કયા છે નરેન્દ્ર મોદીના બે દિવસના મુંબઈના કાર્યક્રમો

08 October, 2025 07:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટના ઉદ્ઘાટન પહેલાં રાજ્ય સરકારે નવી મુંબઈ ઍરપોર્ટ માટે અલાયદા પોલીસ-સ્ટેશનને મંજૂરી આપી દીધી છે.

નરેન્દ્ર મોદી

નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટનું ઉદ્ઘાટન આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. નવી મુંબઈ ઍરપોર્ટના ઉદ્ઘાટન સાથે બીજા અનેક પ્રકલ્પો વડા પ્રધાનના હસ્તે ખુલ્લા મૂકવામાં આવશે. આજે અને કાલે બે દિવસની મુંબઈની મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમોમાં યુનાઇટેડ કિંગડમ (UK)ના વડા પ્રધાન કીર સ્ટાર્મર સાથેની મુલાકાત પર પણ સૌની નજર રહેશે.

પ્રાઇમ મિનિસ્ટર્સ ઑફિસ (PMO)એ જાહેર કરેલી વિગતો મુજબ આજે બપોરે ૩ વાગ્યાની આસપાસ નરેન્દ્ર મોદી નવી મુંબઈ ઍરપોર્ટ પહોંચશે. અત્યાધુનિક સુવિધાથી સજ્જ નવી મુંબઈ ઍરપોર્ટની એક ટૂર લેશે. ૩.૩૦ વાગ્યે તેઓ નવી મુંબઈ ઍરપોર્ટ અને અન્ય પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે તેમ જ ઉપસ્થિત મહેમાનોને સંબોધન કરશે.

વરલીના આચાર્ય અત્રે ચોકથી કફ પરેડ સુધીના મેટ્રો-૩ના અંતિમ તબક્કાનું ઉદ્ઘાટન પણ કરવામાં આવશે, જેને કારણે ઉત્તર મુંબઈમાં આરે કૉલોનીથી દક્ષિણ મુંબઈમાં કફ પરેડ સુધીની કનેક્ટિવિટી સરળ બનશે.

મુંબઈ અને નવી મુંબઈ મેટ્રો નેટવર્ક, મોનોરેલ, લોકલ ટ્રેન નેટવર્ક, બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST), થાણે મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ, મીરા ભાઈંદર મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ, કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ અને નવી મુંબઈ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ જેવા ૧૧ પબ્લિક ટ્રાન્સપોર્ટ ઑપરેટર્સ (PTO) માટે કૉમન મોબિલિટી ઍપ – મુંબઈ વનને નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી લૉન્ચ કરશે.

સ્કિલ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપે એવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ઇન્ટરનેટ ઑફ થિંગ્સ (IoT), ઇલેક્ટ્રિક વ્હીકલ્સ (EV), સોલાર વગેરે ટેક્નૉલૉજીને લગતા શૉર્ટ ટર્મ એમ્પ્લૉયેબિલિટી પ્રોગ્રામ (STEP)નું ઉદ્ઘાટન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે.

૯ ઑક્ટોબરે જીઓ વર્લ્ડ સેન્ટરમાં આયોજિત છઠ્ઠા ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં નરેન્દ્ર મોદી અને UKના વડા પ્રધાન કીર સ્ટાર્મર સાથે ભાગ લેશે. ત્યાર બાદ બન્ને નેતાઓ ઇન્ડિયા-UK વચ્ચે ‘વિઝન-૨૦૩૫’ અંતર્ગત વિવિધ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિનો તાગ મેળવશે. તેમ જ ઔદ્યોગિક ક્ષેત્રના અગ્રણીઓ સાથે સંવાદ પણ કરશે.

નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ માટે બનશે અલાયદું પોલીસ-સ્ટેશન

નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટના ઉદ્ઘાટન પહેલાં રાજ્ય સરકારે નવી મુંબઈ ઍરપોર્ટ માટે અલાયદા પોલીસ-સ્ટેશનને મંજૂરી આપી દીધી છે.

૮ ઑક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન થયા બાદ ડિસેમ્બર મહિનાથી નવી મુંબઈ ઍરપોર્ટ પર ફ્લાઇટનું સંચાલન શરૂ થશે. લાંબા ગાળે વાર્ષિક ૯ કરોડ મુસાફરો અને ૩૬૦ કરોડ ટન કાર્ગોનું સંચાલન કરવાની ક્ષમતા ધરાવતા નવી મુંબઈ ઍરપોર્ટની સુરક્ષા માટે અલાયદા પોલીસ-સ્ટેશનની આવશ્યકતાને ધ્યાનમાં રાખીને પોલીસના પ્લાનિંગ અને કો-ઑર્ડિનેશન વિભાગના ઍડિશનલ ડિરેક્ટર જનરલે રાજ્યના ગૃહમંત્રાલય સમક્ષ રજૂઆત કરી હતી જેને મંજૂરી આપવામાં આવી છે.

હાલમાં નવી મુંબઈ ઍરપોર્ટનો વિસ્તાર પનવેલ અને ઉલવે પોલીસ-સ્ટેશનની હદમાં આવે છે. આ બન્ને સ્ટેશનોની હદને વિભાજિત કરીને નવા પોલીસ-સ્ટેશનની હદ નક્કી કરવામાં આવશે, જેમાં નવી ૧૦૮ પોસ્ટ ઊભી કરવામાં આવશે. પોલીસ-સ્ટેશન માટે સામાન્ય ખર્ચ પેટે અંદાજિત રિકરિંગ ખર્ચ ૩.૩૮ કરોડ રૂપિયા અને પોલીસ-સ્ટેશન ઊભું કરવા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પેટે નૉન-રિકરિંગ ખર્ચ ૧.૭૬ કરોડ રૂપિયા આંકવામાં આવ્યો છે.

mumbai news mumbai navi mumbai airport navi mumbai narendra modi indian government maharashtra news maharashtra