‘ઇન્ડિયા’ જૂથ રાજકીય પરિવર્તન લાવવા માટે મજબૂત વિકલ્પ બનશે

31 August, 2023 12:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજથી બે દિવસ મુંબઈમાં ૨૮ વિરોધ પક્ષોના સંગઠનની બેઠક છે ત્યારે એનસીપીના ચીફ શરદ પવારે આમ કહ્યું.

‘ઇન્ડિયા’ જૂથની બેઠક

કેન્દ્રમાં બીજેપીની આગેવાનીની સરકારને પડકારવા માટે એકત્રિત થયેલા ૨૮ વિરોધ પક્ષોના ‘ઇન્ડિયા’ જૂથની ત્રીજી બેઠક મુંબઈમાં આજે અને આવતી કાલે છે ત્યારે એનસીપીના ચીફ શરદ પવારે કહ્યું હતું કે આ જૂથ રાજકીય પરિવર્તન લાવવા માટે મજબૂત વિકલ્પ બનશે.

પત્રકારો સાથેની વાતચીતમાં શરદ પવારે દાવો કર્યો હતો કે વિરોધ પક્ષોનું આ જૂથ રાજકીય પરિવર્તન લાવવામાં મજબૂત વિકલ્પ બની રહેશે. તેમણે કહ્યું હતું કે ‘વિરોધ પક્ષોના જૂથમાં અત્યારે કોણ કેટલી બેઠકો લડશે એની કોઈ ચર્ચા નથી કરવામાં આવી. એનસીપી આ વિરોધ પક્ષોના જૂથમાં સામેલ હોવા વિશે કોઈ મૂંઝવણ નથી. અમારો સાથ છોડી જનારાઓને જનતા જવાબ આપશે.’

આમ કહીને તેમણે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાનીની રાજ્ય સરકારમાં સામેલ થયેલા અજિત પવારનું નામ લીધા વિના ટોણો માર્યો હતો. ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કઈ તરફ છે એ કહેવું મુશ્કેલ છે. રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે લોકતંત્રને બચાવવા માટે વિવિધ વિચારધારા ધરાવતા રાજકીય પક્ષો સાથે આવ્યા છે. ‘ઇન્ડિયા’ જૂથ પાસે વડા પ્રધાનપદના અનેક ઉમેદવાર છે, પણ બીજેપી પાસે નરેન્દ્ર મોદી સિવાય બીજો શું વિકલ્પ છે?

રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ચવાણે કહ્યું હતું કે ‘૨૦૧૯માં બીજેપી સિવાયના રાજકીય પક્ષોને ૨૩ કરોડ મત મળ્યા હતા, જ્યારે બીજેપીએ ૨૨ કરોડ મત સાથે કેન્દ્રમાં સત્તાની સ્થાપના કરી હતી. આથી અમે બધા સાથે ચૂંટણી લડીશું તો વિજયી થઈ શકીશું.’

સંજય રાઉતના નજીકના નેતા શિંદે જૂથમાં જોડાયા

એકનાથ શિંદેએ ગયા વર્ષે જૂન મહિનામાં ઉદ્ધવ ઠાકરે સામે બળવો કર્યા બાદ ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ, વિધાનસભ્યો અને નગરસેવકો સહિતના નેતાઓ એકનાથ શિંદે જૂથમાં સતત જોડાઈ રહ્યા છે. ઉદ્ધવ ઠાકરે જૂથના રાજ્યસભાના સાંસદ અને મુખ્ય પ્રવક્તા સંજય રાઉત અને તેમના વિધાનસભ્ય ભાઈ સુનીલ રાઉતની નજીકના ગણાતા કન્નમવરનગરના ભૂતપૂર્વ નગરસેવક ઉપેન્દ્ર સાવંત મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના જૂથમાં જોડાયા છે. આથી સંજય રાઉતને મોટો ઝટકો લાગ્યો છે. ઉદ્ધવ ઠાકરે જૂથના ૨૫ અને કૉન્ગ્રેસના સાત નગરસેવક મળીને અત્યાર સુધીમાં મુંબઈના ૩૩ ભૂતપૂર્વ નગરસેવકો એકનાથ શિંદે જૂથમાં જોડાયા છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘મુંબઈમાં અત્યાર સુધીમાં ૩૩ ભૂતપૂર્વ નગરસેવકો અમારી સાથે આવ્યા છે. આથી અમે ચૂંટણી જાહેર થાય તો એનો સામનો કરવા તૈયાર છીએ.’

