કોરોના-લૉકડાઉન બાબતે શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેએ ચર્ચા કરી

16 May, 2020 09:07 AM IST  |  Mumbai Desk | Agencies

કોરોના-લૉકડાઉન બાબતે શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેએ ચર્ચા કરી

ફાઇલ ફોટો

કોરોના વાઇરસના રોગચાળાને કારણે ઊભી થયેલી પરિસ્થિતિ અને રોગચાળાને ફેલાતો રોકવાનાં પગલાં બાબતે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને એનસીપીના પ્રમુખ શરદ પવારે ગઈ કાલે ચર્ચા કરી હતી. લૉકડાઉનના ત્રીજા તબક્કાના બે દિવસ પૂર્વે યોજાયેલી બેઠકમાં પ્રધાનમંડળના અન્ય સાથીઓ પણ સામેલ થયા હતા. રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસે માઇક્રો બ્લૉગિંગ સાઇટ ટ્વિટર પર જણાવ્યું હતું કે એ બેઠકમાં ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારે કેન્દ્ર સરકારના ૨૦ લાખ કરોડ રૂપિયાના ઇકૉનૉમિક પૅકેજ, હિજરતી પરપ્રાંતીય મજૂરો, કાયદો અને વ્યવસ્થા, રોજગારી અને ઉદ્યોગોની સ્થિતિ વિશે ચર્ચા કરી હતી.
મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના-ઇન્ફેક્શનના કેસનો આંકડો ૨૭,૫૦૦ની ઉપર પહોંચ્યો છે. રાજ્ય સરકારે મુંબઈ મહાનગર પ્રદેશ, પુણે, સોલાપુર અને માલેગાંવમાં લૉકડાઉનની મુદત ૩૧ મે સુધી લંબાવવાનો ઇરાદો દર્શાવ્યો હતો. એ ક્ષેત્રોમાં લાગુ કરાયેલાં નિયંત્રણોની મુદત લંબાવવાની શક્યતા તપાસવાની ચર્ચા શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેએ કરી હતી. ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી બેઠકમાં ભાવિ નીતિવિષયક નિર્ણયોની દિશા નક્કી કરવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. બે કલાકની બેઠકમાં ગૃહપ્રધાન અનિલ દેશમુખ, જળસંસાધન ખાતાના પ્રધાન જયંત પાટીલ, પર્યાવરણ ખાતાના પ્રધાન આદિત્ય ઠાકરે તથા અન્ય પ્રધાનો ઉપસ્થિત રહ્યા હતા.

mumbai mumbai news sharad pawar uddhav thackeray