મન્નતના રિનોવેશનમાં ગેરરીતિઓ થઈ રહી છે?

23 June, 2025 06:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફરિયાદને પગલે શાહરુખ ખાનના બંગલામાં જઈને BMCના અધિકારીઓએ મન્નતનું ઇન્સ્પેક્શન કર્યું

શાહરુખ ખાનના બંગલા મન્નતનું હાલ રિનોવેશન ચાલી રહ્યું છે.

બૉલીવુડ સુપરસ્ટાર શાહરુખ ખાનના બંગલા મન્નતનું હાલ રિનોવેશન ચાલી રહ્યું છે. એ રિનોવેશન દરમ્યાન સરકારી નિયમો ચાતરીને બાંધકામ કરાયું હોવાની ઍક્ટિવિસ્ટ દ્વારા ફરિયાદ કરવામાં આવતાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના ઑફિસરોએ શુક્રવારે મન્નત પર આ બાબતે ચકાસણી કરી હતી. BMCના ઑફિસરો સાથે ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટના ઑફિસરો પણ આ ઇન્સ્પેક્શનમાં જોડાયા હતા.

 આ પહેલાં ૨૦૦૫માં ભૂતપૂર્વ ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS) ઑફિસર વાય. પી. સિંહે પણ મન્નતના ઓરિજિનલ બંગલાની પાછળ ૭ માળનું મકાન ઊભું કરી દેવા માટે અર્બન લૅન્ડ સીલિંગ ઍક્ટનો ભંગ કરાયો હતો એમ જણાવ્યું હતું. એ ગેરકાયદે બાંધકામ બાબતે કહ્યું હતું કે  શાહરુખ ખાન અને તેની પત્નીએ BMCમાં એ બંગલાની પાછળ ૧૨ ઇન્ડિપેન્ડન્ટ ફ્લૅટ ઊભા કરવા પરવાનગી માગી હતી. એ માટેનું અપ્રૂવલ મળ્યા પછી એ બધા જ ફ્લૅટ એકબીજા સાથે ભેળવી તેમણે પોતાના પરિવાર માટે આલીશાન ઘર ઊભું કર્યું હતું. 

હાલમાં પણ જે ફરિયાદ કરાઈ છે એમાં કહેવાયું છે કે મન્નતનું રિનોવેશન કરતી વખતે કોસ્ટલ રેગ્યુલેટરી ઝોન (CRZ)ના નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે જેના લીધે BMCના ઑફિસરોએ આ ઇન્સ્પેક્શન કર્યું હતું. એ ​ઑફિસરોએ બંગલામાં કરાયેલાં બધાં જ બાંધકામનું નિરીક્ષ‌ણ કર્યું હતું. એ ઉપરાંત ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ પણ શાહરુખની સાઇટ પર હાજર રહેલી ટીમ સાથે વાતચીત કરી હતી. એવું કહેવાય છે કે શાહરુખની ટીમે BMC અને ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને ખાતરી આપી હતી કે રિનોવેશન કરવા માટે જે પણ પરવાનગીઓની આવશ્યકતા હતી એ બધી જ પરવાનગીઓ લેવામાં આવી છે અને જો જરૂર પડે તો એના ડૉક્યુમેન્ટ્સ પણ આપવા તેઓ તૈયાર છે. BMC અને ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ટૂંક સમયમાં આ ઇન્સ્પેક્શનનો રિપોર્ટ સબમિટ કરાય એવી શક્યતા છે. 

મન્નત બંગલો એ હેરિટેજ પ્રૉપર્ટી ગ્રેડ ૩ હેઠળ આવે છે. એમાં કરવામાં આવતા કોઈ પણ પ્રકારના ફેરફાર માટે હેરિટેજ કન્ઝર્વેશન કમિટીની પરવાનગી લેવી જરૂરી છે અને સાથે જ જ્યારે પણ જરૂરી જણાય ત્યારે એન્વાયર્નમેન્ટ ક્લિયરન્સ પણ લેવું પડે છે.

Shah Rukh Khan mannat brihanmumbai municipal corporation environment mumbai mumbai news news bollywood bollywood news gauri khan