શિવસેના-બીજેપીના કાર્યકરો ફરી બાખડ્યા

20 June, 2021 02:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પેટ્રોલ-પમ્પ પર વૈભવ નાઈક લોકોને પેટ્રોલ ખરીદવા માટે રૂપિયા વહેંચી રહ્યા હતા ત્યારે બીજેપીના કાર્યકરો આવી પહોંચ્યા હતા. તેમણે વિરોધ કરતાં બન્ને પક્ષના કાર્યકરો સૂત્રોચ્ચાર કરીને એકબીજાની સામસામે આવી ગયા હતા.

શિવસેના-બીજેપીના કાર્યકરો ફરી બાખડ્યા

દાદરમાં શિવસેના ભવન પાસે શિવસેના અને બીજેપીના કાર્યકરો વચ્ચે બે દિવસ પહેલાં ઝપાઝપી થયા બાદ ગઈ કાલે સિંધુદુર્ગમાં બન્ને પક્ષના કાર્યકરો સામસામે આવી ગયા હતા. શિવસેનાના સ્થાપના દિવસે સિંધુદુર્ગમાં શિવસેનાના વિધાનસભ્ય વૈભવ નાઈક દ્વારા નારાયણ રાણેના પેટ્રોલ-પમ્પ પર ૧૦૦ રૂપિયામાં બે લિટર પેટ્રોલનું વેચાણ કરવાનો પ્રયાસ કરાયો હતો. આ બાબતની જાણ થતાં બીજેપીના કાર્યકરો ઘટનાસ્થળે ધસી ગયા હતા. પેટ્રોલ-પમ્પ પર વૈભવ નાઈક લોકોને પેટ્રોલ ખરીદવા માટે રૂપિયા વહેંચી રહ્યા હતા ત્યારે બીજેપીના કાર્યકરો આવી પહોંચ્યા હતા. તેમણે વિરોધ કરતાં બન્ને પક્ષના કાર્યકરો સૂત્રોચ્ચાર કરીને એકબીજાની સામસામે આવી ગયા હતા.
બન્ને પક્ષના કાર્યકરો મારામારી પર ઊતરી આવે એ પહેલાં પોલીસે મધ્યસ્થી કરીને મામલો થાળે પાડ્યો હતો. શિવસેનાના પંચાવનમા સ્થાપના દિવસ નિમિત્તે શિવસેનાના વિધાનસભ્ય વૈભવ નાઈકે લોકોને ૧૦૦ રૂપિયામાં બે લિટર પેટ્રોલ (વાહનદીઠ) આપવાની જાહેરાત કરી હતી. એટલું જ નહીં, બીજેપીના સભ્યપદનું કાર્ડ બતાવનારને એક લિટર ફ્રીમાં આપવાનાં બૅનર બનાવ્યાં હોવાથી સોશ્યલ મીડિયામાં ભારે ચર્ચા થઈ હતી.

Mumbai mumbai news shiv sena bharatiya janata party