છે અને હંમેશાં હિન્દુઓના હકો માટે લડત ચલાવી છે. હિન્દુત્વવાદી વિચારધારા ધરાવતા બાળ ઠાકરેએ હંમેશાં હિન્દુઓના અસ્તિત્વ સામે જોખમરૂપ પરિબળો સામે એક થઈને લડત આપવાની હિમાયત કરી છે. જોકે ડાબેરી પક્ષોએ શિવસેના પર હંમેશાં આરોપ લગાવ્યો છે કે શિવસેનાએ એના શાસનકાળ દરમ્યાન પોતે ધરતીપુત્રોનો પક્ષ છે એવો દાવો તો કર્યો છે, પણ યુવાનોને યોગ્ય રોજગારી મળે એ માટે કોઈ નક્કર પગલાં નથી લીધાં અને આ નીતિને કારણે જ એના શાસનકાળ વખતે હજારો યુવાનો બેરોજગાર રહ્યા હતા.

વૅલેન્ટાઇન્સ ડેના હતા વિરોધી

બાળ ઠાકરે અને શિવસેના વૅલેન્ટાઇન્સ ડેનો વિરોધ કરતા આવ્યા હતા. ૨૦૦૬ની ૧૪ ફેબ્રુઆરીએ વૅલેન્ટાઇન્સ ડેના સેલિબ્રેશનમાં શિવસૈનિકોએ કરેલી તોડફોડ માટે બાળ ઠાકરેએ માફી પણ માગી હતી. નાલાસોપારામાં વૅલેન્ટાઇન્સ ડેની પ્રાઇવેટ પાર્ટીમાં કેટલાક શિવસૈનિકોએ માત્ર તોડફોડ જ નહોતી કરી, મહિલાઓ પર હુમલો પણ કર્યો હતો. બાળ ઠાકરેએ ત્યારે માફી માગતાં કહ્યું હતું કે ‘નાલાસોપારાની ઘટનામાં કેટલીક મહિલાઓને પણ માર મારવામાં આવી હતી. જો ખરેખર આવું બન્યું હોય તો આ હુમલો કાયરતા છે. મેં હંમેશાં શિવસૈનિકોને કહ્યું છે કે કોઈ પણ સંજોગોમાં મહિલાઓનું અપમાન કે સતામણી ક્યારેય થવાં જોઈએ નહીં.’

હિટલરનાં વખાણથી વિવાદ


બાળ ઠાકરેએ થોડાં વર્ષો પહેલાં એક મૅગેઝિનને આપેલી મુલાકાતમાં જર્મનીના કુખ્યાત સરમુખત્યાર ઍડોલ્ફ હિટલરનાં વખાણ કરતાં વિવાદ થયો હતો. ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે ‘હું હંમેશાં હિટલરનો પ્રશંસક રહ્યો છું અને આ કહેતાં મને કોઈ શરમ નથી. તેના દરેક કૃત્ય સાથે હું સંમત નથી, પણ તે એક અદ્ભુત સંચાલક અને વક્તા હતો. મને એવું લાગે છે કે હિટલર અને મારી વચ્ચે અનેક સમાનતા છે. ભારતને એક એવા સરમુખત્યારની જરૂર છે જે લોખંડી હાથે શાસન કરે.’

જોકે ૨૦૦૭ની ૨૯ જાન્યુઆરીએ એક અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં બાળ ઠાકરેએ હિટલરને અત્યંત ક્રૂર ગણાવતાં કહ્યું હતું કે ‘તેણે અનેક ખોટાં કામ કર્યા હતાં. યહૂદીઓની હત્યા અયોગ્ય હતી, પણ હિટલરનું જમા પાસું એ હતું કે તે એક કલાકાર હતો.’

બધા મુસ્લિમોના વિરોધી નહોતા

મુસ્લિમો વિશે બાળ ઠાકરેનાં નિવેદનોને કારણે હંમેશાં વિવાદ થતો રહ્યો છે. ૨૦૦૨માં તેમણે ઇસ્લામિક સુસાઇડ બૉમ્બરના જવાબમાં હિન્દુ સુસાઇડ બૉમ્બરની તરફેણ કરી હતી. એ પછી મહારાષ્ટ્ર સરકારે તેમની સામે ધાર્મિક લાગણી ભડકાવવા બદલ બે કેસ નોંધ્યા હતા. જોકે મુંબઈમાં થયેલાં રમખાણો બાદ બાળ ઠાકરએ પોતાની મુસ્લિમવિરોધી ઇમેજ વિશે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે હું બધા મુસ્લિમોનો વિરોધી નથી, મારો વિરોધ માત્ર એ જ મુસ્લિમો સામે છે જે ભારતમાં ભારતના કાયદાને સ્વીકારતા નથી. બાદમાં ઠાકરેએ તેમની પાર્ટીને મુસ્લિમવિરોધી ગણાવવા બદલ મિડિયાને જવાબદાર ગણાવ્યું હતું. ૨૦૦૬ની ૧૧ જુલાઈએ મુંબઈ ટ્રેનવિસ્ફોટો બાદ મૃત્યુ પામેલા લોકોના માનમાં યોજાયેલા બે મિનિટના મૌનમાં સામેલ થવા બદલ ઠાકરેએ મુસ્લિમોનાં વખાણ કર્યા હતાં.

