આર્યન ખાનને આડો આવ્યો આંકડો ૪૫નો

27 October, 2021 08:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાંજે છ વાગ્યે જજે ઍડ્વોકેટ અમિત દેસાઈ અને સરકારી વકીલને કેટલી વાર લાગશે એમ પૂછ્યું અને બન્નેએ ૪૫ મિનિટ માગી એટલે તેમણે જામીન સુનાવણી મોકૂફ કરી દીધી

આર્યન ખાન

ડ્રગ્સ કેસમાં પકડાયેલા બૉલીવુડના અભિનેતા શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની બૉમ્બે હાઈ કોર્ટમાં ગઈ કાલે જામીનઅરજીની સુનાવણી દરમિયાન બન્ને પક્ષની દલીલો ચાલી હતી. ત્યાર બાદ સમય પૂરો થતાં એ દલીલો આજે (બુધવારે) પણ ચાલુ રહેશે. ગઈ કાલે સાંજે સવાચાર વાગ્યાની આસપાસ શરૂ થયેલી સુનાવણી છ વાગ્યા બાદ પણ ચાલુ રહેતાં ન્યાયમૂર્તિ નીતિન સાંબરેએ પહેલાં ઍડ્વોકેટ અમિત દેસાઈને પૂછ્યું હતું કે તમે હજી કેટલો સમય લેશો? એના જવાબમાં તેમણે જજને કહ્યું હતું કે ૪૫ મિનિટ. ત્યાર બાદ ઍડિશનલ સૉલિસિટર જનરલ અનિલ સિંહે પણ જજને કહ્યું હતું કે મને પણ ૪૫ મિનિટ લાગશે. આ સાંભળ્યા બાદ ન્યાયમૂર્તિએ કહ્યું હતું કે તો પછી આપણે આગળની સુનાવણી કાલ પર રાખીએ. આ પહેલાં દેશના ભૂતપૂર્વ ઍડ્વોકેટે જનરલ મુકુલ રોહતગીએ આર્યન વતી જોરદાર દલીલ કરી હતી. ઍડ્વોકેટ અમિત દેસાઈ આર્યન ખાન તેમ જ અરબાઝ મર્ચન્ટ માટે હાજર થયા હતા.

આ પહેલાં એનસીબી વતી દલીલ કરતાં ઍડિશનલ સૉલિસિટર જનરલ ઑફ મહારાષ્ટ્ર અનિલ સિંહે કહ્યું હતું કે ‘કેસની તપાસ ખોરવી નાખવા આર્યન ખાન અને શાહરુખ ખાનની મૅનેજર પૂજા દાદલાણી બન્ને પુરાવા સાથે ચેડાં કરી રહ્યાં છે અને સાક્ષીઓ પર દબાણ લાવી રહ્યાં છે. વળી આર્યન ખાન માત્ર ડ્રગનો બંધાણી જ નથી, તે ડ્રગ્સની હેરફેર પણ કરે છે એટલે તેના જામીન મંજૂર ન કરવા જોઈએ. એનસીબીએ આ સંદર્ભે કોર્ટમાં ઍફિડેવિટ કરીને કહ્યું છે કે કેસની તપાસ ખોરવી નાખવા પુરાવા સાથે ચેડાં કરાઈ રહ્યાં છે. એ ઉપરાંત આ મહિલા (પૂજા દાદલાણી) હાલ જ્યારે તપાસ ચાલી રહી છે ત્યારે પંચના સાક્ષીઓને ઇન્ફ્લ્યુઅન્સ કરી રહી હોવાનું જણાઈ રહ્યું છે. વળી તપાસમાં એવું જણાઈ આવ્યું છે કે આર્યન ખાન માત્ર ડ્રગનો બંધાણી નથી, તે આ કાવતરાનો એક ભાગ પણ છે. અમે હજી કેસની તપાસ કરી રહ્યા છીએ અને એ સંદર્ભે ચાર્જશીટ પણ ફાઇલ કરીશું.’

સામા પક્ષે આર્યન વતી હાજર રહેલા દેશના ભૂતપૂર્વ ઍડ્વોકેટ જનરલ મુકુલ રોહતગીએ રજૂઆત કરતાં કહ્યું હતું કે ‘મારા અસીલ આર્યન ખાન પાસેથી ડ્રગ મળ્યું નથી. વળી મેડિકલ ટેસ્ટમાં પણ તેણે ડ્રગ કન્ઝ્યુમ કર્યું હોય એવું આવ્યું નથી. વળી જે વૉટ્સઍપ ચૅટ મળી છે એ ક્રૂઝને લગતી નથી. હાલ એનસીબીના ડિરેક્ટર સમીર વાનખેડે અને રાજકીય વ્યક્તિ દ્વારા કરતા આક્ષેપો અને પ્રતિઆક્ષેપો સાથે અમારા અસીલને કશું જ લાગતુંવળગતું નથી. એ સિવાય આર્યન ખાને તપાસ એજન્સીના કોઈ પણ અધિકારી સામે કોઈ આક્ષેપ કર્યા નથી. આ કેસના ઇન્ડિપેન્ડન્ટ સાક્ષી પ્રભાકર સાઇલની સાથે પણ કશું લાગતુંવળગતું નથી જેણે સમીર વાનખેડે અને અન્ય સામે એક્સ્ટૉર્શનના આરોપ કર્યા છે. તેની પાસેથી રિકવરીનો પણ કોઈ સવાલ જ ન હોવાથી તેને જામીન મળવા જોઈએ.’

