પદ્‍મસિંહ પાટીલના પક્ષાંતરના પ્રશ્ને શરદ પવાર પત્રકાર સામે રાતાપીળા થયા

31 August, 2019 10:10 AM IST  |  અહમદનગર

પદ્‍મસિંહ પાટીલના પક્ષાંતરના પ્રશ્ને શરદ પવાર પત્રકાર સામે રાતાપીળા થયા

શરદ પવાર

એનસીપીના નેતાઓના મોટા પ્રમાણમાં પક્ષાંતર બાબતે એક પત્રકારે પક્ષના વરિષ્ઠ નેતા પદ્‍મસિંહ પાટીલનો ઉલ્લેખ કરતાં શરદ પવાર રોષે ભરાયા હતા. પદ્‍મસિંહ પાટીલ શરદ પવારના સગા છે. અહમદનગર જિલ્લાના શ્રીરામપુરમાં શરદ પવાર પત્રકાર-પરિષદને સંબોધતા હતા ત્યારે એક પત્રકારે પદ્‍મસિંહ પાટીલ બીજેપીમાં જોડાવાના અહેવાલ બાબતે સવાલ પૂછ્યો હતો. એ વખતે ક્રોધિત થયેલા શરદ પવારે એ સંવાદદાતાને માફી માગીને પત્રકાર-પરિષદ છોડીને જતા રહેવાનું કહ્યું હતું. શરદ પવારના ભત્રીજા અજિત પવાર પદ્‍મસિંહ પાટીલના બનેવી છે. પદ્‍મસિંહ એનસીપીના ઉસ્માનાબાદના નેતા છે.

શ્રીરામપુરની પત્રકાર-પરિષદમાં એનસીપીના અનેક નેતાઓ પક્ષ છોડી જવાના મુદ્દે શરદ પવાર સમક્ષ પ્રશ્નોની ઝડી વરસાવવામાં આવી હતી. એ સવાલોના જવાબમાં શરદ પવારે કહ્યું હતું કે ‘૧૦-૧૫ વર્ષમાં એ નેતાઓ અને લોકપ્રતિનિધિઓના વિકાસ અને સંવર્ધન એનસીપીમાં થયા છે. તેમને કદાચ વધુ વિકાસ અને સંવર્ધનની જરૂર જણાઈ હશે અને તેઓને એ પામવાનો માર્ગ બીજેપી અને શિવસેનાએ બતાવ્યો હશે. જોકે એ બધું શું બની રહ્યું છે એની મને કોઈ જાણકારી નથી.’

એ વખતે એક પત્રકારે ‘ફક્ત નેતાઓ નહીં સગાં પણ પક્ષ છોડી રહ્યા છે?’ એવા પ્રશ્ન સાથે પદ્‍મસિંહ પાટીલનો ઉલ્લેખ કર્યો હતો. એ વખતે શરદ પવારે રોષપૂર્વક કહ્યું હતું કે ‘અહીં સગાંસંબંધીનો પ્રશ્ન ક્યાં આવે છે? તમે જે કહો છો એ ખોટું અને અયોગ્ય છે. રાજકારણમાં સગાં-સંબંધીનો સવાલ ક્યાં આવે છે?’ સંબંધિત પત્રકારે એનો પ્રશ્ન સમજાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે શરદ પવારે એ સંવાદદાતાને કહ્યું હતું કે ‘તમારામાં સભ્યતા નથી. તમને પત્રકાર-પરિષદમાં બોલાવવા જ ન જોઈએ. આ બાબતમાં મારે વધારે વાત કરવી નથી. તમે માફી માગો અને પત્રકાર-પરિષદ છોડીને જતા રહો.’ ત્યાર પછી શરદ પવાર પત્રકાર-પરિષદનું સમાપન કરવાના હતા, પરંતુ અન્ય પત્રકારોએ ખૂબ સમજાવ્યા, મનાવ્યા પછી તેમણે મીડિયા બ્રીફિંગ ચાલુ રાખ્યું હતું.

તાજેતરનાં કેટલાંક અઠવાડિયાંમાં એનસીપીના વિધાનસભ્યો શિવેન્દર સિંહ ભોસલે, સંદીપ નાઈક અને વૈભવ પિચડ પક્ષ છોડીને બીજેપીમાં જોડાયા હતા. પક્ષના શહાપુરના વિધાનસભ્ય પાંડુરંગ બરોરા અને પક્ષના મુંબઈ એકમના પ્રમુખ સચિન અહિર શિવસેનામાં જોડાયા હતા. એનસીપીના નેતા અને ભૂતપૂર્વ પ્રધાન જયદત્ત ક્ષીરસાગર શિવસેનામાં જોડાયા હતા. શિવેન્દ્રસિંહ ભોસલેના સગા અને સાતારાના સંસદસભ્ય ઉદયનરાજે ભોસલે તેમ જ પક્ષના ધુરંધર નેતા છગન ભુજબળ ઉપરાંત પદ્‍મસિંહ પાટીલ પણ બીજેપીમાં જોડાવાની ચર્ચા શરૂ થઈ છે. રાજ્ય વિધાનસભાની ચૂંટણી યોજાવાની જાહેરાત પૂર્વેના એકાદ-બે મહિનામાં એનસીપીમાંથી જંગી પ્રમાણમાં પક્ષાંતર રાજકીય વર્તુળોમાં નોંધપાત્ર બન્યા છે.

sharad pawar nationalist congress party