ભલભલાની સાડીબાર નહોતી રાખતા

શિવસેનાના પ્રમુખ બાળ ઠાકરે જે માનતા એ કહી દેવામાં કોઈની સાડીબાર નહોતા રાખતા. ભલભલા દિગ્ગજોને તેમણે બરાબર સંભળાવી દીધું હતું. શરૂઆતમાં ગુજરાતીઓ, મારવાડીઓ અને સાઉથ ઇન્ડિયનો તરફ દ્વેષભાવ રાખતા બાળ ઠાકરેના નિશાના પર ત્યાર પછી ઉત્તર ભારતીયો અને મુસલમાનો રહ્યા હતા. તેમણે કરેલાં નિવેદનોને કારણે વિવાદ થતો હતો, પણ કોઈ તેમની સામે એ બાબતે વિરોધ નહોતું દર્શાવી શકતું.

બૉમ્બે હાઈ ર્કોટે‍ શિવાજી પાર્કને સાઇલન્સ ઝોન જાહેર કર્યો હોવા છતાં ત્યાં શિવસેનાની રૅલી યોજવા બદલ તેમણે કહ્યું હતું કે ‘અમારો અવાજ કોઈ દબાવી નહીં શકે. ૫૦ ડેસિમલની લિમિટ પણ નહીં. મારી સામે બેઠેલા માત્ર પુરુષો નથી, એ બધા શિવસૈનિકો છે.’

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને આડે હાથ લેતાં તેમણે કહ્યું હતું કે ‘સરકારને ભગવો આતંકવાદ દેખાય છે, પણ લીલો અને નક્સલીઓનો આતંકવાદ દેખાતો નથી. આ દેશમાં હીજડાઓનું શાસન છે. દિગ્ગજ પંડિત નેહરુએ દેશને બરબાદ કરી મૂક્યો છે.’

ફિલ્મઅભિનેતા શાહરુખ ખાન બદલ તેમણે કહ્યું હતું કે ‘શાહરુખ ખાન સૌરવ ગાગુંલીને મહત્વ આપતો નથી. તેને બદલે પાકિસ્તાની ખેલાડીઓને વધુ મહત્વ આપી રહ્યો છે. શાહરુખ ખાનનું પાકિસ્તાનતરફી વલણ જગજાહેર છે. આખો દેશ જેને પસંદ કરે છે એ સૌરવ ગાગુંલી જેવા ખેલાડી સાથે આઇપીએલમાં જે રીતે તેણે વ્યવહાર કર્યો છે એ બહુ જ આશ્ચર્યજનક છે.’

દેશના રાષ્ટ્રપતિ અને ટોચના વિજ્ઞાની ડૉક્ટર અબ્દુલ કલામ વિશે તેમણે કહ્યું હતું કે અબ્દુલ કલામે એમ કહ્યું કે તેઓ સોનિયા ગાંધીને વડાં પ્રધાન બનાવવા તૈયાર હતા ત્યારથી તેમણે લોકોના હૃદયમાં તેમનું જે માન હતું એ ગુમાવી દીધું છે.

ભ્રષ્ટાચાર સામે આંદોલન ચલાવી રહેલા ગાંધીવાદી સમાજસેવક અણ્ણા હઝારેને તેમણે કહ્યું હતું કે ‘તમે પ્રામાણિકતાથી દેશમાંથી ભ્રષ્ટાચાર હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છો, પણ આમ કરવાથી ભ્રષ્ટાચાર નહીં હટે એટલે છોકરમત છોડો. દેશમાં અનેક ભ્રષ્ટાચારીઓ છે, તમે તેમને અટકાવી નહીં શકો.’

થોડા દિવસ પહેલાં જ તેમણે પાકિસ્તાનને ઇન્ડિયામાં ક્રિકેટ-સિરીઝ રમવા મંજૂરી આપનાર કેન્દ્રના ગૃહપ્રધાન સુશીલકુમાર શિંદેને કહ્યું હતું કે જો તમારામાં થોડીઘણી પણ શરમ બાકી હોય તો આ સિરીઝ રોકી દો, નહીં તો દેશદાઝવાળી જનતા જ્યાં-જ્યાં મૅચ રમાવાની છે એ જગ્યાએ મૅચ રોકી દેશે.

આઇપીએલ = ઇન્ડિયન પ્રીમિયર લીગ