શિવસેના તથા ઉદ્ધવની હવે થશે આકરી કસોટી

19 November, 2012 06:57 AM IST  | 

શિવસેના તથા ઉદ્ધવની હવે થશે આકરી કસોટી

પરંતુ શનિવારે બાળ ઠાકરેના થયેલા અવસાન પછી પક્ષના ભવિષ્યને લઈને અનેક ચિંતાઓ વ્યક્ત થઈ રહી છે, કારણ કે બાળ ઠાકરેની પ્રતિમા તેમની પાર્ટી શિવસેના કરતાં પણ વધારે ઊંચી હતી. તેમના ઉત્તરાર્ધી ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વને લઈને કેટલાય સવાલો છે તો ભત્રીજા રાજ ઠાકરે સાથેના તંગ સંબંધોને લઈને પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે.

છેલ્લાં કેટલાંક વર્ષોથી પાર્ટીનાં રોજબરોજનાં કામો ઉદ્ધવ ઠાકરે સંભાળતા હતા, પરંતુ તમામ મહત્વના નિર્ણયો બાળ ઠાકરે જ લેતા હતા. મહત્વના નિર્ણયો માટે ઘણા જૂના શિવસૈનિકો બાળ ઠાકરેના નિર્ણયોને જ વધુ પસંદ કરતા હતા. શિવસેનાને એક સરમુખ્યત્યાર તરીકે બાળ ઠાકરેએ ચલાવી હતી. મહત્વના નિર્ણયો તેઓ તેમના પક્ષના જૂના વિશ્વાસુ સાથીદારોને પણ લેવા દેતા નહોતા.

 શું આ તમામ વાતોનું ઉદ્ધવ ઠાકરે પુનરાવર્તન કરી શકશે? વળી બીજી મહત્વની વાત સાથીદાર પક્ષ બીજેપી સાથેના સંબધોને લઈને પણ છે. રાજ ઠાકરેના એમએનએસ સાથે જોડાણ કરવાની વાતો બીજેપી કરી રહી છે. ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની મુલાકાત દરમ્યાન રાજ ઠાકરેની ભારે આગતા-સ્વાગતા કરતાં શિવસેના નારાજ થઈ હતી.

બીજેપીના સિનિયર નેતાઓ અટલ બિહારી વાજપેયી કે લાલકૃષ્ણ અડવાણી સાથેના બાળ ઠાકરેના સંબંધોને કારણે બન્ને પક્ષોનું જોડાણ યથાવત્ રહ્યું હતું. ૧૯૯૯થી વિરોધપક્ષ તરીકે રહેવા બદલ જો શિવસૈનિકો કે નેતાઓ ઉદ્ધવ ઠાકરેને જવાબદાર ગણે તો એમાંથી ઘણા એમએનએસ કે બીજેપીમાં જોડાઈ શકે છે. કૉન્ગ્રેસ કે પછી એનસીપી શિવસૈનિકો માટે યોગ્ય વિકલ્પ ન હોવાથી તેમના માટે એમએનએસ એક સારો વિકલ્પ હશે.

વારસા માટેની લડાઈ

બાળ ઠાકરેના મૃત્યુ બાદ ઉદ્ધવ તથા રાજ એક થઈ જશે એવી ધારણા કેટલાક લોકો રાખી રહ્યા છે, પરંતુ એ શક્ય નથી. બાળ ઠાકરે મરણપથારીએ હતા છતાં માતોશ્રીમાં રાજ ઠાકરેને ઠંડો આવકાર આપવામાં આવ્યો હતો.

તાજેતરમાં રાજ્યની વિવિધ સુધરાઈની ચૂંટણીઓમાં એમએનએસે સારો દેખાવ કર્યો હતો. મુંબઈમાં શિવસેનાએ સત્તા જાળવી રાખી હોવા છતાં દાદર તથા શિવાજી પાર્ક વિસ્તારની બેઠક એણે ગુમાવવી પડી હતી. વળી ઉદ્ધવ ઠાકરેનું ખરાબ સ્વાસ્થ્ય પણ મોટી પરેશાનીનું કારણ છે.

વિશ્વનાં પ્રસારમાધ્યમોએ પણ લીધી નોંધ

મરાઠી માણૂસ અને મરાઠી ભાષા માટે જીવનભર લડનારા શિવસેનાના સુપ્રીમો બાળ ઠાકરેના અવસાનની નોંધ અનેક રાષ્ટ્રોનાં મહત્વનાં અખબારોએ લીધી હતી. ઇંગ્લૅન્ડનાં બીબીસી અને સીએનએન, અમેરિકાના મોટા માધ્યમ સંગઠને પણ બાળ ઠાકરેના અવસાનની સવિસ્તર માહિતી અખબારોમાં તથા ટીવી-ચૅનલોમાં પ્રકાશિત કરી હતી. આ સિવાય શ્રીલંકા સહિત દુનિયાના અનેક દેશમાં આ ઘટનાની નોંધ લેવામાં આવી હતી.

પાકિસ્તાનથી પ્રકાશિત થતા ‘ડૉન’ નામના અંગ્રેજી અખબારમાં બાળ ઠાકરેના અવસાનના સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા અને એમાં લખવામાં આવ્યું હતું કે ‘બાળ ઠાકરે : બૉમ્બેનું નામ બદલનાર રાજકારણી’. દુબઈથી પ્રકાશિત થતા ‘ખલીજ ટાઇમ્સ’ અખબારમાં બાળ ઠાકરેના અવસાનના સમાચારમાં ‘મરાઠી માણૂસ, ગર્વના પ્રતીક સમાન’ હેડલાઇન આપી લેખ લખવામાં આવ્યો હતો. બંગલા દેશમાં પ્રકાશિત થતા ‘ધ ડેઇલી સ્ટાર’ અખબારે પણ બાળ ઠાકરેના અવસાનના ન્યુઝ લીધા હતા અને લખ્યું હતું કે ‘શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેનું નિધન.’

બીબીસી = બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ કૉપોર્રેશન, સીએનએન = કેબલ ન્યુઝ નેટવર્ક