ઉપેન્દ્ર સાવંતે કહ્યું હતું કે ‘દોઢ વર્ષથી મારા વિસ્તારમાં વિકાસનાં કોઈ કામ નથી થયાં. એકનાથ શિંદે સાથે હાથ મિલાવવાથી આ કામ થવાનો મને વિશ્વાસ છે.’

અમારા મુખ્ય પ્રધાન એકનાથ શિંદે 

એક મરાઠી ન્યુઝ-ચૅનલના ઉદ્ઘાટનના કાર્યક્રમમાં મંગળવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તેમ જ નાયબ મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સામેલ થયા હતા. આ સમયે પત્રકારોએ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારને વિચિત્ર સવાલ કર્યો હતો કે તમારા મનના મુખ્ય પ્રધાન કોણ છે? મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની હાજરીમાં કરવામાં આવેલા સવાલના જવાબમાં પહેલાં દેવેન્દ્ર ફડણવીસ અને પછી અજિત પવારે કહ્યું હતું કે ‘અત્યારે રાજ્યના જે મુખ્ય પ્રધાન છે તે જ અમારા મનગમતા મુખ્ય પ્રધાન છે. તેઓ અમારા માટે બહારના મુખ્ય પ્રધાન નથી.’

અજિત પવારે પણ કહ્યું હતું કે ‘રાજ્ય સરકારમાં સામેલ થતી વખતે અમને કહેવામાં આવ્યું હતું કે રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જ રહેશે. આમ છતાં અમે સરકારમાં સામેલ થયા છીએ. આથી સ્વાભાવિક છે કે એકનાથ શિંદે જ અમારા મનગમતા મુખ્ય પ્રધાન છે.’

સંજય રાઉતના રમખાણવાળા નિવેદનની તપાસ કરો

ઉદ્ધવ ઠાકરે જૂથના રાજ્યસભાના સાંસદ અને મુખ્ય પ્રવક્તા સંજય રાઉતે આવતા વર્ષની શરૂઆતમાં અયોધ્યામાં રામમંદિરનું લોકાર્પણ થશે ત્યારે રમખાણ ફાટી નીકળવાની શક્યતા વ્યક્ત કરી હતી. આથી બીજેપીના વિધાનસભ્ય નીતેશ રાણેએ રાજ્યની ઍન્ટિ-ટેરરિઝમ સ્ક્વૉડ (એટીએસ)ના ચીફ સદાનંદ દાતેને પત્ર લખીને સંજય રાઉતના રમખાણના નિવેદનની તપાસ કરવાની માગણી કરી છે. રામજન્મભૂમિનો મામલો કાયદાકીય રીતે શાંતિથી ઉકેલવામાં આવ્યો છે. અત્યારે રામમંદિરના નિર્માણનું કામ અંતિમ તબક્કામાં છે અને જાન્યુઆરી મહિનામાં મંદિરનું લોકાર્પણ થવાનું છે ત્યારે સંજય રાઉતે ૨૦૨૪ની ચૂંટણી પહેલાં રમખાણ ફાટી નીકળવાની શક્યતા વ્યક્ત કરી છે. તેમણે કયા આધારે આવું નિવેદન કર્યું છે એની તપાસ કરવામાં આવે.

‘ઇન્ડિયા’ જૂથની બેઠક માટે ૨૮૦ રૂમ બુક કરાવાઈ

આજે અને આવતી કાલે વિરોધ પક્ષોના ‘ઇન્ડિયા’ જૂથની સાંતાક્રુઝમાં આવેલી ગ્રૅન્ડ હયાત હોટેલમાં બેઠકો થવાની છે, જેમાં સામેલ થવા માટે ભારતભરમાંથી ‘ઇન્ડિયા’માં સામેલ રાજકીય પક્ષોના વિવિધ રાજ્યોના મુખ્ય પ્રધાનોની સાથે ટોચના નેતાઓનું મુંબઈમાં આગમન થયું છે. તેમના માટે હોટેલોની ૨૮૦ રૂમ બુક કરવામાં આવી છે. સિક્યૉરિટીની કોઈ સમસ્યા ઊભી ન થાય એ માટે ગ્રૅન્ડ હયાત હોટેલની આસપાસ ત્રણ સ્તરની સલામતીની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.

sharad pawar india maharashtra political crisis political news indian politics sanjay raut eknath shinde