દરમ્યાન, ગઈ કાલે દિલ્હીથી એનસીબીની જે ટીમ સમીર વાનખેડે સામે થયેલા ખંડણીના આરોપોની તપાસ કરવા આવવાની હતી એ હવે આજે આવશે.

 

મોહિત કમ્બોજે નવાબ મલિક સામે કોર્ટમાં ફરિયાદ કરી

ભારતીય જનતા પક્ષના ભૂતપૂર્વ નેતા મોહિત કમ્બોજે રાજ્યના લઘુમતી ખાતાના પ્રધાન અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના નેતા નવાબ મલિક સામે મેટ્રોપૉલિટન કોર્ટમાં ક્રિમિનલ ફરિયાદ દાખલ કરી છે. આ વિશે તેણે ટ્વીટ કરીને માહિતી આપતાં કહ્યું છે કે ‘આજે મેં રાજ્યના કૅબિનેટ મિનિસ્ટર નવાબ મલિક સામે મારી અને મારા પરિવારની માનહાનિ કરવા બદલ અને જાણી જોઈને અમારી સામે ખોટા આક્ષેપો કરવા બદલ આઇપીસીની કલમ ૪૯૯ (માનહાનિ) અને ૫૦૦ (માનહાનિ કરવા બદલ દંડની જોગવાઈ) હેઠળ કેસ નોંધાવ્યો છે.’

એનસીબીએ ક્રૂઝ પાર્ટી પર કરેલી કાર્યવાહી વખતે એ પાર્ટીમાં મોહિત કમ્બોજનો સાળો પણ હતો, પરંતુ એ પછી એક વગદાર નેતાના કહેવાથી, ફોન કરવાથી એનસીબીએ તેને છોડી મૂક્યો એવા આક્ષેપ નવાબ મલિકે કર્યા હતા. એથી એ સંદર્ભે હવે મોહિત કમ્બોજે નવાબ મલિક સામે કોર્ટમાં કેસ દાખલ કરી ફરિયાદ કરી છે.

સમીર વાનખેડે બે વ્યક્તિની મદદથી લોકોના ફોન ઇન્ટરસેપ્ટ કરે છે : નવાબ મલિક

નવાબ મલિકે પ્રેસ કૉન્ફરન્સ લઈને કહ્યું હતું કે ‘એનસીબીના જ એક અધિકારીએ નામ ન આપતાં મને એક પત્ર આપ્યો છે જેમાં કહેવાયું છે કે સમીર વાનખેડેની જો તપાસ કરાય તો ઘણુંબધું બહાર આવે એમ છે. આ ઉપરાંત તેમણે સમીર વાનખેડે બે વ્યક્તિ (એક મુંબઈની અને એક થાણેની) દ્વારા લોકોના ફોન ઇન્ટરસેપ્ટ કરાવતા હતા એવો પણ આક્ષેપ કર્યો છે. એટલું જ નહીં, મુંબઈ પોલીસ પાસેથી તે લોકોના કૉલ-ડિટેલ રેકૉર્ડ પણ લેતા હતા.’

તેમણે વધુમાં કહ્યું હતું કે ‘મારી પાસે એ બન્ને વ્યક્તિનાં નામ અને ઍડ્રેસ છે. એનસીબીમાં ચાલતા એક્સ્ટૉર્શન રૅકેટને લઈ હું આ સંદર્ભે એનસીબીના વડાને પત્ર લખીને જાણ કરવાનો છું. એનસીબીના અધિકારી જેણે એ પત્ર લખ્યો એમાં તેણે કરેલા ૨૬ આક્ષેપોની તપાસની માગણી કરવાનો છું. અમારી લડાઈ સંસ્થા (એનસીબી) સામે નથી. એક વ્યક્તિ જેણે સંસ્થાનો ઉપયોગ કરી હજારો કરોડો રૂપિયાની વસૂલી કરી, નિર્દોષ લોકોને એમાં ફસાવ્યા એની સામે છે. એમાં પણ મારા પ્રધાન હોવા છતાં જો તે અમારા માણસો સાથે આવું કરી શકે છે તો સામાન્ય લોકો સાથે શું કર્યું હશે? એથી અમે છેલ્લા સાડાઆઠ મહિનાથી આ બધી બાબતોની તપાસ કરી રહ્યા છીએ અને ઘણી બધી બાબતો સામે આવી છે. મારી લડાઈ અન્યાયની સામે છે.’

mumbai mumbai news bombay high court aryan khan