મીરા રોડના શાંતિનગરની ત્રણ ઇમારતના ૬૦ પરિવારો પાણીની સમસ્યાથી કંટાળ્યા

20 October, 2011 07:55 PM IST  | 

મીરા રોડના શાંતિનગરની ત્રણ ઇમારતના ૬૦ પરિવારો પાણીની સમસ્યાથી કંટાળ્યા



અપૂરતા પાણીપુરવઠાથી કંટાળેલા અને ત્રાસેલા લોકોએ કાયદા અને નિયમ પ્રમાણે નળજોડાણ માટે અરજી કરી હતી અને કામ પણ શરૂ થયું હતું, પરંતુ રાજકારણના દબાણને કારણે મહાનગરપાલિકાએ કામ બંધ કર્યું હોવાથી આ ૬૦ પરિવારો પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કાયદા પ્રમાણે બધા પ્રકારની પ્રક્રિયા કરી હોવા છતાં અને પ્રશાસને કામ પણ શરૂ કર્યું હોવા છતાં કોઈ દબાણ આવવાને કારણે આ કામ બંધ કરવામાં આવ્યું હતું.

કાયદા પ્રમાણે ઍડિશનલ નળજોડણી મેળવવા માટે આ ઇમારતના સભ્યોએ મીરા-ભાઇંદર મહાનગરપાલિકા પાસે ૨૬ મે ૨૦૧૧ના અરજી કરી હતી. જોકે આ કામ માટે પાલિકાની કામમર્યાદા ૩૦ દિવસની છે. મીરા-ભાઇંદર મહાનગરપાલિકાના પાણીપુરવઠા વિભાગના અધિકારીએ ૧ ઇંચના વ્યાસનું નળજોડાણ ૪ જૂનના મંજૂર કરી હતી. આ ઉપરાંત મહાનગરપાલિકાના પથક ક્રમાંક ૪ના બી. ટી. બાગુલે ૪ ઑગસ્ટના આ કામ પૂર્ણ કરવાનો લેખિત આદેશ પણ આપ્યો હતો. આ આદેશ અનુસાર કામ શરૂ પણ થયું હતું. ઇમારતના રસ્તા આગળ ખોદકામ કરવામાં આવ્યું હતું, પરંતુ આ કામ અધવચ્ચે બંધ કરવામાં આવ્યું હતું. આ બાબતે અરજદારોએ પાલિકા પ્રશાસનને પૂછ્યું તો એણે ત્યાંના સ્થાનિક નગરસેવકના આદેશ પર કામ બંધ કર્યું હોવાનું જણાવ્યું હતું. બે મહિના સુધી કામ શરૂ ન થવાથી અંતે ૧૦ ઑક્ટોબરના લોકશાહી દિવસે આ બાબતની ફરિયાદ કરવામાં હતી. તેથી ૧૪ ઑક્ટોબરના ફરીથી કામ શરૂ થયું હતું. આ વખતે પણ કામ દરમ્યાન સ્થાનિક નગરસેવકે હસ્તક્ષેપ કર્યો હોવાની ફરિયાદ સોસાયટીના સેક્રેટરી યોગેશ વાઘા, સોસાયટીના સભ્ય દિનેશભાઈ માવાણી અને અન્ય સભ્યોએ કરી હતી.

આ બાબતે સ્થાનિક નગરસેવક ચંદ્રકાન્ત મોદીએ મિડ-ડે Localને જણાવ્યું હતું કે ‘આવી કોઈ પણ પ્રકારની ઘટના ઘટી નથી. જે કામ છે એ હું પોતે માથે ઊભા રહીને પૂરું કરાવી આપીશ.’

આ ઘટના બાદ પ્રશાસન સામે સવાલ એવો ઊભો થાય છે કે જ્યારે નળજોડણીનો આદેશ આપવામાં આવ્યો હોય તો કોઈ પણ વ્યક્તિના આદેશ પ્રમાણે કામ કેમ બંધ કરવામાં આવ્યું હતું? તેમ જ લોકોને પાણી જેવી જીવનજરૂરિયાતની વસ્તુ માટે ત્રાસ કેમ વેઠવો પડે છે?