ઑપરેશન કરવા બદલ આર્મી અને વડા પ્રધાન મોદીને અભિનંદન : શરદ પવાર

08 May, 2025 11:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર)ના નેતાએ દાવો કર્યો હતો કે મહિલાઓને સેનામાં સામેલ કરવા માટે હું સંરક્ષણપ્રધાન હતો ત્યારે પ્રયાસ કર્યા હતા

શરદ પવાર

ઑપરેશન સિંદૂર દ્વારા ભારતે પાકિસ્તાનમાં આવેલા આતંકવાદીઓના અડ્ડાને ઉડાવી દીધા એ વિશે મહારાષ્ટ્રના વરિષ્ઠ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન શરદ પવારે ગઈ કાલે સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરીને વડા પ્રધાન અને આર્મીની પ્રશંસા કરી હતી. શરદ પવારે પોસ્ટમાં લખ્યું હતું કે ‘ઑપરેશન સિંદૂર કરવા માટે વડા પ્રધાન અને સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ સાથે ફોન પર વાત કરી હતી. ભારતીય સેનાને કાર્યવાહી કરવા બદલ અભિનંદન. આજના મુશ્કેલ સમયમાં સરકારને અમારું સમર્થન છે.’

નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર)ના નેતાએ દાવો કર્યો હતો કે મહિલાઓને સેનામાં સામેલ કરવા માટે હું સંરક્ષણપ્રધાન હતો ત્યારે પ્રયાસ કર્યા હતા. શરૂઆતમાં ત્રણેય સેનાના અધ્યક્ષો મહિલાઓની તરફેણમાં નહોતા, પણ બાદમાં તેમણે લાંબા ગાળે મહિલાઓ સેનામાં ઉપયોગી થઈ શકશે એવું માનીને તેમને સામેલ કરવાની મંજૂરી આપી હતી.’

ઑપરેશન સિંદૂરની માહિતી આજે કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે આપી હતી. શરદ પવારની દૂરંદેશીને લીધે જ આજે મહિલા અધિકારીઓ સેનાની ત્રણેય પાંખમાં છે.

આતંકવાદીઓના સ્લીપર્સ સેલ ખતમ કરો : ઉદ્ધવ ઠાકરે

રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેએ પણ ભારતીય સેનાની કાર્યવાહીને સલામ કરીને પ્રશંસા કરી હતી. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘ભારતીય સેનાએ પાકિસ્તાનના આતંકવાદીઓનાં સ્થળોએ સફળતાપૂર્વક હુમલો કરવાનો ગર્વ છે. પહલગામમાં ૨૬ હિન્દુ મહિલાઓના કપાળનું કંકુ ભૂસનારા આતંકવાદીઓનો ખાતમો કરીને સેનાએ બદલો લીધો. પાકિસ્તાનના સ્લીપર્સ સેલને ખતમ કરીને આતંકવાદને સંપૂર્ણપણે નાબૂદ કરવાની જરૂર છે. ભારતીય સેના તમામ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ છે એ ઑપરેશન
સિંદૂરે બતાવી દીધું. ભારતીય સેનાને શિવસેનાની સલામ.’

ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર સરકાર કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે એક પણ શબ્દ નહોતો કહ્યો. તેમણે ભારતીય સેનાની જ પ્રશંસા કરી હતી.

sharad pawar operation sindoor narendra modi nationalist congress party indian army indian air force indian navy indian government mumbai mumbai news news