પહેલો દીપડો જ્યાંથી પકડાયો ત્યાં જ બીજો પણ જાળમાં સપડાયો

31 October, 2022 12:34 PM IST  |  Mumbai | Ranjeet Jadhav

જોકે સ્થાનિક લોકોનું કહેવું છે કે હજી ત્રીજા દીપડાની હાજરી વર્તાઈ હતી

રવિવારે પાંજરે પુરાયેલો દીપડો (ડાબે) અને આરેના જંગલમાં પૅટ્રોલિંગ કરી રહેલી ટીમ

ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટે આરે કૉલોનીમાંથી એક દીપડો પકડ્યા બાદ એને રવિવારે સવારે સંજય ગાંધી નૅશનલ પાર્કમાં લઈ જવાયો હતો. ત્યાર બાદ ગઈ કાલે એ જ જગ્યાની નજીક આરે કૉલોની યુનિટ-૧૫માંથી બીજા દીપડાને પણ પકડી લેવાયો હતો. જોકે સ્થાનિક લોકોનું કહેવું છે કે હજી એક દીપડો ત્યાં હોવાનું જણાઈ રહ્યું છે. પકડાયેલા બન્ને દીપડા છે, જ્યારે સ્થાનિક લોકોના કહેવા મુજબ એમની સાથેની દીપડી પણ એ જ વિસ્તારમાં ફરી રહી હોવાની શંકા છે.

ગયા સોમવારે દીપડાએ એક નાની બાળકીને ફાડી ખાધા બાદ ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટે ટ્રૅપ મૂકી હતી અને એક દીપડાને પકડ્યો હતો. ત્યાર બાદ ગઈ કાલે સવારે બીજો દીપડો પણ જે જગ્યાએ બાળ‍કીને ફાડી ખાધી હતી એનાથી ૨૦૦થી ૩૦૦ ફુટ દૂર પાંજરામાં ઝડપાઈ ગયો હતો.  

આરે કૅમેરા ટ્રૅપિંગ ટીમના વાસિમ અથાણિયાનું કહેવું હતું કે ‘મેં એ વિસ્તારમાં શનિવારે રાતે બે દીપડા જોયા હતા. વળી આખી રાત ડૉગીઓ એ દિશામાં જોઈને ભસી રહ્યા હતા, જે દર્શાવતું હતું કે દીપડા માનવવસ્તીની નજીકમાં જ હરીફરી રહ્યા છે.’

ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટના એક ઑફિસરે નામ ન આપવાની શરતે કહ્યું હતું કે ‘૨૦-૩૦ લોકોએ કહ્યું છે કે તેઓએ રવિવારે પણ દીપડાને જોયો છે, એથી અમે એ દીપડો કોઈના પર હુમલો ન કરે એવી દક્ષતા રાખી ત્યાં એક ટીમ તહેનાત કરી છે અને એના દ્વારા પૅટ્રોલિંગ પણ થઈ રહ્યું છે. એટલું જ નહીં, આરે કૅમેરા ટ્રૅપિંગ ટીમને પણ કહેવાયું છે કે ૩ જણની ટીમમાં જ એ વિસ્તારમાં સાવધાનીપૂર્વક કામ કરવું, એકલદોકલ જવું નહીં, દીપડાનો ભય છે અને એ દિવસે પણ હરીફરી રહ્યો છે.’ 

mumbai mumbai news aarey colony sanjay gandhi national park ranjeet jadhav