અમારા આબા ભલે દેખાય નાના, પરંતુ તેમની કીર્તિ ઘણી મોટી છે : શરદ પવાર

07 October, 2014 05:30 AM IST  | 

અમારા આબા ભલે દેખાય નાના, પરંતુ તેમની કીર્તિ ઘણી મોટી છે : શરદ પવાર


વિધાનસભાના ચૂંટણીપ્રચારના યુદ્ધમાં પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ સાંગલી જિલ્લામાં રાજ્યના હોમ મિનિસ્ટર રહી ચૂકેલા NCPના સિનિયર નેતા આર. આર. પાટીલના મતવિસ્તારમાં રવિવારની રૅલી દરમ્યાન NCPના ચીફ શરદ પવારને નિશાન બનાવ્યા બાદ ગઈ કાલે પવાર અને પાટીલની જોડીએ સાંગલીની સભામાં નરેન્દ્ર મોદી પર જોરદાર કટાક્ષ કર્યો હતો.

ક્લીન ઇમેજ અને સરળ વ્યક્તિત્વથી પાર્ટી અને વિરોધ પક્ષોમાં પણ આદર ધરાવતા આબા તરીકે ઓળખાતા આર. આર. પાટીલ સાંગલી જિલ્લાની તાસગાંવ સીટ પર ચૂંટણી લડી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે મને હરાવવાના ઇરાદાથી પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ અહીં સુધી આવવું પડે એ દર્શાવે છે કે મહારાષ્ટ્રમાં BJPની તાકાત અને નેતાગીરી કેટલી નબળી છે.

શરદ પવારે જાહેરમાં આબાની પીઠ થપથપાવતાં કહ્યું હતું કે ‘પ્રાઇમ મિનિસ્ટરે આર. આર. પાટીલના વિરોધમાં અહીં આવીને રૅલી કરવી પડી. હું નરેન્દ્ર મોદીને કહેવા માગું છું કે અમારા આ નેતા ભલે નાના દેખાય, પણ તેમના કામ અને કીર્તિને કોઈ પહોંચે એમ નથી. પ્રાઇમ મિનિસ્ટર તો શું, અન્ય કોઈ પણ નેતાઓ અહીં આવીને સભાઓ ગજાવી જાય તો પણ પાટીલ બધા વિરોધીઓને ધોબીપછાડ આપવા સક્ષમ છે.’